Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના જતાવીરા સમીપે બાકપટની રખાલમાંથી લાકડાની હેરાફેરી 

24 December

કચ્છમાં કોલસાનો કાળો કારોબાર





નખત્રાણા : કચ્છના પરંપરાગત જંગલી વૃક્ષો જેવા કે, ખીજડો, ખેર, ગુગળ, પીલુડી, થોર, ખાખરા, આવળ, હરૂ કે આંબલી જેવા વૃક્ષોનું કોલસા માટે મોટા પાયે નિકંદન નીકળી જતા ગાંડા બાવળમાંથી કોલસો બનાવવા રાજ્ય સરકારે આપેલી મંજૂરી પાછી ખેંચી પાસ પ્રથા અમલી બનાવવામાં આવી છે. પરંતુ કોલસાના કારોબારમાં ધીંગી આવક થતી હોવાથી ગેરકાયદેસર કોલસો પાળવાની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. ભૌગોલિક દૃષ્ટીએ વિશાળ એવા કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં કોલસો બનાવવાનો કારોબાર હજુ સમ્યો નથી તે હવે વધુ ફુલ્યો ફાલ્યો છે. ગાંડા બાવળ સાથે મીઠી ઝાડીઓનો પણ મોટા પ્રમાણમાં કોલસાની લ્હાયમાં સોથ વાળી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ નખત્રાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા બનાવવાની ફરિયાદ ઉઠી હતી. જંગલ ખાતા હસ્તકની રખાલમાંથી જ મોટા પ્રમાણમાં લાકડાઓ ઉપાડી અન્યત્ર કોલસાના ભઠ્ઠા કરાયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ જિલ્લા વનતંત્ર દ્વારા તપાસનો આદેશ કરાયો છે. જોકે આ સમગ્ર કારસામાં વન વિભાગના જ કેટલાક ભ્રષ્ટ કર્મીઓની સંડોવણી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે તંત્રની તપાસ સામે સંશય ઉઠી રહ્યા છે. 
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર નખત્રાણા તાલુકાના જતાવીરા ગામ નજીક નખત્રાણા પશ્ચિમ રેન્જ હસ્તકની આવેલ વિસ્તારમાં બાકપટ રખાલ આવેલી છે. આ રખાલમાંથી મોટા પ્રમાણમાં સાફ - સફાઈના નામે લાકડાઓની હેરાફેરી કરી પૈયા અને વેડહાર વિસ્તારમાં લાકડામાંથી કોલસા બનાવી દેવાયા હોવાનુંં સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સમગ્ર બાબતમાં ચર્ચાતી વિગતો મુજબ પૈયામાં ખાનગી ખેતર ન હોવાની વાત ઉપર ધ્યાન અપાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. તાજેતરમાં કેટલાક કોલસાની પાસ પરમીટમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર કારસામાં વન વિભાગના જ કેટલાક કર્મીઓની સંડોવણી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ફરિયાદ જિલ્લા વનતંત્ર સમક્ષ પહોંચતા તપાસના આદેશ થયા છે અને હાલે નખત્રાણા પશ્ચિમ  રેન્જના જવાબદારો તપાસ ચલાવી રહ્યા છે તેવું ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. 
નખત્રાણા પશ્ચિમ આરએફઓ વનજરાસિંહ વિહોલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રખાલમાંથી લાકડાની હેરાફેરીની વાત અફવા માત્ર છે. કેટલાક સ્થાનિકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. જતાવીરાની રખાલમાંથી લીધેલ લાકડાના કોલસા પૈયા આસપાસ બન્યા હોવાની વાતને રદિયો આપતા તેમણે જણાવ્યું હતું કે, અંદાજીત ર૦ દિવસ પહેલા રખાલમાં પ્લોટ સફાઈ માટે ઝાળી કટીંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકો ફોરેસ્ટ વિભાગના જ કેટલાક ભ્રષ્ટ કર્મીઓ સામેલ હોઈ તપાસને તરકટ સમાન ગણાવી રહ્યા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, રખાલમાં સાફ - સફાઈની કામ માટે નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડે છે અને સફાઈ દરમ્યાન કટીંગ કરવામાં આવેલ ઝાડીઓનું હરરાજી કરીને વેચાણ કરવાનું રહે છે. પરંતુ અહી સરકારી નિયમોનું અનદેખી કરાઈ હોવાની વાત ઉઠી રહી છે. નખત્રાણા તાલુકાના જતાવીરા ગામ નજીક આવેલ બાકપટ રખાલ અંદાજીત રપ૦ હેકટર વિસ્તારમાં પથરાયેલ છે. આ રખાલની સાફ સફાઈ માટે અંદાજે એક મહિનાથી વધુ જેસીબી મારફતે ઝાંડી કટીગની કામગીરી કરવામાં આવી હતી. બાવડની સફાઈ માટે ટેન્ડર જેવી કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર બારોબાર લાકડાનો વ્યવહાર થઈ ગયો હોવાનો સ્થાનિકો ચર્ચાઈ રહ્યું છે.3

Comments

COMMENT / REPLY FROM