માંડવી પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર આરોપીઓ સામે ગુજસીટોકની કાર્યવાહી
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાનો સપાટો
પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એેન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ પ્રથમ વખત ગુનો નોંધ્યો
ભુજ : માંડવી પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર આરોપીઓ સામે પોલીસે હવે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા ચાર આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. માંડવીના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી અને તેના ભાઈ હરી ગઢવી સહિત ચાર આરોપીઓ સામે કાયદાનો સકંજો કસાયો છે. આરોપીઓએ ૧૬ નવેમ્બરની મધ્યરાત્રીએ માંડવી પોલીસ મથકમાં તલવાર, છરી, ધોકા જેવા હથિયારો લઈ હુમલો કર્યો હતો. માંડવી પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનના રેકર્ડને ધ્યાને લઈ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એેન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત ગુજસીટોક અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડવાના ગુનામાં આરોપીઓ પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી (બન્ને રહે. પાંચોટીયા, તા.માંડવી), સામળા થારૂ ગઢવી (રહે.ભુજપુર, તા.મુંદરા), ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) (રહે. ઝરપરા, તા.મુંદરા) વાળાઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા એક કરતા વધારે ગુનામાં પકડાયેલ આરોપીઓ પર સતત વોચ રાખવા માટે રાજયના તમામ પોલીસ સ્ટેશનોમાં સુચના આપવામાં આવી હતી. આવા આરોપીઓ અસરકારક કાર્યવાહી કરવા સુચનના આધારે માંડવી પીઆઈ ડી.ડી.શીંપી દ્વારા આરોપીઓ સામે ગુજસીટોક એકટ - ર૦૧પ મુજબ માંડવી પોલીસ સ્ટેશન ખાતે કલમ નંબર ૧૦૯ (૦૧), ૧૧૮ (૦૧), ૩૩ર (એ), ૧ર૧ (૧), ૧૩ર, ૩પ૧ (૩), ર૯૬ (બી), ૩ર૪ (૩), ૬૧ (ર) (એ), ૩ (પ) તથા જાહેર મિલ્કતને નુકશાન થતું અટકાવવા કલમ ૩ અને જીપી એકટની કલમ ૧૩પ મુજબનો ગુનો નોંધાયો હોઈ આરોપીઓની અટક કરવામાં આવી હતી.
આ આરોપીઓની અન્ય ગુનાઓમાં પણ સંડોવણીના પુરાવા મળતા ગુજસીટોક એકટની કલમ ૩ (૧) ની પેટા (ર) તથા કલમ ૩ (ર) અને કલમ ૩ (૪) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ પૈકીના પુનશી આલા ગઢવી પોતે પોતાના સાગરીતો સાથે મળીને સમાન ઈરાદો પાર પાડવા માંડવી પોલીસ સ્ટેશનમાં, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના અન્ય પોલીસ સ્ટેશનો તથા રાજયના અન્ય જિલ્લાઓમાં પણ ગુના કરેલા હોવાથી પોલીસ રેકર્ડના આધારે પુરતા પુરાવાઓ એકત્રીત કરી આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પૈકીના પુનશી આલા ગઢવી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેના સામે માંડવી, માનકુવા, ભુજ શહેર બી ડિવિઝન, પાલનપુર રેલવે પોલીસ સ્ટેશન, ગાંધીધામ બી ડિવિઝન સહિત ૧૧ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.
આ કામગીરીમાં પીઆઈ ડી.ડી.શીંપી, એએસઆઈ મનોજભાઈ મફતલાલ શ્રીમાળી, પો.હેડ કોન્સ. રાયશીભાઈ હમીરભાઈ ડુંગરખીયા, ધર્મેન્દ્રસિંહ સ્વરૂપસિંહ સોઢા, શીલ્પાબા ચમનસિંહ સોલંકી તથા અન્ય પોલીસ સ્ટાફના કર્મીઓ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજસીટોક કાયદાના સકંજામાં આવેલા આરોપીઓ પૈકીના એક આરોપીએ ભારતીય સેના અને મહેસુલી તંત્રમાં પણ ફરજ બજાવી છે, જે તે સમયે ત્યાં પણ ચર્ચામાં રહ્યા હતા.

Comments