ગાંધીધામમાં ગેરકાયદે મેળવેલી વિદેશી સિગારેટ મુંબઈ પહોંચે તે પહેલા કુરીયર કંપનીમાંથી પકડાઈ
એલસીબીએ દરોડો પાડીને ત્રણ લાખની બે હજાર સિગારેટના પેકેટ કબજે કર્યા : ત્રણ શખ્સોની ધરપકડ : અન્ય ત્રણના નામ ખુલ્યા
ગાંધીધામ : અહીં કાસેઝ અને કંડલા પોર્ટ સહિતના ઔદ્યોગીક એકમો ધમધમતા હોઈ અવારનવાર વિદેશી સિગારેટ, ઈ-સિગારેટનો વેપલો પકડાય છે. વિદેશથી પ્રતિબંધિત સિગારેટની ગેરકાયદે આયાત કરી સ્થાનીક બજારમાં વેચવામાં આવે છે. અવારનવાર પાનની દુકાનોમાંથી છુટો છવાયો માલ પકડાય છે ત્યારે એલસીબીએ મોટો જથ્થો ઝડપી પાડયો છે. બાતમીના આધારે એલસીબી દ્વારા રેડક્રોસ ચાર રસ્તા પાસે આવેલ શિવશક્તિ કાર્ગો મુવર્સ કુરીયરની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં કુરીયર કરવા માટે રાખેલી વિદેશી સિગારેટ પકડાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રતિબંધિત વિદેશી સિગારેટના ર હજાર પેકેટ કિંમત રૂા. ૩ લાખનો મુદ્દામાલ મુંબઈ મોકલવા માટે કુરીયર કંપનીમાં રાખેલો હતો. જેથી મુદ્દામાલ કબજે કરાયો હતો. વિદેશી સિગારેટ સાથે મેઘપર બોરીચીમાં રહેતા મુળ રાજસ્થાનના જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ મકરાણા નટ્ટ, ગુરૂકુળમાં રહેતા વિષ્ણુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અને ચાવલા ચોકમાં રહેતા પ્રમોદ કિશન જાંગીડની અટકાયત કરાઈ હતી. જયારે ગુરૂકુળમાં રહેતો અનુજ ઉર્ફે બબલુ જગદીશ પ્રસાદ અગ્રવાલ હાજર મળ્યો ન હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, સિગારેટનો જથ્થો અહીંથી અમદાવાદ અને ત્યાંથી મુંબઈ મોકલવાનો હતો. અમદાવાદમાં અમિતને અને મુંબઈમાં સુનિલ ઉર્ફે મામાને માલ પહોંચાડવાનો હતો. જેથી તમામ છ ઈસમો સામે તમાકુ ઉત્પાદન અને વહેચણી અને પુરૂં પાડવા પરના પ્રતિબંધિત અધિનિયમ - ર૦૦૩ ની કલમ પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અત્રે મહત્વની બાબત એ છે કે, કંડલા અને મુંદરા પોર્ટ પર મિસ ડીકલેરેશન સામે આવે છે. ભારતમાં વિદેશી સિગારેટ અને ઈ- સિગારેટ પર પ્રતિબંધ છે. જો કે બજારમાં માગ હોવાના કારણે ગેરકાયદે રીતે અન્ય વસ્તુ બતાવી આ સિગારેટ આયાત કરવામાં આવે છે. કસ્ટમ, ડીઆરઆઈ સહિતઓની નજર ચુકવી અથવા ચુકાવી આ માલ સબસલામત રીતે બહાર કાઢી વેચવામાં આવતો હોય છે. અત્યાર સુધી ગાંધીધામ સંકુલમાં છુટાછવાયા પાનના ગલ્લાઓમાં આ સિગારેટ કબજે કરાતી ત્યારે મોટો જથ્થો મોકલાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો છે. ખરેખર આ કિસ્સામાં ઉંડાણપૂર્વક તપાસ કરી માલ કેવી રીતે મંગાવ્યો ? અને અત્યાર સુધી કોને કોને સપ્લાય કર્યો તેની તપાસ થાય તે જરૂરી છે.

Comments