મીઠીરોહરમાં ટેન્કરોમાંથી સોયાબીન તેલ ચોરનારા બે પકડાયા
રૂચિ સોયા કંપનીની બાજુમાં જ થતી ગોલમાલ : માલ ખરીદનાર વરસામેડીનો શખ્સ ન મળ્યો
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સેંકડો કંપનીઓ અને ઓઈલ મીલોના કારણે અહીંથી ટેન્કરોમાં તેલ ભરીને અન્ય શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે, પરંતુ કેટલાક શખ્સો આ ટેન્કરોના ડ્રાઈવરોને ફોડી લઈ રસ્તામાં તેમાંથી તેલ ચોરી લે છે. બાદમાં સ્થાનિક વેપારીને વેચી દેવામાં આવે છે. થોડા પૈસા માટે આચરાતા કૃત્યમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સામેલ હોય છે. તેવામાં વધુ એક વાર એલસીબીએ ટેન્કરોના ડ્રાઈવરોને ફોડી લઈ તેલ ચોરી કરવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. જેમ ડીઝલ ચોરો સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમનો ગુનો દાખલ કરાયો તેમ હવે તેલ ચોરો સામે પણ લાલઆંખ કરવી જરૂરી બની છે. એલસીબીએ રાપર તાલુકાના ભીમાસર ભુટકિયાના હાલે લીલાશા કુટીયામાં રહેતા મુકેશ કાનજીભાઈ મારાજ અને મૂળ યુપીના અને હાલે કાર્ગોમાં રહેતા રાજેશ રામવીર રાજપૂતને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે હાઈવે પર પસાર થતા અલગ અલગ ટેન્કરના ચાલકોને ફોડી લઈ તેમની પાસેથી ૩૮પ લીટર સોયાબીન કિ.રૂા. ૩૪,૬પ૦ તથા ર લાખની અલ્ટો કાર અને ર૦ હજારના બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, વરસામેડીના પંકજ નટુભાઈ ઠક્કરને આ તેલ વેચવાનું હતું, જેથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Comments