સરકારી સિરિઝના નંબર મેળવવાની ઘેલછાથી કચ્છ યુનિ.ની તિજોરીને લાખોનો ફટકો ’
છે..ને..માલેતુજારોના નબીરાઓ જેવી હોદ્દેદારોની જીદ..!
યોગ્યતા ન હોવા છતાં સરકારી સીરીઝના નંબરો મેળવવાની કચ્છ યુનિવર્સિટીના હોદ્દેદારોની જીદના કારણે કચ્છ યુનિવર્સિટીને ૩. ૭પ લાખનો દંડ : છ મહિના સુધી રજીસ્ટાર અને પરીક્ષા નિયામકના વાહનો રોડ પર નંબર પ્લેટ વગર જ દોડતા રહ્યા
કચ્છ યુનિવર્સિટી રાજ્ય સરકાર હસ્તક હોઈ વાહનોમાટે સરકારી સિરિઝ માટે માંગ કરવામાં આવી હતી : ડો. અનિલ ગોર (રજીસ્ટ્રાર કચ્છ યુનિ.), દંડનીય કાર્યવાહી આરટીઓ ઈન્સપેકટર કક્ષાએ કરવામાં આવતી હોય છે, જેથી એ બાબતે અમે અજાણ છીએ, નિયમ અનુસારની જ કાર્યવાહી કરાય છે : શ્રી વાઘેલા (આરટીઓ, ભુજ-કચ્છ)
ભુજ : વાહનોએ લોકોની પ્રાથમિક જરૂરિયાત સાથે મોભાનું પણ પ્રતિક ગણાય છે, તે રીતે જ વાહનની નંબર પ્લેટ પણ કેટલાક લોકો માટે સ્ટેટસ લિમ્બોલ સમાન હોય છે. ભૂતકાળમાં લોકો પસંદગીની ડિઝાઈન અનુસાર નંબર પ્લેટ તૈયાર કરાવતા હતા. આરટીઓ દ્વારા મળેલા નંબર ઉપરાંત નંબર પ્લેટ પર ડોકટરના સિમ્બોલ, હેડક્રોસ, એવોકેટ, પ્રેસ કે, ધાર્મિક લખાણો સાથેની નંબર પ્લેટ હવે ભૂતકાળ બની છે. નવા નિયમ અનુસાર હવે આરટીઓ દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે. જો કે, નંબર પ્લેટના માધ્યમથી સ્ટેટસ દર્શાવવા ઈચ્છતા લોકો માટે પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયા વધુ પ્રચલિત બની છે. લોકો પસંદગીના નંબર મેળવવા રૂપિયાનો ખર્ચ કરી પોતાની ઘેલછાઓ પુરી કરતા હોય છે, પરંતુ ખાસ નંબર પ્લેટની ઘેલછા કચ્છ યુનિવર્સિટીને ખાસ્સી મોંઘી પડી હતી. યોગ્યતા ન હોવા છતાં સરકારી સીરીઝના નંબરો મેળવવાની કચ્છ યુનિવર્સિટીના હોદ્દેદારોની જીદના કારણે કચ્છ યુનિવર્સિટીની તિજોરીને ૩.૭પ લાખનો ફટકો પડ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છ
યુનિવર્સિટીના કુલપતિના વાહનને સરકારી સિરિઝના નંબર ફાળવવામાં આવ્યા છે. આ પ્રકારે સરકારી નંબર પ્લેટ મેળવવા માટે કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટાર અને પરીક્ષા નિયામકના વાહનો માટે પણ અરજી કરવામાં આવી હતી. સરકારી નિયમો અનુસાર કચ્છ યુનિવર્સિટીએ સ્વતંત્ર શૈક્ષણિક સંસ્થા હોઈ ગવર્મેન્ટ સિરિઝ શિક્ષણ સંસ્થાના વાહનોને ફાળવવામાં આવતી નથી. સરકારી નિયમોથી વાકેફ હોવા છતાં કચ્છ યુનિવર્સિટીના બે વાહનો માટે જી સિરીઝના નંબર મેળવવા છ માસ લાંબી રાહ જોવામાં આવી હતી. છ માસ સુધી કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટાર અને પરીક્ષા નિયામકના વાહનો રોડ પર નંબર પ્લેટ વગર જ દોડતા રહ્યા હતા. જયારે આરટીઓ દ્વારા સરકારી સિરિઝના નંબર ફાળવવાનો સ્પષ્ટ નનૈયો ભણી દેવામાં આવ્યો. ત્યારબાદ ખાનગી વાહનોની સિરિઝના નંબર મેળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિશિષ્ટ નંબર મેળવવાની કચ્છ યુનિ.ના હોદ્દેદારોની ઘેલછા મોંઘી પડી હતી અને બંને ગાડીઓ માટે રૂા. ૩.૭પ લાખનો દંડ કચ્છ યુનિવર્સિટીને ભરવો પડ્યો હતો. માલેતુજારોના નબીરાઓ જેવી ખાસ નંબરની ઘેલછા કચ્છ વિશ્વ વિદ્યાલયની તિજોરી પર આર્થિક ફટકા સમાન સાબિત થઈ હતી. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર અનિલભાઈ ગોરને પુછતા જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીના બે વાહનો માટે જી સિરિઝના નંબર માટે આરટીઓ સમક્ષ અરજી કરવામાં આવી હતી. રાજ્યની અન્ય સરકારી કોલેજ અને યુનિવર્સિટીના વાહનોને જી સિરિઝના નંબર ફાળવવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટી રાજ્ય સરકાર હસ્તક હોઈ વાહનોમાટે સરકારી સિરિઝ માટે માંગ કરવામાં આવી હતી. આરટીઓ દ્વારા તે સિરિઝ ન મળતા રાજ્ય સરાકર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં
વિલંબ થતા વાહનોનું રજિસ્ટ્રેશન મોડું થયું હતું. જોકે, દંડની રકમ અંગે તેમણે અજાણતા દર્શાવી હતી. ભુજ આરટીઓ અધિકારી શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે, ભુજની કચેરીએ દરરોજ સરેરાશ ર૦૦ જેટલા વાહનોનું રજિસ્ટ્રેશન થતું હોય છે. નિયમાનુસાર વાહનોને નંબર ફાળવવામાં આવે છે. જોકે, કચ્છ યુનિવર્સિટીના બે વાહનોને વિલંબથી રજિસ્ટ્રેશન માટે થયેલ દંડ અંગે તેમણે અજાણતા દર્શાવી હતી. દંડનીય કાર્યવાહી આરટીઓ ઈન્સ્પેક્ટર દ્વારા થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. દરરોજ મોટી સંખ્યામાં વાહનોના રજિસ્ટ્રેશન થતા હોવાથી કોઈ ચોક્કસ વાહનને કેટલે દંડ થયો તે રેકર્ડ ચકાસીને જણાવી શકાય તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Comments