કચ્છમાં માન્ય ફાર્માસીસ્ટ વગર ચાલતી દવાની દુકાન પર તંત્રની રહેમનજર
કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટને વધુ કડક બનાવ્યો હોવા છતાં કચ્છમાં શહેરી અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ કેટલીક ફાર્માસીઓને ચલાવી રહ્યા છે ‘મુન્નાભાઈ’ : જિલ્લામાં બોગસ તબીબો પર અવાર નવાર ધોસ બોલાવતું તંત્ર દવાઓના હાટડાઓની તપાસ કરે તો અનેક દુકાનોને લાગે અલીગઢી તાળા
ભુજ : કચ્છ જિલ્લાના દસેય તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્વોલિફાઈડ બીફાર્મ લાયસન્સધારક વગર દવાઓના હાટડા ધમધમી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અનેક દવાની દુકાનો ભાડાના સર્ટિફિકેટ પર ચાલી રહી છે. કચ્છમાં અવાર નવાર બોગસ તબીબો પકડાયાના કિસ્સાઓ ઉજાગર થાય છે, પરંતુ અન્યના નામે ચાલતા મેડિકલ સ્ટોર પર ભાગ્યે જ કાર્યવાહી થતી હોય છે. તંત્રની ઉદાસીનતાના પગલે માન્ય ડિગ્રી ધારક વગર જ દવાઓના કેટલાક હાટડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકારે ફાર્મસી એક્ટમાં સુધારો કરી તેને વધુ કડક બનાવ્યો છે. નવા નિયમ મુજબ દવાની દુકાન ચલાવવા ભાડેથી સર્ટિફિકેટ આપ્યું હશે તો ૧ લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે. આ ઉપરાંત કાયદાનો ભંગ કરનારને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં પણ જવું પડશે. તેમ છતાં દવાઓના વ્યવસાયમાં નફાનો ગાળો ખુબ મોટા હોવાથી અનેક લોકો યોગ્યતા ન હોવા છતાં પણ આ વ્યવસાયમાં ઝંપલાવી ચૂક્યા છે. માન્યતા પ્રાપ્ત ફાર્માસિસ્ટ પાસેથી સર્ટિફિકેટ ભાડા પર લઈને મેડિકલ સ્ટોર શરૂ કરી દેવામાં આવે છે જેમાં મોટાભાગે સંચાલકો પાસેથી દવાની દુકાન ચલાવવા માટે માન્યતા હોતી નથી. કચ્છ જિલ્લામાં અનેક દવાની દુકાનો માન્યતા પ્રાપ્ત ફાર્માસીસ્ટ વગર જ ચાલતી હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.કચ્છના શહેરી અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી ફાર્માસીઓ પર સઘન તપાસ કરવામાં આવે તો અનેક દવાની દુકાનોને અલીગઢી તાળાઓ લાગવાની નોબત આવી શકે.

Comments