Trending News
સ્થાનિક સમાચાર

સહકારી સમિતિઓના બેંક ખાતા ફ્રીઝ થતા કચ્છમાં ચુકવણા અટક્યા

19 December


જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગોની નાની સમિતિઓના બેંક ખાતાઓની કેવાયસી ન થતાં દોડધામ : કેવાયસી માટે બેંક પાનકાર્ડ માંગે પરંતુ સમિતિ કે સંસ્થાના ખાતામાં પેઢીનું પાનકાર્ડ કયાંથી લાવવું તે યક્ષ પ્રશ્ન : બેંકો દ્વારા હાથ ઉંચા કરી લેવાતા હવે તંત્ર મધ્યસ્થી કરી ઉકેલ લાવે તે જરૂરી : અનેક લાભાર્થીઓ સરકારી સહાયથી વંચિત રહી ગયા



ભુજ : હાલના દિવસોમાં કેવાયસી શબ્દ કાને અથડાય તો અરજદારોની લાંબી કતારનું ચિત્ર આંખો સામે તરી આવતું હોય છે. આધારકાર્ડ, રાશનકાર્ડની કેવાયસીના રઘવાટ વચ્ચે નાની સમિતિઓને પણ બેંક ખાતાની કેવાયસીનું ગ્રહણ નડી જતા ઉચાટ ફેલાયો છે.
આ અંગેની વિગતો મુજબ, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક દ્વારા તમામ બેંક ખાતાઓની કેવાયસીના આદેશ કરવામાં આવ્યા બાદ વ્યક્તિગત નાના બચત ખાતાઓ, ધંધાદારી અને કોર્પોરેટ જગતના કરન્ટ એકાઉન્ટ સહિતના ખાતાઓની કેવાયસી ફરજીયાત કરી દેવામાં આવી છે, જેમાં સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથ સહિત વિવિધ સમિતિઓના ખાતાઓની કેવાયસી પણ અનિવાર્ય કરવામાં આવી છે. હાલે કચ્છમા કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકની શાખાઓમાં કેવાયસીની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવતા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા સહિત વિવિધ વિભાગોની નાની સમિતિઓના બેંક ખાતાઓ કેવાયસીના અભાવે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. નાની સમિતિઓના જરૂરી ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ ન હોવાથી બેંક દ્વારા નાણાંકીય વ્યવહારો પર રોક લગાવી દેવામાં આવતા કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. આ બાબતે ભોગગ્રસ્તોના જણાવ્યા પ્રમાણે બેંકો દ્વારા કેવાયસી માટે પાનકાર્ડ, આધારકાર્ડ, હાલનો ફોટો અને સહી ઉપરાંત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. વ્યક્તિગત અથવા જોઈન્ટ ખાતું હોય તો આ બધા પુરાવા રજુ કરી પુનઃ એકાઉન્ટ ચાલુ કરાવી શકાય. આમ તો જોગવાઈ એવી છે તાત્કાલિક ખાતું ચાલુ થઈ જાય. પરંતુ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મહિનાઓ વીતી જવા છતાં બેંકો ખાતા ચાલુ કરતી નથી. જેથી વ્યવહારો અને ચુકવણા અટકી પડે છે. હાલમાં અલગ અલગ સમિતિઓ, સંસ્થાઓના ખાતા બેંકમાં હોય છે અને સહકારી સમિતિઓ હોતા કાયમ કોઈ વ્યક્તિ તેનું સંચાલન કરતો હોતો નથી. વખતો વખત તેમાં સંચાલન કરતા બદલાય છે જેથી પેઢીના નામે ખાતું હોય છે, પરંતુ હવે પેઢીનું પાનકાર્ડ કયાંથી લાવવું ? તે એક સવાલ ઉપજયો છે. બેંકમાં તપાસ કરો તો તેઓ આરબીઆઈની ગાઈડલાઈન હોવાનું ગાણું ગાય છે. કચ્છમાં આરબીઆઈની કોઈ શાખા નથી અને સરકાર પોતાના ખર્ચે અમદાવાદ આરબીઆઈ શાખામાં કર્મચારીને મોકલશે નહીં પરિણામે ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થીઓને મળતી સહાય કે જે સમિતિઓના બેંક ખાતામાં જમા થતી હોય છે, તે ચુકવાઈ શકી ન હોવાની વિગતો જાણવા મળે છે. મોટા ભાગના ચુકવણા ચેક મારફતે થતા હોય છે જેથી ગ્રામીણ વિસ્તારમાં ઘર્ષણના બનાવો વધ્યા છે. ખરેખર હવે જિલ્લા તંત્રે આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. ખરેખર ભુજમાં કેમ્પ યોજી તમામ બેંકના જવાબદારોને હાજર રાખી તમામ સમિતિઓના બેંક ખાતા પુનઃ ચાલુ થાય તે માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ. હજુ તો માત્ર સરકારી બેંકોએ આ નીતિને અનુસરી છે અને આગામી સમયમાં ખાનગી બેંકો પણ કડક રૂખ અપનાવે તો  વધુ હાલાકી થાય તે પૂર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન તોડે તે 
જરૂરી છે. 
.

Comments

COMMENT / REPLY FROM