કચ્છમાં હાઈવે પર ડિવાઈડર તોડનારની નહીં રહે ખેર...!
સરકાર અને હાઈવે ઓથોરિટીની તુટી તંદ્રા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતોના બનાવ બાદ સફાળી જાગી સરકાર : હાઈવેના કિનારે દબાણની ગેરપ્રવૃતિ અટકાવવા કર્યો આદેશઃ નેશનલ હાઈવે ઓથોરિટી અને પીડબલ્યુડીના અધિકારીઓની ફિક્સ થશે જવાબદારી : નવા પરિપત્રની સઘન અમલવારી થશે કે, પ્રારંભિક તપાસ બાદ ઢીલો દોર અપાશે : જાગૃત કચ્છવાસીઓનો વેધક સવાલ
ભુજ : કચ્છ જિલ્લામાં નેશનલ અને સ્ટેટ હાઈવેના કિનારે ગેરકાયદેસર દબાણો કરવા કે, ધંધાકીય સ્થાન કે, ગ્રામજનો દ્વારા અવરજવર માટે ડિવાઈડર તોડી પાડવાની પ્રવૃતિનો ગ્રાફ ઉંચકાયો છે. જિલ્લામાં જમીનની કિંમતો આસમાને પહોંચી છે સાથે સાથે ગેરકાયદેસર દબાણની પ્રવૃતિએ પણ માઝા મુકી છે. જિલ્લાના સ્ટેટ અને નેશનલ હાઈવે જેવા મહત્વપૂર્ણ માર્ગોના કિનારે દબાણો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે. આ ઉપરાંત મુઠ્ઠીભર લોકો કે, ધંધાર્થીઓની સગવડ માટે ધોરીમાર્ગના ડિવાઈડર તોડી પાડી રસ્તો કાઢવાની ગેરપ્રવૃતિ પણ બેલગામ બની છે. આવા કૃત્યોના કારણે ધોરીમાર્ગો પર અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ગત મંગળવારે ચોટીલા નજીક નાની મોલડી ગામે હાઈવે પર ડિવાઈડર તોડી ગેરકાયદે રસ્તો બનાવી દેવાના કારણે અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા હતા. વધતા જતા અકસ્માતોના બનાવોને નેશનલ હાઈવે ઓથોરિટી સફાળુ જાગ્યું છે. નેશનલ હાઈવેના કિનારે ગેરકાયદેસર દબાણો કરવા કે, ડિવાઈડરો તોડી રસ્તો બનાવવા મામલે હવે તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવશે. આ નિર્ણયની અમલવારીમાં કોઈ કચાશ ન રહે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને પીડબલ્યુડીના અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. આ મામલે પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. હાઈવે પર વધતા જતા અકસ્માતોના બનાવોના પગલે સરકાર અને અધિકારીઓ મોડે મોડે જાગ્યા છે. ધોરીમાર્ગ પર થતા દબાણો અને વેપારી પ્રવૃતિ પર નજર રાખવા નિરીક્ષણ અને નિવારણ હેતુસર નવી નીતિ લાગુ થશે. નવા પરિપત્રમાં સરકારી અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે નિરીક્ષણ થશે. ઢાબા, હોટલો, દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત નવા નીતિ અનુસાર હાઈવે પર નક્કી કરેલી સીમામાં હોડિગ્સ ન લગાવવા, ડિવાઈડરોને તોડી રસ્તા બનાવવા જેવી બાબતોમાં સખત પગલાં લેવાશે. કચ્છ જિલ્લામાં થયેલા ઔધોગિક અને બંદરીય વિકાસ બાદ ધોરીમાર્ગ પર વાજિજય પ્રવૃતિઓમાં ઉછાળ આવ્યો છે. નેશનલ અને સ્ટેટ હાઈવે પર હોટલ, ઢાબા, ટાયર પંચર, ગેરેજ વગેરે જેવા ધંધાઓ ધમધમતા થયા છે. નેશનલ હાઈવે પર ઢાબાઓ અને હોટલવાળાઓ દ્વારા વેપારી પ્રવૃતિ માટે ડિવાઈડર તોડી રસ્તો કાઢવા ઉપરાંત હાઈવે ટચ ગ્રામજનો દ્વારા પણ અવર જવર માટે ડિવાઈડરને કટ કરી રસ્તો બનાવી દેવા જેવી પ્રવૃતિઓ વધી છે. દબાણો અને આડેધડ કપાતા ડિવાઈરો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. ત્યારે સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આવી પ્રવૃતિઓ પર અંકુશ લાદવા કવાયત હાથ ધરાઈ છે, ત્યારે તંત્ર દ્વારા સઘન પગલાં લેવાશે કે, ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાતની જેમ આરંભે ઝુંબેશ ચલાવી ત્યારબાદ ઢીલી દોર મુકી દેવાશે કે, કેમ તેવો સવાલ જાગૃત કચ્છવાસીઓ ઉઠાવી રહ્યા છે.

Comments