નમો રેપિડ ટ્રેનને હળવદ પાસે નડ્યો અકસ્માત
ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી
ધ્રાંગધ્રાના ચુલી રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ગાય સાથે અથડાઈ ટ્રેન : એન્જિનના આગળના ભાગે લાગેલા પતરાને થયું નુકસાન : સદ્નસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી : ટ્રેનના એન્જિનમાં કોઈપણ ખામી ન સર્જાતા સામાન્ય વિલંબ બાદ કચ્છ પહોંચી
ભુજ : દેશની સર્વપ્રથમ એવી ભુજ અને અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ ટ્રેનને ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે અકસ્માત નડતા ટ્રેનના એન્જિનને નુકસાન થયું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજે અમદાવાદથી ભુજ જવા નીકળેલી નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા થઈને કચ્છ તરફ આગળ ધપી રહી હતી ત્યારે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચે અકસ્માત નડ્યો હતો. નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા તાલુકાના ચુલી રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ગાય સાથે અથડાઈ હતી. આ અકસ્માતથી ટ્રેનના એન્જિનમાં આગળના ભાગે લગાવવામાં આવેલ પતરૂં નીકળી ગયું હતું. અકસ્માતના કારણે ટ્રેન મોડી પડી હતી. આ અકસ્માતમાં ટ્રેનના એન્જિનમાં કોઈ ખામી ન થઈ હોવાના કારણે થોડા વિલંબ બાદ કચ્છ તરફ જવા રવાના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની સર્વપ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન તાજેતરમાં જ ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી છે. ભુજથી સવારે નીકળતી ટ્રેન સાંજે અમદાવાદથી કચ્છ પરત આવે છે. અત્યાધુનિક ટ્રેનમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સપ્તાહમાં છ દિવસ કચ્છ અને અમદાવાદ વચ્ચે દોડતી રેપિડ ટ્રેનને ગઈકાલે પ્રથમ અકસ્માત નડ્યો હતો. જોકે, સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટ્રેનને પણ મોટું નુકસાન ન થતા થોડા વિલંબ સાથે કચ્છ પહોંચી હતી.

Comments