Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પાક નુકશાની સહાયની યોજનામાં જિલ્લાવ્યાપી કૌભાંડની ગંધ 

01 December


ભુજના પાવરપટ્ટી સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિ નુકશાની સહાયનું ચૂકવણુ શરૂ થતા અસરગ્રસ્ત ખેડૂતો વંચિત રહી ગયાનો થયો ખુલાસો : પાવરપટ્ટી વિસ્તારમાં ગ્રામ પંયાયતના હોદ્દેદારો-સભ્યો અને તેમના મળતિયાઓને મળ્યો લાભ 


’    આ અંગેની વિગત મુજબ ગત ઓગસ્ટ માસમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભેલા પાકનું ધોવાણ થયું હતું. સતત વરસાદના પગલે ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા ખરીફ પાકને ભારે નુકશાન થયું હતું. મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોને થયેલા નુકશાનીનો મોડેમોડે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાંથી અનેક ખેડૂતોએ પાક નુકશાની સહાય મેળવવા અરજી કરી હતી. હાલે સરકાર દ્વારા ખેડૂતોને અતિવૃષ્ટિની સહાયના ચૂકવણા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે કચ્છમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણીમાં વ્યાપક કૌભાંડ થયું હોવાની ફરિયાદો સામે આવી છે. ભુજ તાલુકાના પાવરપટ્ટી પંથકમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી શરૂ થતા જ ભારે હોબાળો મચી ગયો છે. પાવરપટ્ટીના ગામોમાંથી અનેક ખેડૂતોએ પાક નુકશાનીનું વળતર મેળવવા અરજીઓ કરી હતી. હાલે પાવરપટ્ટીના કેલાક ગામોમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્ય તથા તેમના જ સગા-સંબંધિઓને જ સહાય ચૂકવાઈ હોવાનો હોબાળો મચ્યો છે. ગ્રામ્યકક્ષાએ અરજીની પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ તલાટી અને ગ્રામ સેવક પર દબાણ લાવી પોતાની અને પોતાના મળતિયાઓની અરજીઓને અગ્રતા અપાવી દીધી હતી. પાવરપટ્ટીના એક ગામમાં સાચા લાભાર્થીઓ સહાયની રાહ જોતા રહી ગયા અને ગ્રામ પંચાયત હોદ્દેદારો-સભ્યો અને તેમના મળતિયાઓને સહાય મળી ગઈ હોવાની ફરિયાદો ઉઠી છે. પાવરપટ્ટીના ગામોમાં અરજીદીઠ પાંચેક હજારની રકમ લઈ ફાઈલોને અગ્રતા અપાઈ હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ પોતાની વગ વાપરી સરકારી યોજનાનો લાભ મેળવી લીધો છે જ્યારે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના નામે માત્ર આશ્વાસન જ મળ્યું છે. પાવરપટ્ટીના એક ગામે રાજકીય મોટું મોથું ગણાતા સરકાર ક્ષેત્રના અગ્રણીએ આ મામલે સરપંચ પ્રતિનિધિના કાન પણ આમળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સહાયથી વંચિત ખેડૂતોની બેઠકમાં આગામી સપ્તાહે જિલ્લા કચેરીએ મોરચો લઈ જઈ હલ્લાબોલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર ભુજનો પાવરપટ્ટી વિસ્તાર જ નહીં, સમગ્ર કચ્છમાં અતિવૃષ્ટિ સહાયના નામે મોટું કૌભાંડ થયું છે. રાજકીય વગ કે હોદ્દો ધરાવતા લોકોએ જાતે કે મળતિયાઓને લાભ અપાવી દીધો છે જ્યારે સાચા અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર નિરાશા જ સાંપડી છે. પાવરપટ્ટી સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં હાલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં ભારે હોબાળો થવાની ભારોભાર શક્યતાઓ જણાઈ રહી છે. 


................


બંધ બારણે થયી હતી સર્વેની કામગીરી 



પાવરપટ્ટી વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં થયેલા અતિભારે વરસાદથી ખેતરમાં ઊભેલા ખરીફ પાકનું ધોવાણ થયું હતું. સરકાર દ્વારા સર્વેની કામગીરી ખુબ વિલંબ બાદ શરૂ થઈ હતી. નુકશાની થયાના થોડા દિવસોમાં જ ધરતીપુત્રો પોતાના ખેતરને સમુંનમું કરવાની કામગીરીમાં જોતરાઈ જતા હોય છે. નુકશાનીના સર્વેની કામગીરી અતિવૃષ્ટિના મહિના બાદ શરૂ થઈ હતી. આ કામગીરી સ્થળ પર નુકશાનીના સર્વે કે અસગ્રસ્ત ખેડૂતને મળ્યા વગર પંચાયતના બંધ બારણે જ થઈ હતી. પંચાયત ઘર કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોના નિવાસસ્થાનેથી જ નુકશાની વળતરની અરજીઓ તૈયાર થઈ હતી. જેમાં વગરદારોએ પોતાના લાગતા વળગતાઓને સમાવી લીધા હતા. 

વજન મુકાયેલી અરજીઓ થઈ પાસ

ભુજ તાલુકાના પાવરપટ્ટીના એક ગામમાં અરજી દીઠ ચોક્કસ રકમનો ભાર મૂકાયો હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. અતિવૃષ્ટિની સહાય ચૂકવવાની ઘોષણા થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોએ અરજીઓ કરી હતી. જેમાં મંજૂર થયેલ સહાયમાંથી પ હજાર જેવી દિક્ષણા આપવાની બાંહેધરી આપનારની અરજીઓ પાસ થઈ છે તેવું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. 
લાભાર્થીઓની યાદી ફરતી થયા બાદ પણ ભરાયા ફોર્મ રાજ્ય સરકાર દ્વારા નુકશાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ દરેક ગામ દીઠ લાભાર્થીઓની યાદી વહેતી થઈ હતી. આ યાદીમાં બાકાત રહી ગયેલા ખેડૂતોને સહાય મળી જશે તેવી લાલચ આપી પાછળથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. સહાય ચોક્કસ મળી જશે તેવું આશ્વાસન મળતા ખેડૂતોએ અરજીઓ કરી હતી પરંતુ સહાયના ચૂકવણું શરૂ થયું છે ત્યારે પ્રાથમિક તબક્કે બહાર પાઠવામાં આવેલ યાદીમાં સમાવાયેલા ખેડૂતોને જ સહાય મળી છે. પાછળથી ફોર્મ ભરનારને નિરાશા જ સાંપડી છે. 




 

Comments

COMMENT / REPLY FROM