Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં આડેધડ ચાલતા રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટ પર સરકાર ગાળિયો કસવાની તૈયારીમાં

26 December

માથાના દુઃખાવા સમાન આર.એમ.સી. પ્લાન્ટથી આરોગ્ય સામે ગંભીર ખતરો




પૂર્વ કચ્છમાં ર૩ અને પશ્ચિમ કચ્છમાં ૩ પ્લાન્ટની જ મંજૂરી પણ ગેરકાયદેસર ધમધમતા પ્લાન્ટનો આંક ઘણો જ ઉંચો : સમગ્ર રાજ્યમાં મંજુરી સાથે ૬૫૯ પ્લાન્ટ કાર્યરત છે, મંજૂરી વગરનો આંકડો ૫૦૦૦થી વધુ : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પોલિસી બનાવવા માટે કામગીરી શરૂ કરાતા પ્લાન્ટ ધારકોની ઉંઘ હરામ 


પ્લાન્ટ દ્વારા ફેલાવાતા પ્રદુષણથી શ્વસનતંત્ર અને ચામડીના રોગોનું વધ્યું પ્રમાણ : ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચાવવા બિલ્ડરો નિયમોની કરી રહ્યા છે અનદેખી



ભુજ : વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂંકપ બાદ કચ્છ જિલ્લામાં થયેલા સર્વાંગી વિકાસના પગલે રિયલ એસ્ટેટ સેકટરમાં તેજી જોવા મળી રહી છે. જિલ્લા મથક ભુજથી માંડી દસેય તાલુકામાં રહેણાંક, ખાનગી અને કોમર્શિયલ ઉપરાંત ઔદ્યોગીક બાંધકામોની વણથંભી વણજાર છેલ્લા બે દાયકાથી અવિરત રહી છે. આજે પણ કચ્છમાં અનેક સ્થળો પર બાંધકામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કચ્છમાં ખાનગી અને સરકારી ધોરણે અનેક બાંધકામો હાલે પ્રગતિમાં છે. બદલાતા સમયની સાથે બાંધકામની પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે. અગાઉના સમયમાં નાના મોટા બાંધકામો પરંપરાગત પદ્ધતિ અને સાધનોથી થતા હતા. જયારે હવે બાંધકામ ક્ષેત્રે આધુનિક સાધન સામગ્રીનો પણ ભરપુર વપરાશ થઈ રહ્યો છે. સામાન્ય રીતે દેશના મહાનગરોમાં જોવામળતા બાંધકામ માટેના આધુનિક ઉપકરણો હવે કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે. બાંધકામ સેકટરમાં આધુનીક મશીનોના વપરાશના કારણે મેન પાવરનો વપરાશ ઘટ્યો છે ત્યાં બીજીતરફ અવાજ અને હવાના પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક વધ્યું છે. માથાના દુઃખાવા સમાન બની ગયેલા આર.એમ.સી. પ્લાન્ટથી આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. 
ભૂતકાળમાં સરકારે રેડી મિક્સ કોંક્રીટ પ્લાન્ટ પર ગાળિયો કસવાની કવાયત કરી હતી, પરંતુ તેના પર સંપૂર્ણ રોક હજુ સુધી લાગી નથી. 
આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજયભરમાં જેમ-જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ-તેમ નવી બિલ્ડિંગો-મકાનો બની રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી ખાસ કરીને ભુજ, ગાંધીધામ, મુંદરા સહિત રાજ્યના અન્ય મોટા શહેરોમાં નવા બાંધકામોનો રાફડો ફાટ્યો છે. આ બાંધકામોમાં સિમેન્ટ-કોંક્રીટના તૈયાર મટિરિયલનો મોટા 
પાયા પર ઉપયોગ થાય છે. જે મટિરિયલ તૈયાર કરવા માટે આર.એમ.સી. પ્લાન્ટ (રેડી મિક્સ કોંક્રીટ) બનાવવામાં આવે છે. 
આવા પ્લાન્ટની સંખ્યા એટલી વધી ગઈ છે કે, જેના લીધે શહેરોમાં હવાના પ્રદૂષણે માઝા મુકી છે. ભુજ શહેરનો વ્યાપ વધ્યા બાદ દૂર દૂરના ગ્રામીણ વિસ્તારો સુધી શહેરની સરહદો પહોંચી છે. ભૂકંપના ઝોન - પ માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં મલ્ટી સ્ટોરી બિલ્ડીંગના બાંધકામ પર પ્રતિબંધ હોવાથી રહેણાંક હેતુસરના બેઠા મકાનોની માંગ વધી છે, ત્યારે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોહાઉસીસ, ટેનામેન્ટ અને બંગલાઓનું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ પંથકની વાત કરીએ તો આ પંથકમાં અન્ડર બ્રીજ, ઓવરબ્રીજના અનેક કામો હાલે પ્રગતિમાં છે. જેમાં કોન્ટ્રાકટરો દ્વારા આધુનિક મશીનરીઓના સહારે નિયત સમય મર્યાદામાં કામ પુરૂં કરવા માટે નિયમોની અનદેખી પણ કરવામાં આવી રહી છે. જેમાં હવે પરંપરાગત રીતે બાંધકામના બદલે સમય અને નાણાની બચત માટે બિલ્ડરો આધુનિક મશીનરીનો સહારો લઈ રહ્યા છે.  કચ્છમાં આમ તો માત્ર બે ડઝન જેટલા જ મંજુર થયેલા આર.એમ.સી. પ્લાન્ટ સરકારી ચોપડે નોંધાયેલા છે. પરંતુ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યાનુસાર ભુજ સહિત કચ્છભરમાં ગેરકાયદેસર રીતે અનેક આર.એમ.સી. પ્લાન્ટ બેરોકટોક ધમધમી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં કોઈ ચેકીંગ થતી ન હોવાથી 
ગેરપ્રવૃતિને મોકળું મેદાન મળી રહ્યું છે. આવા મશીનોના કારણે ફેલાતા અવાજ પ્રદુષણના કારણે આસપાસમાં રહેતા લોકોનું જીવન દુર્ભર બની રહ્યું છે. 
જીપીસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં સરકાર દ્વારા મશીનરીના વપરાશ માટે પોલિસી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં આર.એમ.સી. પ્લાન્ટના સ્થળે તકેદારીના 
પૂરતા પગલાં લેવા પર ભાર મુકાયો છે.  પ્લાન્ટ ચાલુ હોય ત્યારે ડસ્ટ ન ઊડે તે જોવાની પ્લાન્ટ સંચાલકની જવાબદારી ફિક્સ કરાશે. આ માટે પ્લાન્ટની ફરતે ખૂબ જ ઊંચે સુધી આડશો લગાડીને અંદરની ડસ્ટ બહાર ન જાય તેવી વ્યવસ્થા કરવાનો નિયમ લાવવામાં આવશે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી મટિરિયલ ભરીને ટ્રક જાય ત્યારે પણ ધૂળ, માટી કે ડસ્ટ ન ઊડે તેની પણ વ્યવસ્થા કરવાની રહેશે.



.................


હવામાં ફેલાતા પ્રદુુષણની ગંભીર આડઅસર


તબીબોના જણાવ્યાનુસાર ધૂળ અને સિમેન્ટના લીધે હવામાં જે પ્રદૂષણ ફેલાય છે તેવી હવા જો શ્વાસમાં જાય તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની સમસ્યા સર્જાય છે. શોર્ટ ટર્મની સમસ્યામાં ઊલટી થવી, ગભરામણ થવી, આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સર્જાય છે. જ્યારે લાંબા ગાળાની સમસ્યામાં શ્વસનતંત્રના રોગ થઈ શકે છે. દમ, અસ્થમાની મુખ્ય સમસ્યા સર્જાઇ શકે છે. આ ઉપરાંત સ્કીન ડિસિજ પણ થઈ શકે છે. સાયનસની બીમારી પણ થઈ શકે છે. 

 

Comments

COMMENT / REPLY FROM