ખાખી પર કાળી ટીલ્લી : કચ્છમાંથી ફરાર ૮પ૧ અપરાધીઓ પોલીસને મળતા જ નથી !
સરહદી જિલ્લામાં સુરક્ષા મુદ્દે સબ સલામતની ગૂલબાંગો વચ્ચે...
અમુક તત્વો તો પોલીસને હાથ તાળી દઈને ભાગી છુટયા છે તેનો પણ કોઈ જ અત્તોપત્તો હજુ સુધી નથી
કચ્છ સહિત ગુજરાત પોલીસના ચોપડે જેલમાં સજા ભોગવી રહેલા અપરાધીઓ કરતા ભાગેડુનો આંક વધુ : પૂર્વ કચ્છમાં પ૪૭ અને પશ્ચિમ કચ્છમાં ૩૦૪ અપરાધીઓ કાયદાના લાંબા હાથની પકડથી દૂર
’
રાજ્યના ગૃહ વિભાગે નાસતા - ફરતા વોન્ટેડ અપરાધીઓને પકડવા કરેલી તાકીદ બાદ પોલીસ તંત્રએ આદરી કવાયત : ફરાર ગુનેગારોને પકડવા પોલીસની ટીમો બની સક્રિય
ભુજ : કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે અને કોઈપણ ચમરબંધીને છોડવામાં આવતા નથી તેવી વાત જાહેરસભામાં કોઈ રાજનેતા કે પોલીસ અધિકારી કરતા હોય છે ત્યારે કચ્છવાસીઓ ગૌરવભેર તે વાત તાળીઓથી વધાવી લેતા હોય છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાંથી ભાગેડુ આરોપીઓના આંકડા કંઈક અલગ જ ચિત્ર દર્શાવી રહ્યા છે.
આ અંગેની મળતી વિગતો મુજબ કચ્છમા કાયદો અને વ્યવસ્થાની સુચારૂ અમલવારી માટે પોલીસ વિભાગનું બે જિલ્લામાં વિભાજન કરવામાં આવ્યું છે. સામખિયાળીથી કોટેશ્વર સુધી મોટો ભૂભાગ ધરાવતા સરહદી જિલ્લાને બે એસપી મળ્યા છે. સરહદી રેન્જ આઈજીની કચેરી પણ ભુજમાં આવેલી છે. સામાન્ય રીતે કચ્છ જિલ્લાની ગણતરી શાંતિપ્રિય વિસ્તારમાં થાય છે,
પરંતુ વિતેલા બે દાયકા દરમ્યાન કચ્છમાં ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવા અપરાધોનું પ્રમાણ વધ્યું છે. કચ્છમાં આરોપીઓને સજા માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બે જેલ આવેલી છે. બે જેલ, બે એસપી જેવી ડબલ સુરક્ષા - સુવિધા ધરાવતા સરહદી જિલ્લામાં ભાગેડુ આરોપીઓને જાણે કાયદાનો કોઈ જ ભય ન હોય તેમ બિન્દાસ ફરાર થઈ ગયા છે. ગુજરાત પોલીસના ચોપડે નાધાયેલા ૧૯ હજારથી વધુ અલગ-અલગ ગુનાઓના આરોપીઓ ખૂલ્લેઆમ ફરી રહ્યા છે. કચ્છ સહિત ગુજરાતની ૩૧ જેલમાં પાકા કામના પાંચ હજાર અને અન્ય આરોપીઓ મળી ૧૭,૩૧પ આરોપીઓ સજા ભોગી રહ્યા છે, પરંતુ ભાગેડુ આરોપીઓનો આંક તેનાથી વધુ ૧૦ હજારથી ઉપરનો છે. સરહદી કચ્છ જિલ્લાની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં પ૪૭ અને પશ્ચિમ કચ્છમાં ૩૦૪ સહિત કુલ ૮પ૧ અપરાધીઓ ફરાર થયા છે. ગુનો કર્યા બાદ ફરાર થઈ જાય અને પકડાય નહીં તેવા આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. ૩ વર્ષથી માંડી રપ વર્ષ સુધી પકડાયા ન હોય તેવા ગુનેગારોની લાંબી યાદી બની છે. તાજેતરમાં રાજ્યના
ગૃહ વિભાગ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ અપરાધીઓને પકડી પાડવા રાજ્ય પોલીસ તંત્રને ખાસ તાકીદ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ધોકો પછાડતા કચ્છ સહિત રાજ્યભરમાં પોલીસની ટીમો ફરાર અપરાધીઓ પકડી પાડવા સક્રિય બની છે. ગુજરાતના ફરાર આરોપીઓની યાદીમાં ૮૦ નામ એવા છે જેઓ ગુનો આચરી વિદેશ ભાગી ગયા છે. આ સૂચિમાં દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણ જેવા કુખ્યાત અપરાધીઓનો સભાવેશ થાય છે. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે. આ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક અને બંદરિય વિકાસ બાદ અનેક લોકો દેશના વિવિધ રાજ્યોમાંથી નોકરી ધંધા અર્થે આવીને વસવાટ કરી રહ્યા છે. આવા બારાતુઓ જિલ્લામાં કોઈ અપરાધ કરી નાસી જાય તો અધુરા નામ અને સરનામાના કારણે પકડવા મુશ્કેલ બને છે. બારાતુ કારીગરોના બી-રોલ ભરવાની વારંવારની તાકીદ હોવા છતાં તેમાં લાપરવાહી દાખવવામાં આવતી હોય છે.
.....................
ખૂંખાર અપરાધીઓ માટે કચ્છ સલામત આશ્રયસ્થાન
ભુજ : પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ બાદ દર વર્ષે દેશ-વિદેશના લાખો સહેલાણીઓ કચ્છના અતિથિ બનતા હોય છે, તો બીજી તરફ સરહદી જિલ્લો ખૂંખાર અપરાધીઓ માટે જાણે સલામત આશ્રયસ્થાન હોય તેમ અવાર નવાર દેશના અન્ય રાજ્યોમાં અપરાધ કરી આવેલા ગુનેગારો કચ્છમાં આશ્રય મેળવી લેતા હોય છે. બોલીવુડ સુપરસ્ટાર સલામન ખાનના ઘર પર ફાયરીંગ કરનાર અપરાધી હોય કે પંજાબના સિંગર સિધુ મુસેવાલાના મર્ડર કેસના આરોપીઓ હોય, આવા અપરાધીઓ કચ્છમાંથી પકડાઈ ચૂક્યા છે, જે ચિંતાનો વિષય છે. ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામો અપરાધીઓ માટે સલામત આશ્રયસ્થાન બની જાય છે. સરહદી જિલ્લો હોવાના નાતે કચ્છમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસની સવિશેષ જવાબદારી રહેતી હોય છે. દેશની સલામતી માટે જોખમરૂપ અને મોટા અપરાધોમાં સંડોવાયેલા અપરાધીઓ કચ્છમાં આશ્રય ન મેળવી જાય તે માટે પોલીસ અને એજન્સીઓ સાથે કચ્છીજનો પણ જાગૃત રહે તે ઈચ્છનીય છે.
પેરોલફર્લો સ્ક્વોર્ડની કામગીરી શંકાના દાયરામાં
કોઈપણ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પ્રથમ જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનની અને બાદમાં એલસીબી, એસઓજી અને નાસતા ફરતા આરોપીને પકડવા માટે ખાસ રચાયેલ પેરોલફર્લો સ્ક્વોર્ડની છે. પેરોલફર્લો સ્ક્વોર્ડનું મૂળ કામ નાસતા ફરતા આરોપીને પકડવાનું છે, પરંતુ પશ્ચિમ કચ્છમાં આ સ્ક્વોર્ડની કામગીરી સંતોષકારક ન જણાતા તાજેતરમાં એસપીએ ખાસ સ્પેશિયલ ઈન્વિસ્ટિગેશન ટુકડી બનાવી તેઓને ફરાર આરોપીઓને પકડવા માટે કામ સોંપ્યું હતું. પૂર્વની વાત કરીએ તો અહીં અવાર-નવાર એલસીબી નાસતા ફરતા આરોપીઓને પકડે છે પરંતુ પેરોલફર્લો સ્ક્વોર્ડ તો માત્ર કાગળ પર પોતાની કામગીરી બતાવે છે. બન્ને જિલ્લામાં આ સ્કવોર્ડની કામગીરી શંકાના દાયરામાં છે.

Comments