પૂર્વ કચ્છ પોલીસનો સપાટો : પાંચ બુટલેગરોને પાસામાં ધકેલાયા
કિડાણા, શિણાય, નીંગાળના ઈસમો સામે કરાઈ કાર્યવાહી
ગાંધીધામ : આગામી થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસ દોડતી થઈ છે. તાજેતરમાં એસએમસીએ ભુજમાંથી મોટા બુટલેગર ગણાતા પુના ભાણા ભરવાડને ઉપાડી લીધો હતો. હવે પૂર્વ કચ્છ પોલીસે ત્રણ બુટલેગર સહિત પાંચ શખ્સોને પાસામાં ધકેલી દીધા છે. આ અંગેની વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા ૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને પગલા લેવા જણાવતા એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કલેકટરે દરખાસ્ત મંજુર કરતા આરોપીઓની અટકાયત કરી જેલમાં ધકેલી દેવાયા છે. જેમાં કિડાણાના રાજુપ્રસાદ સુરેન્દ્રપ્રસાદ ચંદ્રવંશીને ભાવનગર, શિણાયના મીતરાજસિંહ ઉર્ફે મિતેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાને અમદાવાદ, મુળ રાપરના હાલે નિંગાળમાં રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો નાગુભા વાઘેલાને સુરત, નિંગાળના જીગર મોહનભાઈ વાળંદને અમદાવાદ અને નિંગાળના વાલજી જખુભાઈ વીરડાને વડોદરા જેલમાં પાસા તળે મોકલી દેવામાં આવ્યા છે. તમામ સામે દારૂના ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

Comments