Trending News
સ્થાનિક સમાચાર

ભુવડની કેમીકલ ફેકટરીની લોકસુનાવણીમાં જનાક્રોષ ભભુકયો રામધુન-ધરણા સાથે જાગૃત લોકોએ દર્શાવ્યો વિરોધનો વંટોળ 

29 November

સ્થાનિક લોકો દ્વારા પ્રોજેકટની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા અને પર્યાપ્ત માહિતી પ્રદાન કરવા જોર આપ્યો 

હવે ખમૈયા કરો, કચ્છને હવે ઔદ્યોગીક એકમોની જરૂર નથી, ભાતીગળ ખેતીપ્રધાન કચ્છમાં ખેડુતોના લીલાછમ ખેતરોમાં આડેધડ જમીનો પાસ કરવાનું બંધ કરો : સરકારી જમીન પર દબાણો કરીને બેઠા છે તેમને કોઈ દુર કરવા નથી જતુ, અને ખેડુતોની જમીનોમાં નિયમ વિરૂદ્ધ ઉદ્યોગોને જમીનો પધરાવી દેવાયા છે : જાગૃત લોકોમાંથી ઉઠતો ભારોભારો રોષ

ભુવડ ખાતે આવી રહેલી કંપનીના રસાયણોના ઉત્પાદનથી આસપાસના જનજીવનના આરોગ્ય પર તોળાય છે મોટો ખતર’



અંજાર : તાલુકાના ભુવડ ગામની સીમમાં મેસર્સ મેગ્રમ ઈન્ટરનેશનલ એલએલપી નામની કેમિકલ મેન્યુફેકચર ફેકટરી માટે પર્યાવરણ મંજૂરી બાબતે લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં આસપાસના ગામના લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સુનાવણી પ્રાંત અધિકારી સુનિલ સોલંકી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી મહેન્દ્ર સોનીની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી. સુનાવણીમાં ભુવડ, ખેડોઈ, ચાંદ્રોડા, વલાડિયા, મિંદિયાળા, સિનુગ્રા સહિતના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યા કે, સુનાવણીની પણ લોકો સુધી યોગ્ય રીતે જાણ કરવામાં આવી ન હતી. એકમ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. કેમિકલ ફેકટરીની અસરથી ૧૦ કિલોમીટરની ત્રિજયામાં માનવ જીવન અને પર્યાવરણ પર નુકશાની થવાની આશંકા છે તેવો સૂર લોકો દ્વારા જોવા મળ્યો હતો. લોકોના મતે પર્યાવરણનું મુલ્યાંકન અને પાણીના અહેવાલો અવાસ્તવિક  છે. સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી સુધી સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી. તેઓએ આ મુદા પર રામધૂન અને ધરણા જેવા વિરોધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કેમિકલ પ્રોજેકટ અંદાજે રૂા. ૧૪પ કરોડના ખર્ચે રપ એકરમાં જમીન પર સ્થાપિત થવાનો છે. જેમાં ફાર્મા અને રંગરોગાન ઉધોગ માટેના કેમિકલ્સનું ઉદ્દઘાટન થશે તેવો કંપનીએ દાવો કર્યો છે. સામાજિક જવાબદારીમાં સીએસઆર પ્રોજેકટ માટે રૂા. ર.૧૭ કરોડ ફાળવવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો માટે રોજગારીના આવકાશ સાથે ગામડાઓના વિકાસ માટે પ્રયત્ન કરશે. પ્રદુષણ નિયંત્રણ માટે ફેકટરીમાંથી પર્યાવરણને કોઈ નુકશાન નહીં થાય. ફેકટરીના પ્રતિનિધિ દિવ્યાંગ ઝાએ દાવો કર્યો કે, જમીનના દબાણ બાબતે જમીન માપણી માટે તંત્ર સાથે સહકાર આપવાની તૈયારી છે તેવી વાત કરી હતી. સ્થાનિક નેતા અંજાર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે, પ્રોજેકટના ફાયદા અને નુકશાન અંગે સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. તેમના મતે તંત્ર દ્વારા સરકારી નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. લોકોની રજૂઆત અને આક્ષેપોની નોંધ લઈને અધિકારીઓએ બેઠક પૂર્ણ કરી હતી. પણ સ્થાનિકોએ પ્રોજેકટની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા અને પર્યાપ્ત માહિતી પ્રદાન કરવા પર જોર આપ્યું હતું. 




...........


ભુવડ ગામે કેમિકલ ઉત્પાદન એકમની મંજૂરી રદ્‌ કરો


જિલ્લા કોંગ્રેસ એસસી સેલે માંગ કરી  : ભારતમાં જે પદાર્થ પર પ્રતિબંધ લાગેલો છે તેવા એકમોની મંજુરી કચ્છમાં શા માટે?’

આસપાસના ગ્રામજનોના મંતવ્યો મેળવાય, સરપંચો સહિતનાઓની હાજરીમાં ગ્રામસભા બોલાવાય બાદમાં જ આવા એકમોેને મંજુરી આપવી જાુેઈએ



અંજાર : તાલુકાના ભુવડમાં યોજાયેલી એકમની મંજૂરી અંગેની લોક સુનવણીમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ કન્વીનર મનજીભાઈ રાઠોડે સ્થળ પર હાજર હતા, પંરતુ અમે ૧૦ મિટરની ત્રિજ્યામા આવતા ગામોમાંથી આવતા ન હોવાથી લેખિત રજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેનો મોકો ન આપવા બદલ તથા એકમને મંજૂરી આપવામાં ન આવે તેવી માંગ જીપીસીબી ગાંધીધામને લેખિતમાં કરી છે.
વધુમાં જણાવ્યું કે, આ એકમ જે રસાયણોનું ઉત્પાદન કરશે તેના કારણે પર્યાવરણ પર ખુબ જ ગંભીર અસરો થશે. ઈથિલ એસીટેટ નામક પદાર્થથી લોકોને આંખ, નાક, ગળુ, માથાનો દુઃખાવો, ઉલ્ટી, ઉંઘ, બેભાનતા, માનસિક અસ્થિર જેવા રોગો થઈ શકે છે. એસિટિક અને હાઈડ્રાઈડ નામના રસાયણના ઉત્પાદનથી ત્વચા અને આંખોને ગંભીર અસર થશે અને ફેફસાને નુકસાન થવાની શક્યતા છે. ભારતમાં આ પદાર્થ પર પ્રતિબંધ છે. આવા પ્રતિબંધિત કેમિકલ અહીં ઉત્પદાન થવાથી પર્યાવરણ અને અજાગૃત લોકો પર ગંભીર ખતરો ઊભો થશે અને એનડીપીએસ એક્ટ મુજબ નિયંત્રિત પદાર્થ ઓર્ડર જે ર૬/૩/ર૦૧૩થી અમલમાં આવ્યો ત્યારે આ પદાર્થને માદક દ્રવ્ય અને સાયકલો ટ્રોપિક પદાર્થના ઉત્પાદનમાં ઉપયોગ માટે પૂરોગામી કેમિકલ જાહેર કરવામાં આવ્યું છે છતા આ એકમમાં ઉતપાદન થશે તેના કારણે લોકોને શારીરિક તકલીફ ઊભી થઈ જશે સાથે બિનજરૂરી પદાર્થો પાણીના સ્ત્રોતને પ્રદૂષિત, લિકેજ માટીને નુકશાન, પ્રોડક્શન દરમિયાન હાનિકારક વાયુ હવામાં ભળવું વગેરે કારણે બાજુના વિસ્તારોમાં રોગચાળો ફેલાઈ શકે તેમ છે. એકમ દ્વારા પીપીઈ કીટનો ઉપયોગ માત્ર નામ બરાબર છે. સરકાર સંવેદના દાખવી આસપાસના ગામોથી ગ્રામ્ય સરપંચ, પંચાયતના વહીવટદાર પાસેથી ગ્રામસભા બોલાવી તેના નિર્ણય મુજબ મંજૂરી આપવામાં આવે, એક પણ વ્યક્તિ આ એકમ અહીં સ્થપાય તેના સમર્થનમાં જોવામાં આવ્યો નથી. માટે તેની મંજૂરી અપવામાં ન આવે તેવી માંગ કરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM