સામખિયાળી-માળિયા ધોરીમાર્ગની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે વૈકલ્પિક રસ્તો જરૂરી
પલાંસવા - ટીક્કર ફોરલેન માર્ગ જ એક માત્ર વિકલ્પ..!
પલાસવા અને ટીક્કર વચ્ચે રસ્તો બનાવવાની મંજૂરી રક્ષિત અભ્યારણ્યના કારણે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે અટકાવી : પલાસવા - ટીક્કર ફોરલેન રસ્તો બને તો ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને સૂરજબારી ફરીને જવાની જરૂર ન પડે : વૈકલ્પિક માર્ગથી સૂરજબારી પાસે ટ્રાફિકજામની સમસ્યાનો મહદઅંશે આવે ઉકેલ
ત્રણ નેશનલ હાઈવે સાથે જોડાયેલા કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સુરજબારી, સામખિયાળી પાસે ટ્રાફિકની સમસ્યા બની શરદર્દ સમાન : ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ બળવતર
ભુજ : ઔધોગિક, બંદરીય અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા કચ્છ જિલ્લામાં વાહનોની અવર જવર વધવાની સાથે ધોરીમાર્ગોનું વિસ્તરણ અનિવાર્ય બન્યું છે. ત્રણ - ત્રણ નેશનલ હાઈવે સાથે જોડાયેલા કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સુરજબારી, સામખિયાળી પાસે ટ્રાફિકની સમસ્યા શરદર્દ બની છે. ભારેથી અતિભારે વાહનોની સતત અવરજવરથી ધમધમતા સામખિયાળી હાઈવેને ટ્રાફિકની સમસ્યાથી મહદઅંશે છુટકારો અપાવવા પલાંસવા - ટીક્કર જેવો વૈકલ્પિક માર્ગ બનાવવાની લોક લાગણી સ્થાનિકે પ્રવર્તી રહી છે. આ અંગે વિગત મુજબ કચ્છના સર્વાંગી વિકાસ બાદ છેલ્લા ઘણા વર્ષોથી સામખિયાળી - માળિયા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે શરદર્દ સમાન બની છે. આ માર્ગ પર અવાર નવાર લાંબો ટ્રાફિકજામ સર્જાતા કલાકો સુધી માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. ઈમરજન્સી કેસને લઈ જતા એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર જેવા વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જવાના બનાવો બનતા રહે છે. ભારે વાહનોની સતત અવરજવરના કારણે ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ બળવતર બની છે. સામખિયાળી - માળિયા હાઈવે પરના ટ્રાફિકનું ભારણ હળવું કરવા પલાંસવા ટીક્કર ફોરલેન માર્ગનું નિર્માણ કરવામં આવે તો સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે તેવું સ્થાનિક જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે. રાપર તાલુકાના પલાસવા ગામને હળવદ અને સુરેન્દ્રનગર નજીક પડે છે. બે દાયકા અગાઉ પલાસવા અને ટીક્કર વચ્ચે રસ્તો બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જે તે સમયે રક્ષિત અભ્યારણ્યના કારણે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે રોડ બનાવવાની મંજૂરી અટકાવી હતી. દાયકાઓ અગાઉ પલાંસવા - ટીક્કર માર્ગ પર રાપર, મોરબી, ધ્રાંગધ્રા અને ચિત્રોડ સુધીની બસો દોડતી હતી. ૧૯૬પ અને ૧૯૭૧ના ભારત - પાકિસ્તાન યુદ્ધ વખતે જામનગર અને ધ્રાંગધ્રાથી સેનાની ટુકડીઓ આ રસ્તે જ યુદ્ધના મોરચે પહોંચી હતી. હાલે કચ્છનો જિલ્લા બહારનો તમામ વાહન વ્યવહાર સામખિયાળી - માળિયા ધોરીમાર્ગ પરથી ચાલી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે મોરબીનો મચ્છુડેમ ઓવરફલો થાય અને તેના દરવાજા ખોલવામાં આવે ત્યારે માળિયા - સૂરજબારી હાઈવે પરથી પાણી પસાર થાય છે તેવા સમયે કચ્છ જિલ્લાનો વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બાધિત થઈ જતો હોય છે. કચ્છથી મોરબી, રાજકોટ કે, અમદાવાદ તરફ જતા તમામ માર્ગો બંધ થઈ જતા હોય છે. જો પલાસવા - ટીક્કર ફોરલેન રસ્તો બને તો ધ્રાંગધ્રા તરફ જતા વાહનોને સૂરજબારી ફરીને જવાની જરૂર ન પડે જેથી માળિયા - સામખિયાળી હાઈવે પરનો ટ્રાફિક મહદઅંશે ઘટી શકે છે.
પલાંસવા ટીક્કર રસ્તાથી કચ્છનું નાનું રણ ૩પ કિ.મી. દૂર થાય છે. જો આ રસ્તો બનવાથી વાહન વ્યવહાર ધમધમતો થાય તો નાના રણમાં વન્યજીવોના શિકારની પ્રવૃતિ પર પણ અંકુશ લાવી શકાય.
કચ્છ અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનો પર જવા માટે ટૂંકા માર્ગની વ્યવસ્થા ઉભી થશે, જેનો લાભ ધાર્મિક પ્રવાસનને પણ મળી શકશે. કચ્છના સાંસદ, ધારાસભ્યો સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પલાંસવા - ટીક્કર રસ્તા માટે પ્રયત્નો કરે તે ઈચ્છનીય છે. આ વૈકલ્પિક માર્ગ તૈયાર થતાં સૂરજબારી પર એકાંતરે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા લોકોને કાયમી છૂટકારો મળી જશે તેવું સ્થાનિક જાગૃતો જણાવી રહ્યા છે.
............
અભયારણ્યમાંથી વીજલાઈનો પસાર થઈ શકે તો રસ્તો કેમ નહીં ?
રાપર : તાલુકાના ગાગોદર સબ સ્ટેશનમાંથી ૬૬ કેવીની વીજલાઈનો નાના રણમાંથી પસાર થાય છે. પલાંસવાથી સબ સ્ટેશન સુધી પહોંચે છે. અભયારણ્યમાં મોટા વીજપોલ લગાડવા અને વીજલાઈનોને પસાર કરવાની મંજૂરી ગેટકોને મળી ગઈ છે પરંતુ પલાંસવા-ટીકર-હળવદ રોડની મંજૂરી આપવામાં આવતી નથી. જો અભ્યારણમાં વીજ લાઈનો પસાર થઈ શકતી હોય તો લોકો માટે અતિ ઉપયોગી બની શકે તેવો રસ્તો શા માટે ન બની શકે તેવો વેધક સવાલ રાપર તાલુકાના શકતાભાઈ ભરવાડ સહિતના સામાજિક યુવા કાર્યકર્તાઓએ ઉઠાવ્યો હતો.

Comments