કચ્છના ઘોરાડ અભ્યારણમાં કેન્દ્રિય ટીમના ધામ
અબડાસાના જખૌ સહિતના ઈકો સેન્સિટીવ ઝોનમાં વીજલાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી સહિતનું કર્યું નિરીક્ષણ : રજુઆતકર્તાઓને ઈરાદાપૂર્વક કેન્દ્રીય ટીમથી દૂર રખાયા હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ : આવતીકાલે જિલ્લા કલેકટર કચેરીમાં તજજ્ઞો અને વહીવટી તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક
ભુજ : લુપ્ત થવાની કગારે પહોંચેલા મહાકાય પક્ષી ઘોરાડને બચાવી લેવા સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કચ્છના ઘોરાડ અભ્યારણમાં કામગીરીના નિરીક્ષણ માટે કેન્દ્રીય ટીમ કચ્છની મલાકાતે આવી છે. અબડાસા અને માંડવીના ર૧ ગામોના વિસ્તારોને ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે કેન્દ્રિય ટીમે સ્થાનીક વન વિભાગના અધિકારીઓ, વીજ વિભાગ અને ગેટકોના અધિકારીઓ સાથે અબડાસા તાલુકાના અભ્યારણમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ અંગે મળતી વિગતો મુજબ દેશની સર્વોચ્ચ અદાલતે ઘોરાડ અભ્યારણમાંથી પસાર થતી તમામ વીજલાઈનોને ભુગર્ભમાં પાથરવાના આદેશ કર્યા હતા. અંદાજીત ત્રણ કરોડના ખર્ચે ૩પ૦૦ કી.મી. વીજતારોને ભુગર્ભમાં મુકવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંતપાંચ લાખ ડાયવર્ટર્સ લગાવવાનું પણ આયોજન કરાયું છે. આજે અબડાસા તાલુકાના જખૌ સ્થિત પોઈન્ટ રપ૧ અને આસપાસના વિસ્તારોમાં મિનિસ્ટ્રી ઓફ એનર્જીના સંયુક્ત સચિવ શ્રી બોહરા, વનવિભાગના નિરંજન વાસુ, ડો.દેવેશ ગઢવી સહિતના ૧૧ તજજ્ઞોની ટીમે સ્થાનીક વન તંત્ર અને વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરી હતી. જો કે કેન્દ્રીય ટીમથી સ્થાનીક લોકોને દૂર રાખવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાયો હતો. અબડાસાના લાલા, બુડિયા ગામે અભ્યારણની તદ્ન નજીક એક ડઝન પવનચક્કીઓ ઉભી કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનને નેવે મુકી પવનચક્કીઓની મંજુરી અપાઈ હોવા મુદ્દે સ્થાનીક જાગૃત ગ્રામજનો દ્વારા કેન્દ્રીય ટીમ સમક્ષ રજુઆતનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનીકોએ કેન્દ્રીય ટીમના લોકેશનની માહિતી પણ ન અપાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનચક્કીઓ અને ઉદ્યોગો સામે સમયાંતરે ફરિયાદો ઉઠે છે. આડેધડ ઉભી કરવામાં આવેલ પવનચક્કીઓના કારણે લુપ્ત થવાની કગારે પહોંચેલા રક્ષિત પક્ષી ઘોરાડ, રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના બનાવો ભૂતકાળમાં બન્યા છે. કેન્દ્રીય ટીમને સ્થાનીક રજુઆત કર્તાઓથી ઈરાદાપૂર્વક મળવા દેવામાં ન આવી રહી હોવાનો સ્થાનિક અધિકારીઓ સામે આક્ષેપ કર્યો હતો. આ અંગે વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

Comments