કચ્છમાં પહેલીવાર ડીઝલ ચોરો સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમની કલમ તળે ગુનો નોંધાયો
ખાવડાના ઈસમોએ ડીઝલ ચોરી વાગડમાં વેચવા ગયા, ત્યાં ઝડપાઈ ગયા : રાતના સમયે પાર્ક કરેલા વાહનની ડીઝલની ટાંકી પાસે પોતાની ગાડી રાખી કરતા હતા ચોરી : સામખિયાળી, ભચાઉ, રાપર, લાકડિયા પોલીસમાં નોંધાયેલા ગુના ઉકેલાયા
ગાંધીધામ : જિલ્લામાં કેબલ ચોરીની સાથે ડીઝલ ચોરીની ઘટના પણ વધી રહી છે, તેવામાં આ તસ્કરો સામે કાયદાકીય ગાળીયો વધુ મજબૂત રીતે કસાય તે માટે પૂર્વ કચ્છ પોલીસે ખાવડાના ઈસમો સામે ડીઝલ ચોરીના ગુનામાં ઓર્ગેનાઈઝ ક્રાઈમની ભારે કલમનો ઉમેરો કરાવ્યો છે. કચ્છમાં પ્રથમ વખત આ પ્રમાણે કેસ દાખલ થયો છે. આ અંગેની વિગતો મુજબ એલસીબીને બાતમી મળી કે, વાગડ વિસ્તારમાં ડીઝલ ચોરી કર્યા બાદ ગેંગના માણસો ડીઝલ આપવા માટે આધોઈમાં આનંદ ઉર્ફે પપ્પુ બાબુ પાયણાના ઘરે આવ્યા છે અને ડીઝલની લેતીદેતી કરી રહ્યા છે. જેથી દરોડો પાડતા ઘર પાસે વાડામાં પાંચ માણસો મળી આવ્યા હતા. બાવળની વાડ પાસે ડીઝલ ભરેલા કેરબા મળી આવ્યા હતા. તપાસ કરતાં સામખિયાળી, ભચાઉ, લાકડિયા અને રાપર પોલીસમાં નોંધાયેલા ગુના ઉકેલાયા હોવાનું સામે આવ્યું હતું. પોતાના નાણાંકીય ફાયદા માટે ગેરકાયદે રીતે ભેગા થઈ વારંવાર ડીઝલ ચોરીના ગુનાને અંજામ આપતા હોઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૧ મુજબ સંગઠિત ગુનાની ભારે કલમનો ઉમેરો કરાયો છે. પોલીસે આનંદ સાથે માધાપરના અસલમ ઉર્ફે અનવર કમાલભાઈ સમા, નાના દિનારાના રજાક અલીમામદ સમા, અજીજ સિદિક સમા, મોટા બાંધાના ભીલાલ ઓસમાણ સમાની અટકાયત કરી છે. જયારે નાના દિનારાના મજીદ તૈયબ સમા અને ભખર રમજાન સમાના નામ ખુલ્યા છે. ૬ર,૧૦૦નું ૬૯૦ લિટર ડીઝલ, ૭૦ હજારના પાંચ મોબાઈલ, ડીઝલ કાઢવાની લાઈન અને ૩ લાખની સ્વીફટ ગાડી નંબર જી.જે. ૧ર બીઆર ૭૬૦ર વાળી કબ્જે કરવામાં આવી હતી. આરોપીઓ રાતના સમયે હાઈવે તથા કોઈની માલિકીની જગ્યા પર પાર્ક કરેલા ટ્રક - વાહન પર રેકી કરી પોતાનું વાહન બાજુમાં રાખી ડીઝલની ટાંકી ખોલી તેમાંથી ડીઝલ કાઢી કેરબા ભરી લેતા હતા, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments