કચ્છમાં માન્ય લીઝધારકો દેવાના બોજ તળે, પણ ખનિજ તસ્કરોને બખ્ખા
ઈસી અને માઈનીંગ પ્લાનની અજબ માયાજાળ
ખનિજ ઉત્ખન્ન માટે જિલ્લાની મોટાભાગની લીઝો હાલે બંધ ચાલી રહી છે, જેનાથી માઈનીંગ વ્યવસાયકારો ઉપરાંત સંલગ્ન અનેક નાના - મોટા ધંધાઓમાં મંદી : પર્યાવરણીય પ્રમાણપત્ર (ઈસી) અને માઈનીંગ પ્લાનના અભાવે પૂર્વ અને પશ્ચિમ કચ્છની ૪૦૦થી વધુ ખાણોમાં ખનન પર રોક : લીઝધારકો પર આર્થિક ભારણ વધ્યું છે : મશિનરી લોન, વાહનોના હપ્તાઓ અને કર્મચારીઓના પગાર જેવા ખર્ચ યથાવત
ગત નવેમ્બર માસના અંતિમ પખવાડિયામાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમો, ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમ્યાન ખનિજચોરીના નાના - મોટા અનેક કિસ્સાઓ થયા ઉજાગર
દર મહિને થતા લાખોના નુકશાનથી બચવા અમુક લીઝધારકો દ્વારા એટીઆર બંધ છતા ખનિજનું ખનન અને પરિવહન કરવાની પ્રવૃતિ છાને પગલે શરૂ : જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે ભેડિયાઓ પર ઘરઘરાટીઓ મળી રહી છે સાંભળવા : ખનિજ તસ્કરો માન્ય લીઝો બંધ હોવાનો ગેરલાભ લઈ સરકારી તિજોરીને મોટૂં પહોંચાડી રહ્યા છે નુકશાન
ભુજ : કચ્છ જિલ્લામાં ખેતી અને પશુપાલન ઉપરાંત માઈનીંગ ઉદ્યોગ પણ વધુ રોજગારી આપતો મહત્વનો વ્યવસાય છે. કુદરતી ખનિજ સંપતિથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનિજો મળી આવે છે. ખનિજ ઉત્ખન્ન માટે જિલ્લાની મોટાભાગની લીઝો હાલે બંધ ચાલી રહી છે, જેનાથી માઈનીંગ વ્યવસાયકારો ઉપરાંત સંલગ્ન અનેક નાના - મોટા ધંધાઓમાં મંદી જોવા મળી રહી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર (ઈસી) અને માઈનીંગ પ્લાનના અભાવે પૂર્વ અને પશ્ચિમ કચ્છની ૪૦૦થી વધુ ખાણોમાં ખનન પર રોક લાગેલી છે, ત્યારે જિલ્લામાં ખનિજચોરીનું દુષણ વકર્યું છે. ગત નવેમ્બર માસના અંતિમ પખવાડિયામાં ભૂસ્તરશાસ્ત્રીની ટીમો, ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમ્યાન ખનિજચોરીના નાના - મોટા અનેક કિસ્સાઓ ઉજાગર થયા હતા. જયાં એક તરફ કચ્છની મોટાભાગની લીઝો ઈસીના અભાવે બંધ થઈ છે, ત્યારે લીઝધારકો પર આર્થિક ભારણ વધ્યું છે. મશિનરી લોન, વાહનોના હપ્તાઓ અને કર્મચારીઓના પગાર જેવા ખર્ચ યથાવત રહ્યા છે. જયારે ખાણકામ બંધ હોવાથી આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. કચ્છમાં મળી આવતી ખનિજના લીઝધારકોના વિવિધ સંગઠન દ્વારા સરકાર સમક્ષ ઈસીની પ્રક્રિયામાં સરળતા અને નાની લીઝોને માઈનીંગ પ્લાનમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે. સરકાર સાથે વાટાઘાટો કોઈ પણ ચોક્કસ સમાધાન લાવી શકી નથી, તેથી હાલે તંત્ર દ્વારા ઈસીના નિયમમાં કોઈ બાંધછોળ ન કરવાનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ખાણકામ બંધ હોવાથી લીઝ ધારકો આર્થિક બોજ તળે દબાયા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રોનું માનીએ તો દર મહિને થતા લાખોના નુકશાનથી બચવા કેટલાક લીઝધારકો દ્વારા એટીઆર બંધ છે છતાં ખનિજનું ખનન અને પરિવહન કરવાની પ્રવૃતિ છાને પગલે શરૂ થઈ છે. જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે ભેડિયાઓ પર ઘરઘરાટીઓ સાંભળવા મળી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે. લીઝધારકો પોતાના આર્થિક વ્યવહારોને પુરા કરવા મજબૂરીમાં નિયમ વિરૂદ્ધનું ખનન કરી રહ્યા હોવાનું સુધી જણાવી રહ્યા છે. બેન્ટોનાઈટ, બ્લેકટ્રેપ, ચાઈનાક્લે જેવી વિવિધ ખનિજની લીઝ પર એટીઆર બંધ હોવા છતાં ખનન અને પરિવહનની પ્રવૃતિઓ છુટાછવાયા સ્થળોએ ચાલી રહી છે. માન્ય લીઝો બંધ હોવાના પગલે કચ્છમાં ગેરકાયદેસર ખનિજનો કારોબાર કરતા તત્ત્વો પણ સક્રિય બની ગયા છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ સરકારી મોટા પ્રોજેકટથી માંડી નાના - મોટા બાંધકામો માટે રો - મેટરીયલની માંગ ફરી વધી છે, ત્યારે ખનિજ તસ્કરો માન્ય લીઝો બંધ હોવાનો ગેરલાભ લઈ સરકારી તિજોરીને મોટૂં નુકશાન પહોંચાડી રહ્યા છે. ખાણ ખનિજ વિભાગ અને સબંધિત ખાતાઓ દ્વારા જિલ્લામાં સઘન તપાસ હાથ ધરવામાં આવે અને જિલ્લામાં માર્ગો પર ખનિજ ભરી દોડતા વાહનોના પરમીટ ચેક કરવામાં આવે તો અનેક મોટાભાગના ભૂમાફિયાઓના નીચે રેલો આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments