Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકામાં થતી બેફામ ખનીજ ચોરી સામે તંત્રના આંખ મીંચામણા...?

04 December


ખાણ-ખનીજ, રેવેન્યુ, પોલીસની મીલીભગતથી 


લખપત, નખત્રાણા, અબડાસામાં બારાતું ધંધાર્થીઓ બેન્ટોનાઈટ, બોક્સાઈટ, રેતી સહિતની ખનીજ ઉપાડી જતા હોવાની ફરિયાદ ઉઠી : એલસીબી માત્ર નામ પુરતી ચોરી પકડીને મામુલી દંડ કરે છે : ખનીજ સાઈડોની ઝિણવટ પૂર્વક તટસ્થ તપાસ થાય તો મોટી કરોડોની ચોરી પકડાય તેમ છે : પ્રજાના પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંકલનમાં પ્રશ્ન ઉઠે છે પણ ધાક બેસાડતી કાર્યવાહી થતી નથી 



ભુજ : પશ્ચિમ કચ્છના લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાનું સપાટી પર આવ્યું છે. ત્રણે તાલુકામાં ખનીજ સંપદા મોટા પ્રમાણમાં ભરેલ હોઈ બેન્ટોનાઈટ, બોક્સાઈટ અને રેતી સહિતની અનેક ખનીજની ધુમ પ્રમાણમાં ચોરી થઈ રહી છે. પશ્ચિમ કચ્છમાં થતી ખનીજ ચોરી બાબતે ધારાસભ્ય તથા પ્રજાના પ્રતિનિધિઓ, જિલ્લા, તાલુકાકક્ષાની સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવે છે પણ ધાક બેસાડતી કાર્યવાહી થતી નથી તેવું જાણકારો કરે છે.  આધારભૂત સૂત્રોના જણાવવા મુજબ ત્રણે તાલુકાના ગામડામાં ખાણ-ખનીજ, રેવેન્યુ અને પોલીસની મિલીભગતથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે અને બારાતું ટોળકી રાત પડેને લખપત તાલુકાના સાયણ, જુલુરાઈ, ડેણમા, મુરચબાણ સહિત નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર (નેત્રા) વિસ્તાર તથા અબડાસાના અમુક પ્રખ્યાત ગામડાના સીમાડામાં બેફામ બેન્ટોનાઈટ બોક્સાઈડને રેતીની ચોરી કરે છે. બેન્ટોનાઈટ, બોક્સાઈડ જેવા ખનીજોની ચોરી માટે પોરબંદ, દ્વારકા જેવા જિલ્લાઓમાંથી હિટાચી, જેસીબી જેવી મશીનરી, ખનીજો સપંદા ધરાવતા આ ત્રણે તાલુકામાં આવે છે અને રાતો-રાત ૩પથી ૪૦ ટનનું પરિવહન કરતી ટ્રકોમાં લાદી આ માલનું પરિવહન કરવામાં આવે છે. તળાવોમાં બેન્ટોનાઈટ જેવી ખનીજ સંપદા છે તેવા તળાવો ઊંડા કરવા તેમજ ખનીજનું વેંચાણ કરવામાં ખનીજ વિભાગ પરવાનગી આપતો હોય છે. લખપતના ગામોમાં વિવિધ સંસ્થા તેમજ ટ્રસ્ટો આવો પરવાનો ૧૦ હજારટન અને તેનાથી વધુ ગાંધીનગર કક્ષાએથી મંજુરી મેળવવામાં આવે છે.  મેટ્રીક ટન કાઢવાની છુટ આપવામાં આવે છે જેની રોયલટી ટન પ્રમાણે કાઢવામાં આવે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે હાલ લખપત, નખત્રાણા અને અબડાસામાં સિંચાઈ પાસેથી ચેકડેમ સહિતની મંજુરી માટે કેટલીક સંસ્થાઓ અને અમુક જુના જોગીઓ ગ્રામ પંચાયત સહિત માલિકીની અરજીઓ કરી રહ્યા છે. જેમા તળાવ અને ચેકડેમની મંજુરી મેળવવામા આવી રહી છે. જેમાં જેટલી મંજુરી મેળવવામાં આવી છે તેનાથી વધુ ખનન થયો હોવાનો રજુઆતો તંત્ર પાસે આવી હોવા છતાં તંત્ર કોઈ માપણી કે અન્ય કોઈ કાર્યવાહી કરી હોય તેવું દેખાતો નથી. થોડાક દિવસ પહેલા એલસીબી, પોલીસ વિભાગે ડેણમાં ગામના સીમાડામાં ખનીજ ચોરી પકડી હતી અને એક ટ્રેક્ટરને ૬૬ હજાર દંડ ફટકારી સંતોષ માન્યો હતો. લખપત તાલુકામાં જ લેભાગુ સંસ્થાઓ, ટ્રસ્ટો દુષ્કાળ દરમિયાન ઢોરવાડાઓ ખોલી મુંગા પશુઓની મળતી સબસીડીને કૌભાંડ આચરી ચૂક્યા છે તેવા ભ્રષ્ટ તત્ત્વો હવે ટ્રસ્ટો બનાવી તળાવો ઊંડા કરી અને તેમાંથી નિકળતી કિંમતી ખનીજો બેધડક વેંચી રહ્યા છે. ડેણમાં, મુરચબાણ, સામજીયારા, લક્ષ્મીપર રાયણ સહિતના ગામડામાં સીમાડાથી ઉચ્ચકક્ષાએથી ઝિણવટભરી તપાસ થાય તો કરોડોની માત્રમાં ચોરી પકડાય તેમ છે. અમુક ખનીજોનો માલ ગોયલા, મોખરાના સીમના પ્લાન્ટમાં ઠાલવામાં રાત્રે આવે છે ઉપરોક્ત ગામોથી નજીક થાય છે અને હાઈવેથી આ ગામડા સુમસામ ભાસતા હોય છે ત્યારે તંત્ર પોતાની આળસ છોડીને ધાક બેસાડે તેવી કડક કાર્યવાહી ખનીજ ચોરોને સામે કરે તે સમયના તકાજો છે. 
 

Comments

COMMENT / REPLY FROM