પૂર્વ કચ્છની તસ્કર ગેંગ ધ્રોલના સોલાર પ્લાન્ટમાં ચોરી કરતા પકડાઈ
નાની ચીરઈ, વરસાણા, ગળપાદર, અંજાર નવાનગર અને હેમલાઈ ફળિયાના સાત ઈસમોને ઝડપી મુદ્દામાલ કરાયો કબજે : ઝડપાયેલા આરોપીઓ કચ્છમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રીઢા ગુનેગાર
ગાંધીધામ : કચ્છમાં અવારનવાર કેબલ ચોરી, પવનચક્કીના વાયર ચોરી, વાડીઓમાંથી બોરના કેબલ ચોરીની ઘટના સામે આવે છે. પોલીસ આરોપીને પકડે બાદમાં છુટી જાય, બાદમાં ફરી ચોરીના બનાવોને અંજામ આપે અને ફરી પકડાય. આમ ચોર પોલીસના આ ખેલમાં નુકશાન લોકોની મિલ્કતને થઈ રહ્યું છે. પૂર્વ કચ્છના સાત ઈસમો કચ્છમાં તો ચોરીને અંજામ આપતા જ હતા, પણ હવે જિલ્લા બહાર જઈ જામનગરના ધ્રોલ વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખની વાયર ચોરીમાં ઝડપાયા છે.
જામનગરના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી રૂા. બે લાખની કિમતના વાયરની ચોરી થઇ ગઇ હતી. જેમાં ચોરીના ગુનાના આરોપીઓ બે અલગ-અલગ વાહનોમાં ભાદરા ગામના પાટિયેથી ધ્રોલ તરફ આવનાર છે. તેથી માવપર ગામના ૫ાટિયા પાસે બન્ને વાહનોને રોકી તેમાંથી તસ્કર ગેંગના ૭ સભ્યોને ઝડપી કાર, ટ્રક તથા ચોરીમાં ગયેલ ૧.૩૩ લાખનો ૧૯૦ કિલો કોપર વાયર, વાયર કટિંગના સાધનો તથા ૪ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં નાની ચીરઈનો મામદભાઈ સીદીકભાઈ ત્રાયા, ઇમરાન ભચુભાઈ નાગડા, હાજી ભચુભાઈ નાગડા તથા અંજારના નવાનગરનો બીલાલ ઉર્ફે મોસીન જુસબ હીગોરજા, હેમલાઈ ફળિયાનો રફીકશા અલીશા શેખ, વરસાણાનો અઝરૂદ્દીન ગુલમામદ હીગોરજા, ગળપાદરનો મોસીન અલી મહમહયુસુફ ગરાસીયા પકડાયા હતા. આરો૫ીઓએ ધ્રોલ, ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસે તથા હળવદના રણજીતગઢ પાસે તાજેતરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી જી.જે.૧ર.બીએકસ ૧૬૬પ નંબરની ચાર લાખની ગાડી, ત્રણ લાખની જી.જે.૧ર.એફબી ર૯૧૩ નંબરની ગાડી, તેમજ ૧.૩૩ લાખના વાયર, ર૦ હજારના મોબાઈલ અને વાયર કટીંગના સાધનો કબજે કરવામાં આવ્યા હતા. આરોપી હાજી નાગડા સામે કંડલા મરીન, ગાંધીધામ બી ડિવિઝન, ભચાઉ અને મુંદરા મરીનમાં ૧૦ ગુના, રફીક સામે પધ્ધર, ભચાઉ અને અંજારમાં ૪ ગુના, બીલાલ સામે અંજારમાં બે ગુના અને ઈમરાન સામે ભચાઉ અને ગાંધીધામ બી ડિવિઝનમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું અને પુછપરછ દરમ્યાન કચ્છમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

Comments