૩૭ લાખથી વધુ સહેલાણીઓએ સફેદ રણ નિહાળ્યું
વિશ્વમાં ભલે ઘણા પ્રવાસન સ્થળો હોય પરંતુ ડુંગર, દરિયો, રણ અને પ્રાચીન વિરાસત જાળવવા સાથે આધુનિકતાનો સંગમ માત્ર કચ્છમાં જ જોવા મળે, ચાલુ વર્ષે બે લાખ મુલાકાતી આવ્યા
ભુજ : બોલીવુડની અનેક ફિલ્મો અને મ્યુઝિક વીડિયો આલ્બમોમાં ઝળકી ચુકેલા કચ્છ પ્રવાસનના શીરમોર સમાન ધોરડોના સફેદ રણને વર્ષ ર૦૧૧ થી અત્યાર સુધી ૩૭ લાખથી વધુ લોકોએ નિહાળ્યું છે. કોરોના કાળને બાદ કરતા દર વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યા લાખોમાં જ રહી છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો હતો. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવશે. જો કે અત્યાર સુધી અંદાજીત બે લાખ જેટલા પ્રવાસીઓ કચ્છના સફેદ રણના સૌંદર્યને માણી ચુકયા છે.
ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવાના ઉદેશથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં પડાવ નાખ્યો ત્યારે ધોરડો વિસ્તારમાં અફાટ સફેદ રણ જોઈ ભવિષ્યને પારખીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનો સંકલ્પ નક્કી કર્યો. શરૂઆતમાં ભુજ - ખાવડા રોડ પર વેકરીયાના રણ પાસે ત્રણ દિવસનો રણોત્સવ યોજાયો હતો. જે બાદ દર વર્ષે આયોજન થતું ગયું અને સ્થળ બદલાઈને ધોરડો પહોંચી આજે ત્રણ દિવસનો રણોત્સવ ચાર મહિનાનો થયો છે. વિશ્વમાં ઉજવાતા ઉત્સવો પૈકી સૌથી મોટો ઉત્સવ જો કોઈ હોય તો તે રણોત્સવ છે. ખાસ કરીને અગાઉ માત્ર સહેલાણીઓ સફેદ રણ જોઈ શકતા, જો કે પાછલા કેટલાક વર્ષોથી ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના ઉપક્રમે અહીં વિવિધ આયામો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કચ્છી કળા સંસ્કૃતિ વર્ણવતી ક્રાફટ બજાર, એડવેન્ચર પાર્ક, ફુડ સ્ટોલ તો ખરા ટેન્ટસિટી પણ અનોખું આકર્ષણ ઉભું કરે છે. ઉપરાંત નિઃશુલ્ક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગત વર્ષથી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષની જો વાત કરીએ તો પ્રથમ વખત બે હજારથી વધુ વાહનો એક સાથે પાર્ક થઈ શકે તે માટે નિઃશુલ્ક પાર્કિંગ ઉભું કરવા સાથે પ્રથમ વખત હોપ ઓન હોપ ઓફ બસ સેવા શરૂ કરાઈ છે. પાર્કિંગમાં ગાડી રાખ્યા બાદ સબરસ બસ સ્ટેશનથી પ્રવાસીઓને એસટી બસમાં વોચ ટાવર લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઉંટગાડીઓ પણ અનેરૂં આકર્ષણ ઉભું કરે છે. અત્યાર સુધી રણોત્સવ માત્ર ધોરડો પુરતો સીમીત હતું પરંતુ રોડ ટુ હેવનના કારણે ધોળાવીરા સુધી વ્યાપ વધ્યો છે. આમ તો એકલના રણ સુધી સફેદી જોવા મળે છે, પરંતુ હાલે ધોરડો અને ત્યાંથી ખાવડા થઈ ૩પ કિલોમીટરનું રોડ ટુ હેવન અનેરૂં આકર્ષણ ઉભું કરે છે. બન્ને બાજુ સફેદી અને રસ્તો પુરો થતા વૈૅશ્વિક હડપ્પીય નગર ધોળાવીરામાં પ્રવેશ મળે છે. પાંચ હજાર વર્ષ જુનું નગર નિહાળવા સાથે અહીં જોવા મળતું અફાટ સફેદ રણ, ફલેમિંગો પક્ષીઓન કલરવ તેમજ સુર્યોદય અને સુર્યાસ્તનો નજારો આંખોને ઠંડક આપે છે. વિશ્વમાં ભલે ઘણા પ્રવાસન સ્થળો હોય પરંતુ ડુંગર, દરિયો, રણ અને પ્રાચીન વિરાસત જાળવવા સાથે આધુનિકતાનું સંગમ કચ્છમાં જોવા મળે છે.
..........
સફેદ રણના સહેલાણીઓની સંખ્યા
વર્ષ સહેલાણી
ર૦૧૧-૧ર ૭૪૮૪૮
ર૦૧ર-૧૩ ૧૫૦૨૬૬
ર૦૧૩-૧૪ ૨૦૫૭૦૨
ર૦૧૪-૧પ ૩૨૨૭૨૨
ર૦૧પ-૧૬ ૨૧૫૨૦૬
ર૦૧૬-૧૭ ૨૧૩૧૦૭
ર૦૧૭-૧૮ ૪૬૬૪૭૦
ર૦૧૮-૧૯ ૪૨૫૬૪૪
ર૦૧૯-ર૦ ૪૭૬૨૮૯
ર૦ર૦-ર૧ ૧૩૦૪૨૭
ર૦ર૧-રર ૧૮૦૦૭૪
ર૦રર-ર૩ ૨૪૨૪૭૭
ર૦ર૩-ર૪ ૪૨૪૬૩૭
ર૦ર૪-રપ ૨ લાખથી વધુ

Comments