Trending News
સ્થાનિક સમાચાર

જખૌ વિસ્તારમાં પવનચક્કીના કેબલ ચોરતી ટોળકીના ચાર સાગરીત પકડાયા 

14 December




પાંચના નામ ખુલ્યા, કુલ ૯ ચોરીનો ભેદ ઉકેલાયો 


ભુજ : અબડાસા તાલુકામાં પવનચક્કીના આગમન બાદ કેબલ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે એલસીબીએ ટોળકીના ચાર સાગરીતને ઝડપી લીધા છે, જયારે પાંચના નામ ખુલ્યા છે. આ અંગેની વિગતો મુજબ એલસીબીને બાતમી મળી કે, ભુજના સુલતાન હુસેન કુંભાર, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર અને અબ્બાસ અલીમામદ કકલ ચોરી કરવાની ટેવવાળા છે અને સુલતાનની બોલેરો નંબર જી.જે. ૧ર એ ઝેડ ૮૪૧૯ લઈ અબડાસાના અલગ અલગ ગામોમાં ચોરી કરે છે. આરોપી કોડકી ગામ થઈ ભુજ આવતા હોવાની બાતમીના આધારે ત્રણેયને ઝડપી લેવાયા પુછપરછ કરતાં અન્ય આરોપીઓના નામ આપ્યા અને અવાર નવાર પવનચક્કીના અંદરના ભાગેથી તેમજ કોપર કેબલ વાયરની અત્યાર સુધી ૯ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ આ મુદ્દામાલ વસીમ કુંભારના વાડે રાખ્યો હોવાથી તેની પણ અટકાયત કરી મુદામાલ કબ્જે કરાયો હતો. એલસીબીએ ભીડ નાકા બહાર કુંભાર ફળિયામાં રહેતા સુલતાન હુસેન કુંભાર, ભૂતેશ્વરના હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર, અબ્બાસ અલીમામદ કકલ અને કુંભાર ફળિયાના વસીમ જુસબ કુંભારની અટકાયત કરી છે. જયારે ભુજના જુસબ મોખા, ઈસ્માઈલ પટેલ, અબડાસાના બાંડિયારાના સુલેમાન સંઘાર, હુસેન લુહાર, બાલાચોડના સિકંદર લુહારના નામ ખુલ્યા છે. આરોપી પાસેથી કોપરના ૭પ હજારના વાયર, એલ્યુમિનીયમના પ૦ હજારના વાયર, ત્રણ લાખની ગાડી, ૧૦ હજારના બે મોબાઈલ, ચોરી માટે ઉપયોગમાં લીધેલ વાયર કટર, પાના પકડ કબ્જે કરાયા હતા. ચાલુ વર્ષે જખૌ પોલીસમાં દાખલ થયેલા ૪ અને જખૌ મરીનમાં દાખલ થયેલ ૧ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત બે ત્રણ મહિના પહેલા બુડિયા ગામની સીમમાં, ૧૦ -૧પ દિવસ પહેલા જખૌ સીમમાં, ત્રણ ચાર મહિના પહેલા જખૌ સીમમાં અને બે અઢી મહિના પહેલા બેલાવાંઢ ગામની સીમમાં આવેલ પવનચક્કીના અંદરના ભાગેથી કોપરના કેબલ ચોર્યા હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓના ઈતિહાસની વાત કરીએ તો સુલતાન સામે ભુજ બી ડિવિઝન અને ગઢશીશા તેમજ હનીફ સામે ગાંધીધામ બી ડિવિઝન, માનકૂવા, ભુજ બી ડિવિઝન, ગઢશીશા, માંડવી અને જોડિયામાં ૮ ગુના, અબ્બાસ સામે માંડવી, નખત્રાણામાં ૬ ગુના અને વસીમ સામે નલિયા અને ભુજ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM