ખારીરોહરમાં લોકોની દવા કરતા બે બોગસ ડોકટર પકડાયા
પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના શખ્સો પોતાને ગણાવતા હતા ડોકટર : આરોગ્ય વિભાગને કરવાની થતી કામગીરી વધુ એકવાર પોલીસે કરી : માત્ર પૂર્વ કચ્છમાં બોગસ ડોકટરો પકડાય, પશ્ચિમ કચ્છમાં પોલીસે સબ સલામતનું ચિત્ર ઉભુ કર્યું
ગાંધીધામ : રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષે કચ્છને સામાજિક દ્રષ્ટીએ પછાત ગણવામાં આવે છે. કચ્છમાં કચ્છીઓ કરતાં બહારથી રોજગારી માટે આવેલા પરપ્રાંતિઓની સંખ્યા વધારે છે. સુવિધા આપવાના દાવા વચ્ચે કચ્છના સરકારી દવાખાનાઓમાં ડોકટરોની અડધો અડધ જગ્યા ખાલી છે. જેથી ના છુટકે બોગસ તબીબોને છુટોદોર મળે છે. તેવામાં ગાંધીધામ તાલુકાના ખારીરોહરમાંથી વધુ એક વખત બે બોગસ ડોકટર પકડાયા છે.
પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને ભચાઉ પટ્ટામાં અસંખ્ય ઉદ્યોગોના કારણે પરપ્રાંતિઓની સંખ્યા વધારે છે. સરકારી દવાખાના શહેર પુરતા સીમીત બની ગયા છે. પ્રાઈવેટમાં પગ પહોંચે તેમ નથી, જેથી ગ્રામીણ વિસ્તારો અને જયાં પરપ્રાતિયો વધુ રહે તેવા મજૂર વિસ્તારોમાં બોગસ ડોકટરો પોતાની દુકાન ખોલી નાખે છે. તેઓ પાસે કોઈ જાતની ડિગ્રી કે, પ્રમાણપત્ર હોતું નથી. માત્ર અનુભવના આધારે કરવામાં આવતા ઉપચારમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે દવા થઈ જાય છે.
એસઓજી દ્વારા એ ડિવિઝન પોલીસની હદમાં તપાસ કરવામાં આવી ત્યારે ખારીરોહર સીમમાં નેશનલ હાઈવેથી મોડવદર તરફ જતા રસ્તા પર દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પશ્ચિમ બંગાળના ર૯ વર્ષિય અન્ચિતકુમાર અશીતકુમાર બિશ્વાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં ડોકટરની પ્રેકટીસ કરી ગેરકાયદે રીતે દવાખાનું ચલાવી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો રાખ્યા હતા. ૧ર,૦ર૧નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જયારે બીજી કાર્યવાહી આ જ વિસ્તારમાં શાહ એન્જીનયરીંગની બાજુમાં કરવામાં આવી હતી, જેમાં આંધ્રપ્રદેશનો હાલે અહીં રહેતો લોકનાધમ પાપૈયા ગોરકલા નામનો શખ્સ ગેરકાયદે રીતે ડોકટર તરીકે પ્રેકટીશ કરતો હતો. અહીં ૧૪ હજારની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. બંને કિસ્સામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અત્રે મહત્વની બાબત એ છે કે, પશ્ચિમ કચ્છમાં પણ મુંદરા, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ઔદ્યોગીક વસાહતો છે, અહીં પણ બોગસ તબીબોના હાટડા ધમધમી રહ્યા હોવાની ફરિયાદ અવાર નવાર સામે આવતી હોય છે, પરંતુ અહીં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ખરેખર બોગસ ડોકટરો સામે આરોગ્ય વિભાગને પગલાં લેવાના થતા હોય છે, પણ આ વિભાગે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી. જો પૂર્વ કચ્છમાં પોલીસ સમયાંતરે બોગસ તબીબો સામે કાર્યવાહી કરતી હોય તો પશ્ચિમ કચ્છમાં કેમ પગલાં ભરવા નથી આવતા તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Comments