Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના પીપરી અને ઉનડોટ ગામ નજીક જુગાર ક્લબની મોસમ ખીલી ઉઠી 

25 December



પીપરીના સંચાલકો અલગ થતા ભુજના ક્લબ સંચાલકો સાથે ભાગમાં રાખીને ગામમાં પોતાની ક્લબ ધમધમતી કરી 


ભુજ : પશ્ચિમ કચ્છમાં ખોટા ધંધાઓ કરવાનું રાફડો ફાટ્યો હોય તેમ બધે બે નંબરી ધંધાની છૂટછાટ મળી ગઈ છે અગાઉ ચર્ચાસ્પદ રહેલી માંડવીના પીપરી ગામ નજીકની જુગાર કલબ ફરી ધમધમી ઉઠી છે. જો કે હવે તે ક્લબમાં સંચાલક રહેલા મોહનની પાર્ટનર સાથે કોઈક વાતે ચકમક ઝરતા તેણે હવે ઉનડોટ ગામ નજીક ધામા નાખ્યા છે. ભુજના જુગાર સંચાલકોને ભાગમાં રાખી પોતાની અલગ જુગાર કલબ ધમધમતી કરી દીધી છે. 
પશ્ચિમ કચ્છમાં પોલીસની રહેમ નજર હેઠળ હાલ બે જુગાર ક્લબો પૂર બહારમાં ખીલી ઉઠી છે. માડવી તાલુકાના પીપરી ગામ નજીક તો જુગાર ક્લબ ચાલુ જ હતી. થોડા સમય અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આટો મારતા વહીવટદારોએ થોડા દિવસ આરામ કરવા જણાવ્યું હતું બાદમાં ફરીથી પડ માંડ્યા હતા, જોકે આ ક્લબમાં પાર્ટનર રહેલા મોહનએ પોતાની અલગ જ જગ્યા ફિક્સ કરી ત્યાં જુગાર રમવાનું નક્કી કરી લીધું હતું. 
શેરડી અને ઉનડોટ ગામ નજીકમાં મોહન અને કરમશી સાથે મળીને પોતાનો ખેલ શરૂ કર્યો છે, જેમાં ભુજના ભૂખ્યાત ભીખો, મનીષ, અનિયો, જુસ્લો અને અંજારના ઓસમાણ અને અબ્બાસને સાથે રાખી ક્લબ ચાલુ કરી દીધી છે. ઉણઠ ગામ નજીક અને તેની આજુબાજુ વિસ્તારમાં આંગળીના વેઢે ગણાય તેટલા ઘર છે અને સાંજ પડેને કૂતરૂ પણ ન ફરકે તેવી સ્થિતિ હોય છે પણ હાલ થોડા દિવસોથી મોંઘીદાટ કારોમાં જુગારીઓની ભારે અવર જવર જોવા મળી રહી છે તેવું પંથકના સૂત્રોએ કહ્યું છે.



........


દરરોજ લાખો રૂપિયાની હાર જીત અને મિલમાં માત્ર ત્રણ જ ભાગીદાર 


માંડવીના ઉણઠ ગામ નજીક ભુજના સંચાલકોને સાથે રાખીને શરૂ કરાયેલી જુગાર ક્લબમાં ગાંધીધામ, રાપર, આદિપુર પંથકના જુના ખેલીયો રમવા માટે આવે છે અને દરરોજ લાખો રૂપિયાની હારજીત થાય છે. ભુજના ભીખા અને સ્થાનિકના કરમશી અને મોહન ત્રણ જણા જ મિલમાં ભાગીદાર છે. જ્યારે અન્ય ભુજના જુગારીઓને ટોટમાં ભાગીદારી અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



પીપરી નજીક જુગાર કલબ નબળી થઈ જતા તેણે પણ અન્ય સંચાલકોને સાથે રાખ્યા 


માંડવીનો મોહન જુગાર ક્લબના નેટવર્કમાં સારૂ નામ ધરાવે છે અને તે પીપરી નજીકની ક્લબમાંથી છૂટો થતા ક્લબ પર જુગારીઓની સંખ્યા ઘટી ગઈ હતી પણ કલબને પાછી બેઠી કરવા માટે ખેલીઓની જરૂર હોતા તેણે અન્ય સંચાલકોને પાર્ટનરશીપમાં રાખીને પોતાની ક્લબ ધમધમતી કરી દીધી હતી.

 

Comments

COMMENT / REPLY FROM