Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવતા કાળાબજારિયા બન્યા બેફામ

20 December

જાહેર વિતરણ વ્યવસ્થામાં છીંડા




તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં આવ્યું ચોંકાવનારૂં તારણ : કચ્છ - ગુજરાતમાં ૪૩ ટકા અનાજ સરકારી ગોદામથી નીકળ્યા બાદ નથી પહોંચતું ગરીબો સુધી : હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડીચરના રિપોર્ટ અનુસાર ઘઉં-ચોખાનો મોટો જથ્થો લાભાર્થી સુધી પહોંચવાના બદલે બારોબાર થઈ ગયો સગેવગે : ભુજમાં કેટલીક સંસ્થા અનાજની દુકાનો ઘઉં - ચોખા ઓછા આપતા હોેવાની ફરિયાદ ઉઠવા પામી


ભુજ : કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો બે ટાઈમ ભરપેટ ભોજન મેળવી શકે અને કોઈ પણ દરિદ્રનારાયણ ભૂખ્યા ન સુવે તે માટે અનેકવિધ યોજનાઓ ચલાવે છે. કોરોના કાળથી ગરીબોને દર મહિને મફત અનાજ આપવાની યોજના ચલાવવામાં આવી રહી છે, પરંતુ કચ્છ સહિત ગુજરાતભરમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા હોવાનું પૂરવાર થયું છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં ખૂલાસો થયો છે કે સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વાજબી ભાવની દુકાન સુધી પહોંચતું જ નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેઝ થકી ૪૩ ટકા અનાજ સગેવગે કરી દેવાતું હોવાનો ખૂલાસો થયો છે. તો ભુજમાં કેટલીક સસ્થા અનાજના દુકાનદારો અનાજનો જથ્થો ઓછા આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ - ગુજરાતમાં ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવતા કાળાબજારિયા બેફામ બની ગયા છે. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કાળાબજારિયા વધુ સક્રિય હોવાનો ખૂલાસો તાજેતરમાં હાથ ધરવામાં આવેલ એક સર્વેમાં થયો હતો. ૪૩ ટકા જેટલું અનાજ બારોબાર સગેવગે થઈ જતું હોવા છતાં સરકારે મૌન ધારણ કરી રાખ્યું છે.એક તરફ લાખો ગરીબોને મફત અનાજ આપી સરકારે મોટી સિદ્ધિ મેળવી હોય તેવો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા થકી ધૂમ ભ્રષ્ટાચાર આચરવામાંં આવી રહ્યો છે. આ ગેરરીતિના કારણે ગરીબોને તેમના હક્કનું અનાજ પણ મળતું નથી. સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં ન પહોંચે તે માટે જાહેર વિતરણની આખી વ્યવસ્થાને કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે, પરંતુ તેમાં હજુય ક્ષતિઓ હોવાથી કોઈના કોઈ કારણે અનાજનો જથ્થો ઓપન માર્કેટમાં પહોંચી જાય છે. ઈકોનોમિક થીન્ક ટેન્કના સર્વેક્ષણ અનુસાર વર્ષે અનાજનો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે તેની કોઈ ખબર લેવામાં આવતી નથી. દર વર્ષે કરોડોનું અનાજ ગરીબો સુધી પહોંચવાના બદલે કાળાબજારિયાઓ સગેવગે કરી દેતા હોય છે. હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સેપેન્ડીચર સર્વે અનુસાર જુલાઈ ર૦ર૩ સુધી ર કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી. ડીજીટલ ટેકનોલોજી અપનાવ્યા છતાં ગરીબો સુધી અનાજ પહોંચતું નથી.કચ્છ જિલ્લામાં સરકારી ગોડાઉનમાંથી ભ્રષ્ટાચારી ધનેડાઓ અનાજ ચરી જતા હોય છે, તો કેટલાક ભ્રષ્ટ સસ્તા અનાજના દુકાનદારો ગરીબ કાર્ડધારકોની અજ્ઞાનતાનો લાભ લઈ તેમને મળવાપાત્ર જથ્થાથી ઓછું અનાજ આપી ગેરરીતિ કરતા હોય છે. પુરવઠા તંત્ર દ્વારા ભાગ્યે જ આવી દુકાનોમાં જથ્થાની ચકાસણી થતી હોવાથી કાળાબજારી કરતા સંચાલકોને મોકળું મેદાન મળી જતું હોય છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જવાબદાર તંત્રોની ઉદાસીનતાના પગલે ગરીબોના મોઢાનો કોળિયો છીનવાઈ જાય છે અને સરકારની જન કલ્યાણકારી યોજનાનો પૂરતો લાભ સાચા લાભાર્થીને મળવાના બદલે ભ્રષ્ટાચારીઓ લઈ જતા હોય છે. વિતરણ વ્યવસ્થાની ક્ષતિઓ દૂર કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરતા સસ્તા અનાજના દુકાનદારો પર કડક પગલાં લેવાય તો જ કચ્છના ગરીબોનું કલ્યાણ થઈ શકશે તેવું જાગૃત કચ્છવાસઓ જણાવી રહ્યા છે.


 

Comments

COMMENT / REPLY FROM