કચ્છમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટી માટે આગોતરો થનગનાટ : હોટલ-રિસોર્ટ ફૂલ
ભુજ, ગાંધીધામ, મુંદરા, માંડવી સહિત કચ્છના પ્રવાસન સ્થળો પર આવેલી હોટેલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટેમાં હાઉસફુલના પાટિયા : ટુર ટ્રાવેલ્સ અને ખાણીપીણીના ધંધાર્થીઓને પણ થશે તડાકો : અંતિમ ઘડીએ પ્રવાસનું આયોજન કરનારને વ્યવસ્થા માટે દોડધામની આવી નોબત : ખાનગી ફાર્મહાઉસ ખાતે પણ ડીજે પાર્ટીઓના ગોઠવાતા આયોજનો
ભુજ : અંગ્રેજી વર્ષના સૌથી મોટા એવા ક્રિસમસ અને ન્યુયરના તહેવારના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશ અને દુનિયાભરમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટીઓના આયોજન થઈ રહ્યા છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છનું યુવાધન ઉપરાંત કચ્છ આવતા પ્રવાસીઓ પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે આગોતરા આયોજનો ગોઠવતા થયા છે, જેથી તહેવારોની ઉજવણીનો આગોતરો ઉમંગ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યા બાદ હાલ પશ્ચિમ હોય કે પૂર્વ કચ્છમાં અનેક નવી હોટલો અને પાર્ટી પ્લોટ શરૂ થયા છે. છેલ્લા બે દાયકાથી પ્રવાસન હબ બનીને ઉભરેલા કચ્છ જિલ્લામાં પણ અંગ્રેજી વર્ષના અંતિમ દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ખાસ કરીને નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ પણ કચ્છમાં ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટી માટે તમામ હોટલ-રિસોર્ટમાં હાઉસફુલના પાટિયા લાગી ગયા છે. તહેવારોની ઉજવણી માટે કચ્છ આવતા પ્રવાસીઓએ એડવાન્સમાં જ પોતાના બુકીંગ કરાવી લીધા છે. છેલ્લી ઘડીએ પ્રવાસનું આયોજન કરનાર પર્યટકોને હવે ડબલ ભાડા ચુકવવાની ફરજ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં હોટેલ અને ગેસ્ટહાઉસ ઉપરાંત હોમ સ્ટેનું પણ ચલણ વધ્યું છે. મુખ્ય પ્રવાસન સ્થળો પર આવેલા હોમ સ્ટેમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ક્રિસમસના વેકેશનમાં ફરવાનું આયોજન થતું હોવાથી કચ્છ બહારથી આવતા સહેલાણીઓેએ પોતાના પરિવાર કે ગ્રૂપ સાથે કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવાના આયોજન કરી દીધા છે. જિલ્લાની અનેક જાણીતી હોટલોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા છે. દેશના જાણીતા કલાકારોના સંગાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તો અનેક ખાનગી ફાર્મહાઉસ પર પણ પાર્ટીઓના આયોજનો થશે. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે સ્થાનીક કલાકારો, સાજીંદાઓના એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે. અનેક સ્થળો પર ડીજે પાર્ટીના આયોજન હોવાથી ડેકોરેશન અને મોટી સાઉન્ડ સીસ્ટમની ડિમાન્ડ પણ વધી છે. કચ્છના હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોના જણાવ્યાનુસાર આ વર્ષે પ્રવાસીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી ક્રિસમસ વેકેશનમાં સહેલાણીઓ કચ્છ પ્રવાસે આવી રહ્યા છે. જે પૈકી મોટા ભાગનાઓએ ઓનલાઈન બુકીંગ કરાવી પોતાના રહેવા, ફરવાની વ્યવસ્થા કરી લીધી છે. પર્યટન સ્થળોની પુરબહારમાં ખીલેલી સીઝનના પગલે ટુર ટ્રાવેલ્સ ઉદ્યોગમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે. લકઝરી બસોથી માંડી નાના પ્રવાસી વાહનોની માંગ પણ ખુબ વધી છે. તેની સાથોસાથ કચ્છમાં ખાણીપીણીના ધંધાર્થીઓ, રેસ્ટોરેન્ટ અને હસ્તકળાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને પણ પ્રવાસીઓના ધસારાના પગલે તડાકો પડયો છે.
.........
વર્ષ ર૦ર૪ ની વિદાય ટાંકણે મધરાતે નશો કરનારાઓની ખેર નથી
સરહદી રાજ્યોમાંથી ઉજવણી કરી પરત ફરનાર ઉપર પણ વોચ રખાશે : પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાસ ટીમો તૈનાત કરાશે
ભુજ : વર્ષ ર૦ર૪ ની વિદાય અને વર્ષ ર૦રપ નું સ્વાગત કરવા આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. થર્સ્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન વિદેશી શરાબની મહેફિલો ન મંડાય અને ગુજરાતના પડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત જેવા સરહદી કેન્દ્રો ઉપરથી વિદેશી શરાબનો જથ્થો ન ઠલવાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આબુ જેવા હિલ સ્ટેશનો અને દિવ જેવા સ્થાનો ઉપર પહોંચનાર જિલ્લાના યુવાનો નશાખોરી હાલતમાં પરત ફરશે તો અવશ્ય દંડાશે. કચ્છની સરહદ પર પોલીસ તંત્ર દ્વારા પુરતી વોચ ગોઠવવામાં આવી છે અને બહારથી આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરાશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ ટીમ તૈનાત રહેશે અને આલ્કોહોલ લીધેલું છે કે નહીં તે સહિતની ચેકીંગ આવનારા દિવસોમાં રાત્રે ખાસ હાથ ધરવામાં આવશે.
આ અંગેની વિગતો મુજબ સરહદી કચ્છ જિલ્લામાં દેશી દારૂ ઉપરાંત વિદેશી શરાબ, ગાંજો અને ડ્રગ્સનું દુષણ ચિંતાજનક હદે વધ્યું છે. છેલ્લા થોડા સમયગાળામાં જ અગાઉ કયારેય ન પકડાયા હોય તેટલા જથ્થામાં વિદેશી શરાબ અને એમડી ડ્રગ્સને ઝડપી પાડવામાં કાયદાના રક્ષકોને સફળતા મળી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બુટલેગરો કચ્છમાં વિદેશી શરાબને લઈ આવવા અનેક ગતકડા અજમાવતા થયા છે. દારૂ પ્યાસીઓની માંગને સંતોષવા તાજેતરમાં જ એક કિસ્સામાં કુરીયર મારફતે વિદેશી દારૂ કચ્છમાં ઘૂસાડવાનો પર્દાફાશ થયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ પંજાબની જેમ ડ્રગ્સની લત યુવાધનને બરદાર કરી રહી છે. કચ્છમાં યેનકેન પ્રકારે નશીલા પદાર્થોને ઘૂસાડવાની પ્રવૃતિ મોટા પાયે વધી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે કચ્છમાં દારૂ, ગાંજો અને એમડી ડ્રગ્સની કેટલીક ખેપને ટ્રેસ કરવામાં કાયદાના રક્ષકોને સફળતા મળી છે પરંતુ આજે પણ કચ્છમાં વ્યસનીઓને દેશી દારૂથી માંડીને એમડી ડ્રગ્સ સુધીની નશાની ચીજવસ્તુઓ આસાનીથી જ મળી રહે છે. દરમ્યાન થર્ટી ફર્સ્ટની રાત્રે નશાના કારોબાર કરનારા પર સકંજો કસવા માટે પોલીસ તંત્ર સઘન વોચ ગોઠવી રહ્યું છે અને તે માટે પોલીસે પોતાના બાતમીદારોને પણ એલર્ટ કરી દીધા છે.
થર્સ્ટી ફર્સ્ટની મધરાતે ૧ર.૦૦ કલાકે ૩૧ ડિસેમ્બરને વિદાય આપવા અને ૧ જાન્યુઆરીના વધામણા કરવા માટે ભૂતકાળમાં ભુજ, ગાંધીધામ સહિત અન્ય શહેરી વિસ્તારોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસો પર પણ રંગારંગના કાર્યક્રમો યોજાયેલા છે અને ઠંડીના માહોલમાં વિદેશી શરાબની મહેફિલો પણ મંડાઈ હતી. જો કે વિદાય લેતા વર્ષની વિદાયની ઉજવણી દરમ્યાન ગુનાખોરીનો ગ્રાફ ઉંચકાયો ન હતો. પરંતુ દારૂબંધીના કાયદાનું છડેચોક ઉલ્લંઘન થયું હતું. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ ઠેર ઠેર વિદેશી શરાબનો જથ્થો કબજે લેવામાં આવી રહ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ કે દમણ ગયેલા રસીયાઓ નશીલી હાલતમાં પરત ફરતા પકડાશે તો તેમની ખેર નથી.

Comments