Trending News
સ્થાનિક સમાચાર

વિકાસ સાથે પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ અનિવાર્ય : લલિત બોહરા

03 December

વિકાસ ભી.... વિરાસત ભી.....

જિલ્લા મથક ભુજ ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત તજજ્ઞોની કેન્દ્રિય ટીમે ઘોરાડ સંવર્ધન મુદ્દે કર્યો પરામર્શ : ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, પક્ષીવિદો, પર્યાવરણવાદીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓએ રજુ કર્યા મહત્વના રચનાત્મક સુચનો

ખેતી અને રહેણાંક હેતુસરના વીજ જોડાણ ફરી શરૂ કરાય : પ્રધ્યુમનસિંહ જાડેજા (અબડાસા ધારાસભ્ય)



ભુજ : કચ્છ જિલ્લો એ ૩૦ જેટલા લુપ્ત થવાની કગારે પહોંચેલા વન્યજીવોના ઘર સમાન છે. ભારતભરમાં કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે જયાં બસ્ટર્ડ પરિવારના ૩ પક્ષીઓ ઘોરાડ, ખડમોર અને હુબારા વસવાટ કરે છે. એક સમયે કચ્છ જિલ્લામાં ૪૮ જેટલા ઘોરાડ વસવાટ કરતા હતા. આજે તે સંખ્યા માત્ર ચાર રહી ગઈ છે. ઘોરાડ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કચ્છમાં ઘોરાડ અભ્યારણમાં વીજલાઈનોને ભુગર્ભમાં ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના તજજ્ઞો કચ્છની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અબડાસા તાલુકાના અભ્યારણના વિવિધ વિસ્તારોની મુલાકાત બાદ આજે તજજ્ઞોની ટીમે ભુજની કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર, વીજતંત્ર, ગેટકોના અધીકારીઓની ઉપસ્થિતિમાં ચુંટાયેલા જન પ્રતિનિધિઓ અને કચ્છના પક્ષીવિદો, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમના મંતવ્યો જાણ્યા હતા.મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ લલિત બોહરાએ આજની બેઠકને મહત્વપુર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પર્યાવરણ અને પ્રકૃતિની સુરક્ષા સાથે રિન્યુવેબલ એનર્જીના વિકાસના નિર્દેશ આપ્યા છે. ગઈકાલે કેન્દ્રિય ટીમે સાઈટ વિઝિટ બાદ આજે તમામ સ્ટેક હોલ્ડર્સ સાથ બેઠક કરી હતી. જેમાં કેટલાકરચનાત્મક સુચનો મળ્યા છે. સાઈટ વિઝિટર અને બેઠકમાં મળેલ માહિતી અનુસાર રીપોર્ટ તૈયાર કરી સુપ્રીમ કોર્ટને અપાશે તેવું તેમણે જણાવ્યું હતું.માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપ્યો છે ત્યારે વિકાસ સાથે વન્યજીવો અને પર્યાવરણનું જતન જરૂરી છે. કચ્છમાં લુપ્ત થવાના કગારે પહોંચેલા ઘોરાડની સંખ્યા વધારવા વૈજ્ઞાનિક અભિગમ સાથેના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ હાલે અબડાસા અને માંડવીના કેટલાક એવા વિસ્તારો છે જયાં ઘોરાડ વસવાટ કરતા નથી તેવા વિસ્તારોમાં પવનચક્કીઓ કે રેલવેને વીજ જોડાણ મળ્યા છે પરંતુ લોકોને રહેણાંક હેતુસર કે ખેતી માટે વીજ કનેક્શન મળતા નથી જે ફરી મળતા થાય તેવી રજુઆત કરી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ લલિત બોહરા, નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફના સભ્ય ડો.હરિશંકર સિંઘ, ફોરેસ્ટના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ કન્ઝર્વેટર નિરંજન વાસુ, કચ્છના કાર્બેટ ફાઉન્ડેશનના નાયબ નિયામક ડો.દેવેશ ગઢવી, સેન્ટ્રલ ઈલેકટ્રીસિટી ઓથોરીટીના સભ્ય અશોક રાજપુત, વન અને પર્યાવરણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીસત્યજીત મિશ્રા, સેન્ટ્રલ ટ્રાન્સમીશન યુટીલિટી ઓફ ઈન્ડીયાના ચીફ ઓપરેટીંગ ઓફિસર પી.સી. ગર્ગ, વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના વિરેન્દ્ર તિવારી, વૈજ્ઞાનિક ડો.બિલાલ હબીબ, વરૂણ શ્રીનિવાસ, મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુવેબલ એનર્જીના અંડર સેક્રેટરી હિમાંશુ પ્રભાકરેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર અમિતભાઈ અરોરા, ઘોરાડ અભ્યારણમાં સમાવિષ્ટ માંડવી અને અબડાસાના ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ દવે સહિતનાઓએ જિલ્લામાં લુપ્ત થવાની કગારે પહોંચેલા ઘોરાડ પક્ષીઓની સુરક્ષાના મુદ્દે ચર્ચામાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં ધર્મકુમારસિંહજી નેચર કન્ઝર્વેશન સોસાયટી દુશ્યનસિંહ ઝાલા, કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટ, ગોવિંદભાઈ રવજીભાઈ ભાનુશાલી ધ કોમ્બેટ ફાઉન્ડેશનના કેદાર ગોર, આશિષ ગોહિલ, શાંતિલાલ વરૂ, ગોસ્વામી દિપક, નેચર એન્ડ વાઈલ્ડ ફોટોગ્રાફર અશોક મુરલીધર ચૌધરી, રોનકભાઈ ગજ્જર વગેરેએ કચ્છ જિલ્લામાં ઘોરાડની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે ચિંતા વ્યકત કરી હતી. ઘોરાડને સુરક્ષિત કરવા રચનાત્મક સુચનો રજૂ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત તજજ્ઞોની કેન્દ્રીય ટીમે ગઈકાલે અબડાસા તાલુકાના જખૌ, લાલા, બુડિયા અભ્યારણ વિસ્તાર, નલીયાના ઘાસીયા મેદાન અને ભાચુંડા ખાતે ગેટકો દ્વારા તૈયાર થઈ રહેલા રર૦ કેવીના સબ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ફિલ્ડ વીઝીટ દરમ્યાન તજજ્ઞોની ટીમે પાઈપલાઈન, પવનચક્કીઓનું નિરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વીજલાઈનો સબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી.

 

Comments

COMMENT / REPLY FROM