Trending News
સ્થાનિક સમાચાર

અંજાર પંથકમાં  ૩૦મી ડિસે.-૬ જાન્યુ. હાથ ધરાનાર પર્યાવરણીય લોક સુનાવણીમાં જનઆક્રોશ ભભૂકવાના એંધાણ 

19 December


પૂર્વ કચ્છમાં ખનિજ લીઝોને આડેધડ અપાતી મંજૂરી સામે સ્થાનિકોમાં ભભૂકતો આક્રોશ : ઔદ્યોગિક વિકાસ સાથે ખનન પ્રવૃતિમાં આવેલા ઉછાળાથી પ્રદુષણ અને પર્યાવરણ સમસ્યાઓ વધી : જીવસૃષ્ટિને પણ થયું વ્યાપક નુકશાન 



અંજાર : વિપુલ પ્રમાણમાં ખનિજ સંપદાથી સમૃદ્ધ અંજાર પંથકમાં ખનિજોના મોટા પ્રમાણમાં થતા ખનનથી પર્યાવરણની સુરક્ષા અને અબોલ જીવો, પક્ષીઓ માટે જોખમ ઉભું થયું છે. અંજાર પંથકમાં આવેલ મોટાભાગની લીઝ હાલે ઈસી અને માઈનિંગ પ્લાનના અભાવે બંધ કરવામાં આવી છે, જો કે, અંજાર વિસ્તારમાં ખનિજ લીઝોને આડેધડ અપાતી મંજૂરીની પ્રક્રિયા સામે સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે.  અંજાર પંથક સહિત પૂર્વ કચ્છમાં વ્યાપક પ્રમાણમાં કિંમતી ખનિજોનું ખનન થતા પર્યાવરણીય સંકટ ઉભું થયું છે. આ પંથકમાં થયેલા ઔધોગિક વિકાસ સાથે ખનનની પ્રવૃતિમાં ઉછાળો આવતા પ્રદુષણ અને પર્યાવરણીય સમસ્યાઓ વધી છે. રાષ્ટ્રીય પક્ષી મોર, પોપટ વગેરે જેવા અનેક રૂપકડાં પંખીઓ અંજાર અને વાગડ વિસ્તારમાં લુપ્ત થવાની કગારે પહોંચ્યા છે. પંખીઓ ઉપરાંત જંગલી અને પાલતુ પશુઓ માટે પણ ખનનની પ્રવૃતિ સમસ્યાનું કારણ બની છે. વ્યાપક પ્રમાણમાં ખનિજોના ખનનથી મસમોટા ખાડાઓ થયા છે, જેમાં અકસ્માતે પશુપાલકોના પશુઓ અને જંગલી પશુઓનો ભોગ લેવાતો હોય છે. આવી કોઈ ઘટના બને ત્યારે તંત્ર દ્વારા થોડો સમય કડકાઈ દાખવવામાં આવે છે, પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાતા નથી. લીઝધારકોએ ખુલ્લા છોડી દિધેલા ખાડાઓ કોઈ પશુનો ભોગ ન લે તે માટે કવરીંગની દરકાર પણ લેવામાં આવતી નથી.અંજારના મિંદિયાળા નજીક ત્રણ બ્લેકટ્રેપ માઈન લીઝ માટે પર્યાવરણીય લોક સુનાવણી આગામી તા. ૩૦મી ડિસેમ્બરના ખોડિયાર માતાના મંદિર, ધુના માતા, વીડી - દેવડિયા રોડ નજીક ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અંજાર ખાતે પણ બે બ્લેકટ્રેપ માઈન લીઝ માટે લોક સુનાવણી તે જ સ્થળે તા. ૬ જાન્યુઆરીના રોજ યોજાશે. સ્થાનિક લોકોમાં લીઝની મંજૂરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પર્યાવરણીય મંજૂરી માટેની લોક સુનાવણી રાખવામાં આવી છે, પરંતુ સ્થાનિકોને તે અંગે પુરતી જાણ થાય તે માટે પ્રચાર - પ્રસાર કરવામાં આવ્યો નથી. લોક સુનાવણીની પ્રક્રિયા વિના વિવાદે પાર  પાડી શકાય તે માટે તંત્ર દ્વારા પર્યાવરણીય લોક સુનાવણી અંગે લોકોને જાણ કરવાની નિયમાનુસાર પ્રક્રિયામાં કચાશ રાખવામાં આવી રહી છે, જો કે, સ્થાનિક જાગૃતોએ પર્યાવરણ અને પશુઓની સુરક્ષાના ભોગે લીઝને મંજૂરી ન અપાય તે માટે રજૂઆતનો તખ્તો ઘડાયો છે. આ કાર્યમાં પર્યાવરણવાદી અને જીવદયાની પ્રવૃતિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ પણ જોડાશે તેવું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM