ગાંધીધામમાં અલગ અલગ ચાર સ્થળોએથી ૧.૪ર લાખનો દારૂ ઝડપાયો
જુની સુંદરપુરી, પડાણામાં કાર્યવાહી કરાઈ
ગાંધીધામ : સંકુલમાં દારૂ વેચાણની વધી રહેલી ફરિયાદો વચ્ચે પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ ૧.૪ર લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે જુની સુંદરપુરીમાં અંબે માતાજીના મંદિર પાસે ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જયાં દારૂની ૧૮ર બોટલ કિ.રૂા. ૧,ર૬,૦ર૪ અને ૯૦ હજારની બે એક્ટિવા કબ્જે કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી પ્રેમજી ઉર્ફે પ્રેમલો કેશાજી માતંગ અને સંદિપ ઉર્ફે ચાંદ લક્ષ્મણભાઈ બાણોલિયા હાજર મળી આવ્યા ન હતા. બંને જણાએ પોતાના કબ્જાની ઓરડીમાં દારૂ છુપાવ્યો હતો. આ બાદ જુની સુંદરપુરીમાં નવરાત્રી ચોકમાં બબલુભાઈ શાંતિલાલ બારોટના મકાનમાં બિયરના ર૪ ટીન કિ.રૂા. ર૯પરનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે ગરબી ચોકની આગળ કાના દેવશી વિગોરા (મહેશ્વરી)ના કબ્જાના મકાનમાં દારૂની ૧૦ બોટલ કિ.રૂા. ૭૧૭૮નો મુદામાલ મળી આવ્યો હતો. જો કે, આરોપી હાજર મળ્યો ન હતો. જેથી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. દરમિયાન બી ડિવિઝન પોલીસે ગાંધીધામ - ભચાઉ હાઈવે રોડ પર પંચ રત્ન માર્કેટ ઓફિસ નંબર ૧૬૧/એ પડાણા સીમ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પડાણાના લવકુશકુમાર લલન રહીદાસને ઝડપી તેના કબ્જામાંથી દારૂની ૬ બોટલ કિ.રૂા. ૩૩૬૬, બીયરના રર ટીન કિ.રૂા. ર,૩૯૮નો મુદામાલ કબ્જે કરાયો હતો. માલ આપનાર તરીકે પડાણાના કુખ્યાત બૂટલેગર મનુભા વિઠુભા વાઘેલાનું નામ ખુલ્યું હતું, જે હાજર મળી આવ્યો ન હતો.

Comments