Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં શિકારી પ્રવૃતિમાં ઉછાળો 

10 December

કડકડતી ઠંડીના પ્રારંભે જ રાત્રે બંદુકના ધડાકા


ખાવડાથી લઈ પાવરપટ્ટીના પટ્ટો અને માતાનામઢથી લઈ લખપતથી જખૌ સુધીના પટ્ટામાં બેરોકટોક થતી શિકારી પ્રવૃતિ : હાઈવે રોડ તથા ગામડાને જોડતા રસ્તા પર ઠેર ઠેર મટન માર્કેટના હાટડા મંડાયા : ઔદ્યોગિક ક્ષેત્રના આગમન સાથે દુષણ પણ વધ્યું 

લખપતના કાનેર સીમનો શિકાર નીલગાયનો માત્ર પાસેરામાં પુરી હોવાનો જાણકારોનો મત : રાત પડે છે અને શિકારી ટોળકી બંદુકના ધડાકે કરે છે પશુઓનો શિકાર : વનખાતા સહિતનો સ્ટાફ ધાક બેસે તેવી કાર્યવાહી કરતા નથી 
’’
પ્રજાના પ્રતિનિધિઓ સંકલનમાં પ્રશ્ન ઉઠાવવો જોઈએ : જીવદયા પ્રમીઓ બાજ નજર રાખવી જોઈએ : ચિંકારા, સસલા, તેતર, નિલગાય સહિતના પશુઓની થઈ રહી છે હત્યા ? : મોર થાય છે નામશેષ ?



નખત્રાણા : પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં કડકડતી ઠંડીના આગમન સાથે રાત પડતાં સરહદી ત્રણેય તાલુકાના ગામડાઓમાં બંદુકના ધડાકે થતી પશુઓની હત્યા સાથે શિકારી પ્રવૃતિએ માજા મુકી છે. ત્રણે તાલુકામાં ઔદ્યોગિક એકમોને લઈને પરપ્રાંતિય લોકોની વસતી વધી છે. સાઉથ બાજુના લોકો અધિકારીઓ નોનવેજ ખોરાક પ્રથમ છે, ત્યારે છેક ખાવડાથી લઈ પાવરપટ્ટીના ઝુરા, નિરોણાનો પટ્ટો, લખપતના માતાનામઢથી લઈ નારાયણસરોવર, જખૌના પટ્ટામાં ઠેર - ઠેર માસ મટનની હાટડા - લોજ ખુલ્લી ગયા છે અને તેના ભાણામાં નોનવેજમાં પશુઓનો મોટો જથ્થો વેચાય છે.લખપતના કાનેર (સાકરિયા) ગામની સીમમાંથી શિકાર પ્રવૃતિ પકડાઈ હોવાનું સપાટી પર આવ્યું છે. ઈસમો નથી પકડયા પરંતુ બાઈક અને નિલગાયનું મૃત શરીર મળ્યું છે. બાઈક ઉપર તપાસ આધરવામાં આવી છે. આ તો માત્ર પાસેરામાં પુરી સમાન છે. જાગૃતોના કહેવા મુજબ ઉપરોક્ત પટાના ગામોમાં રાત પડતાં જ શિકારી પ્રવૃતિ કરતી ૬થી ૭ ટોળકી સક્રિય છે અને સીમાડામાં નિલગાય, ચિંકારા, મોર, તેતર, સસલા અને વન અધિનિયમ હેઠળ સરંક્ષિત થયેલા પશુઓનો નિકંદન કાઢી રહ્યો છે. ભવિષ્યમાં ઘોરાડગ્રસ્ત પરિસ્થિતિ પશ્ચિમ કચ્છમાં ઉત્પન્ન થાય તો નવાઈ નહીં. શિકારી પ્રવૃતિ પર લગામ તાકીદે થાય તે જરૂરી છે. જાણકારોએ વિગતવાર માહિતી આપતા કહે છે કે, શિકારી પ્રવૃતિ રોજીંદી બની ગઈ છે. અગાઉ માતાનામઢ ખાતે બંદુકના ભડાકે મુદામાલ સાથે શિકારી પકડાઈ ચુકયા છે, પરંતુ ધાક બેસે તેવી કાર્યવાહી થતી નથી. આ ટોળકીના નિશાને પ્રથમ રોઝડા જેવા મોટા પશુઓનો શિકાર હોય છે. મોટા પશુઓના શિકાર કરવા પાછળનું કારણ શું હોઈ શકે ? મટન માર્કેટમાં આ માલ મોટા પ્રમાણમાં મોંઘી કિંમતે વેચાય છે. ૪૦૦થી પ૦૦ના ભાવે એ કિલો દિઠ અને મોટા પશુઓનો મટન ૧પ૦થી ર૦૦ કિલો એક પશુદિઠ નિકળે છે. તેનું વેચાણ બેફામ થઈ રહ્યું છે. આગળ વાત કરતાં કહે છે કે, ખાટકીઓ પાસે આધુનિક યુગની કટર મશીનરી પ્રાપ્ત છે, જે કટર મશીન એક કલાકમાં ૧૦૦થી પ૦૦ કિલો મટન છુંદી નાખે છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે, એ મશીનરીમાં લાગેલા મટનના નમુના લેવાય તો મોટું નેટવર્ક પકડાય તેમ છે. શિકાર પ્રવૃતિના લગામ બાબતે વનખાતાને બહોળી સત્તાઓ આપવામાં આવી છે, પરંતુ વનખાતાના અધિકારીઓ આંખ, આડા, કાન કરે છે. વન અધિકારીને શિકારી પ્રવૃતિ કરનાર સામે તાકીદે અટકાયતી પગલા સાથે ધાક બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. પ્રજાના પ્રતિનિધિઓએ પણ સંકલનમાં અવાજ ઉઠાવવો જોઈએ તો નિલગાય - ગૌવંશની એક પ્રજાતિય છે. ગૌસેવા જેવી જીવદયા કરતી સંસ્થાઓ પણ આ શિકારી પ્રવૃતિ પર બાજનજર રાખવી જોઈએ અને ગેરપ્રવૃતિ થતી હોય તો તંત્રને બાતમી આપવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. બાકી ત્રણેય તાલુકામાં શિકારી પ્રવૃતિઓમાં ઉછાળો આવ્યો છે તેના પર રોક જરૂરી છે.



..................


વનખાતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધાક બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ 


નખત્રાણા : પશ્ચિમ કચ્છના સીમાડામાં થઈ રહેલી શિકારી પ્રવૃતિ અને ઠેર - ઠેર વેચાતા અખાદ્ય ખોરાક સામે વનતંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધાક બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ. દિવાળીના તહેવારમાં ફૂડ વિભાગ મીઠાઈના નમુના લે છે, તો પછી ધોરીમાર્ગ પર વેચાતા માસ મટનના હાટડા, લોજ પાસે કેમ નમૂના લેતાં અચકાય છે. લોજનો ઘુંઘટ કેમ તાણે છે, કેટલા પાસે લાયસન્સ છે ? પરવાના છે ? અખાદ્ય ચીજવસ્તુ વેચવા માટે લાયસન્સ મેળવવું જરૂરી છે ત્યારે કેટલા પાસે છે તે તંત્ર  તપાસ કરશે કે, નહી ? વનખાતાએ પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેમની પણ અનેક સત્તાઓ આપેલી છે તો પોલીસ તંત્ર અને અન્ય વિભાગ પણ આ શિકારી પ્રવૃતિ કરતી ટોળકી કોણ - કોણ છે, કેટલા પાસે લાયસન્સ ધરાવતી બંદુકના પરવાના છે તે સહિતની માહિતી સાથે અટકાયતી પગલાં ભરવા જોઈએ તેવી માંગ પ્રબળ બની છે. 



............

પશ્ચિમ કચ્છમાં મોર બાદ ચિંકારા પણ અભ્યારણ્યમાંથી લુપ્ત થવાની અણીએ ?

નખત્રાણા : પશ્ચિમ  કચછ વન્ય પ્રાણીઓ પશુઓના વ્યાપક વસવાટ માટે જાણિતું હતું, પરંતુ ઔદ્યોગિક એકમો સાથે પરપ્રાંતિય વસતી અને શિકાર પ્રવૃતિ સાથે નોનવેજ માલની ખપત થતાં આ ત્રણેય તાલુકામાં મોર પછી ઘોરાડ, ઘુડખરની સંખ્યા ઘટી ગઈ છે આવી જ સ્થતિ હવે ચિંકારા માટે પેદા થઈ છે. એક સમય સેંકડોની સંખ્યામાં વસતો આ જીવ હવે અભ્યારણ્યમાં અત્યંત ઓછી માત્રામાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સીમાડામાંથી ચિકારા પણ લુપ્ત થવાના ગંભીર નિર્દેશ મળી રહ્યા છે. ૧૯૮૧માં રાજ્ય, કેન્દ્ર સરકારે આરક્ષિત કરાયું હતું, જેની જવાબદારી વન વિભાગને સોંપવામાં આવી હતી. ઝુંડની સાથે ચિકારા મોટા પ્રમાણમાં વિચરતા હતા. બસ્ટર્ડની ત્રણ પ્રજાતિ, ૧૮ પ્રકારના સર્પ, ૧૮૪ પ્રકારના વિવિધ પક્ષી જેમાં મોર પણ મોટા પ્રમાણમાં હતા. ચાર દયાકા પહેલા વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી, બાવળ ૩થી ૪ મીટર ઉંચી ર૪૦ જેટલી વનસ્પતિઓ જોવા મળતી હતી. આજે આ બધુ સુંદર વન જેવા અભ્યારણ્યમાં વેરણ છેરણ જોવા મળી રહ્યો છે. એક દાયકા પહેલા હજારોની સંખ્યામાં ચિંકારા હતા. આજે ર૦૦થી ૩૦૦ જેટલા હોવાનું જાણવા મળ્યું હતું. પવનચક્કી, ઘોઘાટ, વનસ્પતિના અભાવે અને શિકાર પ્રવૃતિ હોતા ચિંકારા હવે ઓછા જોવા મળે છે. અભ્યારણ્યની તમામ જવાબદારી વનખાતાની છે તો ચિંકારાનું રક્ષણ થવું જરૂરી છે. અન્યથા ઘોરાડ, ઘુડખર, મોર જે આપ્રજાતિ પણ લુપ્ત થતા વાર નહીં લાગે.
 

Comments

COMMENT / REPLY FROM