પ્રેમી યુવકે લગ્નની ના પાડતા સુંદરપુરીમાં યુવતીએ ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીધી
આદિપુરમાં સિડીની ગ્રીલમાં વૃદ્ધાનો આપઘાત : તુણાની કંપનીમાં ટ્રક ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓથી મોત
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં આપઘાત અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે, જેમાં પ્રેમી યુવકે લગ્નની ના પાડતા સુંદરપુરીમાં યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો. જયારે આદિપુરમાં સિડીની ગ્રીલમાં વૃદ્ધાએ આપઘાત કર્યો હતો. આ તરફ તુણાની કંપનીમાં ટ્રક ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓથી મોત થયું હતું. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલી વિગતો મુજબ નવી સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં મહાકાળી મંદિરની બાજુમાં રહેતા રર માધુરી નગીના પ્રસાદ નામની યુવતીએ આ પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દિધો હતો. તેના ભાઈ શત્રુઘ્ન નગીના પ્રસાદે પોલીસમાં જણાવ્યું કે, બહેનને વિજય દનિચા નામના વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો. અને વિજય દનિચાએ લગ્નની ના પાડતા બહેને ફાંસો ખાઈ લીધો હતો. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન આદિપુરમાં વોર્ડ નંબર ૬-એ મકાન નંબર રપ૬માં રહેતા ૮૦ વર્ષિય છાંગબાઈ ગોપાલભાઈ માતંગે પોતાના ઘરે સિડીની ગ્રીલમાં દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે આદિપુર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ તુણા ગામે રેણુકા સુગર કંપની અંદર અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી અંજારના રામપરમાં રહેતા લક્ષ્મણભાઈ ડાયાભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રક નંબર જી.જે. ૩૯ ટી ૦૩૭૪ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેદરકારી ચલાવી ફરિયાદીના ભાઈ ૩૪ વર્ષિય પાંચાભાઈ ડાયાભાઈ પરમારને હડફેટે લેતાં છાતી, પેટ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

Comments