ઈફકોની બોરીમાં હલકી ગુણવત્તાનું ખાતર ભરવાના કૌભાંડનો પર્દાફાશ
કચ્છમાં ખેતીવાડી વિભાગની આંખે અંધારા... ખેડૂતોના ઉજાગરા...
સામખિયાળી - રાધનપુર હાઈવે પર આધોઈ પાટીયા પાસે આવેલી હોટલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે કરી હતી કાર્યવાહી : એફએસએલ રીપોર્ટમાં હલકી ગુણવતાનું ખાતર નિકળ્યા બાદ પાટણ અને ઉંઝાના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ : ૬.૮૮ લાખના બાચકા કરાયા હતા કબજે
ગાંધીધામ : એકતરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ બનાવે જેની અમલવારી કરવાનું કામ ખેતીવાડી વિભાગનું હોય છે, પરંતુ આ વિભાગને ખેતરોમાં લીલી હરિયાળી કરતા પોતાના ખીસ્સામાં હરી પતી ભરવાનું વધારે પસંદ હોય તેમ દરરોજ નીત નવા કૌભાંડ સામે આવતા હોય છે. તાજેતરમાં કૃષિ સહાયમાં ભારે ગોલમાલ થઈ અને બારેમાસ ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરતા હોય છે, તેવામાં વધુ એકવાર પોલીસે મીલાવટભર્યા ખાતરને ઝડપી લીધો છે.
આ અંગેની વિગતો મુજબ સામખિયાળી રાધનપુર હાઈવે રોડ પર આધોઈ પાટીયા પાસે આવેલી ભારત હોટલમાં ગત તા. ૧૭ જુલાઈના બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેની તપાસમાં એફએસએલ રીપોર્ટમાં હકીકતો ખુલ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી મુળ પંજાબના હાલે પાટણ રહેતા અજયકુમાર મોહનલાલ અને ઉંઝામાં રહેતા જીગરજી જયંતજી ઠાકોરે ગુનાહિત કાવતરૂં રચી પોતાના આર્થિક ફાયદા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી ઈફકો કંપની લખેલ ખાતરની બોરીઓ ઠગાઈ કરવાના હેતુથી બનાવી હતી. આ સરકારી ખાતર લેખાતી બોરીઓમાં બીન પ્રમાણીત કે જે ખાતર પણ ન ગણાય તેવો હલકો પદાર્થ ભરવામાં આવ્યો હતો, જે વેચી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. આરોપીઓએ ર૩૧ બેગ કિંમત રૂા. ૬,૮૮,૮૪ર નો મુદ્દામાલ મોકલાવ્યો હતો. જેથી લાકડીયા પોલીસ સ્ટેશનમાં બન્ને સામે ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ પણ સાયબર ક્રાઈમ પોલીસે પોતાની પાસે રાખી છે.અત્રે મહત્વની બાબત એ છે કે અંજાર તાલુકાના લાખાપર ગામે ખેડૂતોએ ખાતર ભરેલી ગાડી પકડી હતી. જે તે સમયે આ માલ પ્લાય કંપનીમાં જતો હોવાનું ખુદ ચાલકે નિવેદન આપ્યા છતા તપાસનું તરકટ કરી જે તે સમયે પકડાયેલા ચાલક અને વાહન માલિક સામે ગુનો નોધાવી સંતોષ માની લેવામાં આવ્યો હતો. તેમજ અંજાર પોલીસે પણ આ પ્રકરણમાં પાછળથી ભીનુ સંકેલી લીધું હતું. જેથી આ કિસ્સામાં આજદીન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ભચાઉ - ગઢશીશાના ઈસમોના નામ ખુલ્યા છતાં પગલાં ન ભરાયા. તેનાથી વિપરીત એલસીબીએ અંજારમાં કેસ શોધ્યો તેમાં તાકીદના ધોરણે કકરવાની મંડળીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. વાગડ વિસ્તાર સહિત કચ્છભરમાં સીઝન દરમ્યાન એક દિવસ એવો નથી ગયો જયારે લાઈનમાં ઉભ્યા વગર ખેડૂતોને ખાતર મળ્યું હોય. વાગડમાં તો રીતસરની ચંપલોની લાઈન કરવામાં આવતી અને ભુજમાં ચેમ્બરમાં બેઠા બેઠા નેતાઓની જેમ ખેતીવાડી અધિકારી એવું નિવેદન આપતા કે કચ્છમાં ખાતરની કોઈ તંગી નથી. તેમજ મોટા ભાગના ખેડૂતો આક્ષેપ કરે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે જે સબસીડીયુકત ખાતર મોકલવામાં આવે છે તે બારોબાર કંપનીઓમાં પગ કરી જાય છે અને ખેડૂતોને પાછલા થોડા સમયથી જે ખાતર મળી રહ્યો છે તેમાં ગુણવતામાં બાંધછોડ થઈ છે. કચ્છમાં ગાંધીધામ અને ભચાઉ વિસ્તારમાં મોટે ભાગે પ્લાય કંપનીઓ આવેલી છે જેમાં યુરીયા ખાતર વધારે
વપરાતું હોય છે. પરંતુ કચ્છના ખેતીવાડી વિભાગ દ્વારા આ કંપનીઓ સાથે સાંઠગાંઠ હોય તેમ કોઈ કાર્યવાહી ન કરાતા વ્યાપક ફરિયાદો બાદ સૌરાષ્ટ્રથી આવેલી ટુકડીઓએ તપાસ કરી કાર્યવાહી કરી હતી. અવારનવાર નાક કપાવવા
છતા ભુજ ખેતીવાડી વિભાગ કુંભકર્ણી નિંદ્રામાં હોવાનું ઢોંગ કરે છે. વાગડમાં ડુપ્લીકેટ ખાતરના આ પ્રકરણમાં પોલીસે સપાટો બોલાવ્યો અને ખેડૂતોના હિતમાં કામગીરી કરી પરંતુ હજેુય ખેતીવાડી વિભાગ તો સબ સલામતની ભૂમિકામાં જ છે.

Comments