કચ્છમાં ગુલ્લીબાજ શિક્ષકો પર શિક્ષણ વિભાગના ચાર હાથ
અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં માત્ર ચોપડા પર શિક્ષકોની હાજરી : મોટા ભાગે શિક્ષકો વતનમાં રહીને સરકારી પગાર પચાવતા હોવાનો ઉઠ્યો આક્ષેપ : અગાઉ તપાસ થઈ પણ બાદમાં ભીનુ સંકેલી લેવાયું
ભુજ : રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં સૌથી મોટી સમસ્યા હોય તો શિક્ષક અને આરોગ્ય ઘટની છે. જીવનધોરણને ઉંચુ લાવવા માટે રોટી, કપડાં, મકાનની સાથે શિક્ષણ અને આરોગ્ય સેવા પણ જરૂરી છે, પરંતુ કચ્છમાં મહત્ત્વના બે પાસા કહી શકાય તે શિક્ષકો અને ડોક્ટરોની કાયમી ઘટ છે. હાલના તબક્કે જોવા જઈએ તો શિક્ષણ વિભાગમાં જિલ્લા ફેરબદલીની કામગીરી થઈ રહી છે, જેમાં ૩૦૦થી વધુ શિક્ષકો પોતાના વતનની વાટ પકડશે, જેના કારણે પ૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે. જોકે, હાલે મંજૂર થયેલા શિક્ષકો પૈકી પણ મોટા ભાગના અમુક દિવસોએ જ નોકરી કરતા હોવાનું જાણવા મળે છે. હાલ જિલ્લા ફેર બદલીની કામગીરી પુર્વ સ્થાનિકોએ પ્રવાસીઓ શિક્ષકોની ભરતી સહિતના મુદ્દા રજુઆત કરાઈ હતી જેની તંત્ર કોઈ નોંધ ન લીધી જેની અસર શિક્ષણ તંત્ર પણ પડશે.
આ અંગેની વિગતો મુજબ ખાસ કરીને લખપત, અબડાસા, ખડીર, વાગડ, બન્ની- પચ્છમ સહિત ખાવડાના અંતરિયાળ વિસ્તારોમાં મંજૂર શિક્ષકો હાજર ન રહેતા હોવાની ફરિયાદ છે. ઘણા પોતાના વતનમાં હોય અને હાજરી બોલતી હોય. વળી ઘણા સપ્તાહમાં બે દિવસ સ્કૂલે આવે અને પાંચ દિવસ વતનમાં હોય છે. નીચેથી લઈ ઉપર સુધી સાંઠગાંઠ હોવાથી રજિસ્ટરમાં સહિઓ થઈ જાય. સ્થાનિકે અવાજ ન ઉપડે અને વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવતા હોઈ એકંદરે તમામ સચવાયેલા રહે છે. સરકારના પરિપત્ર મુજબ સરકારી શિક્ષકોએ ટયુશન આપવાની મનાઈ છે છતાં કેટલાક શિક્ષકો જાહેરમા ટયુશન આપી રહ્યા છે અને શિક્ષણ તંત્ર ચુપ બેઠો છે. તાજેતરમાં ફરિયાદો ગાંધીનગરથી ટૂકડી આવી હતી, જેમાં સ્થાનિકે અલગ-અલગ જગ્યાએ ફરાવી તટસ્થ તપાસ ન થાય તેવું તરકટ રચવામાં આવ્યું હતું, જે આ વાતની સાબિતી પૂરે છે. થોડા દિવસો અગાઉ સરકારી શિક્ષકો વિદેશમાં બેઠા હોવાની ફરિયાદો બાદ કચ્છ સહિત રાજ્યમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં કચ્છના પણ શિક્ષકો વિદેશ હોવાનું સામે આવ્યું હતું. જોકે, બાદમાં સમગ્ર મામલા પર પડદો પાડી દેવામાં આવ્યો હતો.
તાજેતરમાં શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકાર પાસેથી પગાર મેળવી આ શિક્ષકો હાજર રહેતા ન હોઈ ભ્રષ્ટાચારથી પણ એક સ્ટેપ આગળનું પગલું ભરે છે.
આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં વર્ષમાં ૩૩થી વધુ વખત દુબઈની ટ્રીપ મારનાર શિક્ષકની સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ખરેખર શાળામાં શિક્ષકોની ખોટી રીતે હાજરી પૂરી તંત્રને ઉંધા ચશ્મા પહેરાવનાર મુખ્ય શિક્ષક અને આચાર્યો સામે પણ સસ્પેન્ડના ભગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments