કચ્છમાં રેવન્યુ તલાટીઓની મોટી ઘટથી અરજદારોના મહેસૂલી કામો અટવાયા
મિલ્કત સંબંધી વિવાદોના વધતા ગ્રાફ વચ્ચે
કચ્છના દસ તાલુકાઓમાં ૧૯૧ રેવન્યુ તલાટીઓના મંજૂર મહેકમ સામે હાલે માત્ર ૮૧ રેવન્યુ તલાટીઓ : ૧૧૦ સ્થાનો ખાલી હોવાથી રેવન્યુ સંબંધી કામગીરીઓમાં લોકોને ભારે મુશ્કેલી : કચ્છમાં ૬૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયતી તલાટી ઉપર હવે મહેસૂલી તલાટી મૂકવાની કવાયત હાથ ધરાઈ
જિલ્લા વહિવટી તંત્રમાં અપીલના કેસોની ઉત્તરોત્તર વધતી સંખ્યા વચ્ચે મંજૂર મહેકમ મુજબ ખૂટતા મહેસૂલી તલાટીઓને સત્વરે મૂકવામાં આવે તેવી પ્રવર્તતી લોકલાગણી
ભુજ : કચ્છ સહિત રાજ્યમાં લાંબા સમયથી બાકી રહી ગયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. કચ્છ જિલ્લાની ૧પ૦થી વધુ ગ્રામ પંચાયતોમાં હાલે વહિવટદારનું શાસન ચાલી રહ્યું હોવાથી ગ્રામીણ વિકાસના કામો અને ગ્રામજનોના રોજબરોજના કામોમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પંચાયતી તલાટીઓની ઘટ માંડ નિવારી શકાઈ છે, પરંતુ રેવન્યુ તલાટીઓની ભારે ઘટ જોવા મળી રહી છે. કચ્છના દસ તાલુકાઓમાં ૧૯૧ રેવન્યુ તલાટીઓના મંજૂર મહેકમ સામે હાલે માત્ર ૮૧ રેવન્યુ તલાટીઓ છે. ૧૧૦ સ્થાનો ખાલી હોવાથી રેવન્યુ સંબંધી કામગીરીઓમાં લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં પંચાયતનો આકરણી રજિસ્ટર મિલ્કતનો આધાર સમાન છે. તલાટી કક્ષાએ રહી ગયેલી ક્ષતિઓ મહેસૂલી કામમાં નડતરરૂપ બનતી હોય છે. વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં જમીન વ્યવસાયમાં તેજી જોવા મળી છે. કેટલાક કિસ્સાઓમાં આકરણી રજિસ્ટરમાં રહી ગયેલ ક્ષતિઓને દૂર કરવામાં વહિવટી તંત્રને ભારે મથામણ કરવી પડતી હોવાથી કચ્છમાં ૬૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયતી તલાટી ઉપર હવે મહેસૂલી તલાટી મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલે કચ્છ જિલ્લમાં દસેય તાલુકાઓમાં મળી રેવન્યુ તલાટીનું કુલ મંજૂર મહેકમ ૧૯૧ છે, પરંતુ હાલે કચ્છમાં અડધાથી પણ ઓછી એટલે કે માત્ર ૮૧ જગ્યાઓ જ ભરાયેલી છે. મહેસૂલ તલાટીના મહેકમમાં ૧૧૦ની ઘટ ચાલી રહી છે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓને ગ્રામ પંચાયતમાં ફરજ બજાવવાનો સરકારી આદેશનો જોબ ચાર્ટ હોવા છતાં મોટા ભાગના મહેસૂલી તલાટીઓ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા નથી, જેથી મહેસૂલી તલાટીઓના જોબચાર્ટના કામોનો આગ્રહ પંચાયત તલાટીઓ પાસેથી રખાય છે. કચ્છ સહિત રાજ્યભરમાં મહેસૂલી તલાટીઓનું કામનું વધારાનું ભારણ અને બોજો પંચાયતી તલાટીઓને જ ઉઠાવવો પડે છે. મિલ્કત સંબંધી કામોમાં ગ્રામ પંચાયતની ભૂમિકા મહત્ત્વની છે. ગ્રામ્ય મિલ્કતોને કાયદેસરતા આપવા ગ્રામ પંચાયત આકરણી રજિસ્ટરમાં નોંધ પ્રમાણે સ્વામીત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં અંજાર, મુંદરા, માંડવી વગેરે તાલુકાઓમાં ભ્રષ્ટ તલાટીઓ સાથે સાંઠગાંઠ કરી અનેક લોકોએ આકરણી રજિસ્ટરમાં નોંધ પડાવી લીધી હોવાના કિસ્સા ઉજાગર થયા હતા. તલાટી દ્વારા નોંધ પાડી દેવાયા બાદ તેમાં કંઈ ફેરફાર થઈ શકતો નથી. ભૂતકાળમાં થયેલ ભૂલોના કારણે ગ્રામ્ય મિલ્કત સંબંધી અનેક વિવાદો ચાલી રહ્યા છે. કચ્છ જિલ્લામાં મામલતદાર અને કલેક્ટર કચેરીએ અપીલના કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી મૂકાયા બાદ આવા વિવાદો પર પૂર્ણવિરામ મૂકાઈ શકશે. કચ્છની ૬૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં પંચાયતી તલાટી પર મહેસૂલી તલાટી મૂકાય તે પૂર્વે હાલે કચ્છમાં મંજૂર મહેકમ મુજબ ખૂટતા મહેસૂલી તલાટીઓને સત્વરે મૂકવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તિ રહી છે.
................
પીએમ સ્વામીત્વ યોજનાની અમલવારીમાંં મહેસૂલ તલાટીની ભૂમિકા
ભુજ : વર્ષ ર૦ર૧ના રાષ્ટ્રીય પંચાયત દિવસથી પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના અમલમાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારમાં જમીનની માલિકીની સાચી અને અદ્યતન માહિતી ઉપલબ્ધ કરવાનો છે, જેથીએક વિશ્વસનીય મિલકત માન્યતા સિસ્ટમ બની શકે. મિલ્કત વેરો નક્કી કરવામાં ગ્રામ પંચાયતને મદદ મળી શકે. ગ્રામીણ મિલ્કત સબંધી બાબતોમાં પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ સમૂદાયમાં જમીન વિવાદો ઓછા થઈ શકે. ગ્રામીણ પરિવારો નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા પોતાની મિલ્કતનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકે. લોકોને સ્પષ્ટ મિલ્કતના આધારો સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલ્કતો પર કાનૂની માલકી મળી શકે. ગ્રામ્ય વિસ્તારોમાં સારા માળખાકીય વિકાસ માટે બનેલી આ યોજનાના અમલીકરણમાં મહેસૂલી તલાટીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.
.....................
ગ્રા.પં.ના આકરણી રજિસ્ટર બન્યા હતા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર
ભુજ : રાજ્યના મહેસૂલી વિભાગમાં ટેકનોલોજીના વધતા ઉપયોગથી ખેતીલાયક જમીનના આધારો ૭/૧ર વગેરે પ્રમોલગેશન કરી કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આકરણી રજિસ્ટર આજે પણ મિલકતનો મોટો આધાર ગણાય છે. કચ્છ જિલ્લાના મુંદરા, અંજાર વગેરે તાલુકાઓમાં ભૂતકાળમાં કેટલાક મોટા ગામોમાં ગેરરીતિ સાથે વાડાઓની નોંધ આકરણી રજિસ્ટરમાં પડી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. કેટલાક ભેજાબાજ લોકોએ વાડાઓ માટે સરકાર દ્વારા નિયત જમીન મર્યાદા અનુસાર ભ્રષ્ટ તલાટીઓ સાથે સાંઠગાંઠ કે નાણાંકીય વ્યવહારો કરી નોંધ પડાવી લીધી હતી. આકરણી રજિસ્ટરમાં નોંધ પડ્યા બાદ તેમાં ફેરફાર અઘરો બને છ. કચ્છમાં જમીનના સતત વધતા ભાવોના કારણે વિકસીત ગામોની જમીન સોનાની લગડી સમાન બની ગઈ છે. આ ક્ષેત્રના જાણકારો કહે છે કે, જે રીતે મોટાભાગની મહેસૂલી કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે તે રીતે જ આકરણી રજિસ્ટર ટેકનોલોજી સાથે જોડી દેવામાં આવે. જમીનના મેપીંગ સહિત દસ્તાવેજી આધારોનું રેકર્ડ ઓનલાઈન અપડેટ થવા જરૂરી છે. પંચાયત કક્ષાએ છેડછાડ થવાની તમામ સંભાવનાઓ ટેકનોલોજીનો સહારો લઈ અટકાવવામાં આવે તો જ ગ્રામીણ મિલ્કત સંબંધી પારિવારિક કે અન્ય વિવાદો અટકશે તેવું જાણકારો વધુમાં જણાવી રહ્યા છે.

Comments