ધાણેટીના યુવા દાનવીર ઉદ્યોગપતિ હરિભાઈ ડાંગરના નિધનથી શોક
સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ સદ્દગતને આપી શ્રદ્ધાંજલિ
ભુજ : તાલુકાના ધાણેટી ગામના આહિર સમાજના અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ હરિભાઈ રાણાભાઈ ડાંગરનું નિધન થતાં આહિર પંથક સહિત કચ્છભરમાં ઉંડા શોકની લાગણી ફેલાઈ છે. તેમણે બુધવારે વહેલી પરોઢે ૪૩ વર્ષની નાની વયે અકાળે વિદાય લઈ લીધી હતી. મિત્ર વર્તુળમાં એચઆરડીના હુલામણા નામે ઓળખાતા હરિભાઈ કચ્છના આહિર સમાજના મોભી અને દાનવીર રાણાભાઈ ડાંગરના પુત્ર હતા. તા.૧૧ ડિસેમ્બરના બુધવારે ધાણેટીના ફાર્મહાઉસ સ્થિત નિવાસસ્થાને વહેલી પરોઢે આવેલો હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો. હૃદયરોગના હુમલાની સારવાર મળે તે પહેલાં જ હરિભાઈ આહિરે હંમેશા માટે આંખો મીચી લીધી હતી. હરિભાઈ આહિરે નાની વયે જ માઈનિંગ અને મિનરલ્સ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. પોતાના પિતાના પગલે ચાલી સદ્દગત પણ નિઃસ્વાર્થ ભાવે સેવાભાવી પ્રવૃત્તિઓ માટે દર વર્ષે કરોડોનું દાન કરતા હતા. પોતાના સેવાભાવી, સાલસ અને મિલનસાર સ્વભાવ થકી આહિર પંથક, સમાજ, કચ્છ સહિત ગુજરાતભરમાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હતા. યુવા વયે જ તેમના નિધનથી પરિવાર શોકમગ્ન બન્યો હતો. તેઓ પોતાના માવતર, ચાર મોટાભાઈ અને ત્રણ સંતાનો સહિતના પરિવારને વિલાપ કરતો છોડી ગયા છે. આહિર સમાજને પણ કદીય ન પૂરાય તેવી ખોટ પડી છે. સદ્દગતને રાજકીય - સામાજિક ક્ષેત્રના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.ધાણેટી ખાતે તેમની અંતિમ યાત્રામાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર, હરિ હિરા જાટિયા, સતિષભાઈ છાંગા, રૂપાભાઈ ચાડ, હમીર રૂપાભાઈ ડાંગર, ગોકુલભાઈ ડાંગર, વાઘજીભાઈ માતા, ધનજીભાઈ ચાવડા, બાબુભાઈ વરચંદ, શામજીભાઈ બાલાસરા વગેરે જોડાયા હતા. દિલ્હીથી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પરિવારજનોને ટેલીફોનિક સાંત્વના પાઠવી હતી.

Comments