કચ્છના વિશ્વ વિજેતા પાવર લિફ્ટર પિતા-પુત્રનું કરાયું સન્માન
કચ્છના વિશ્વ વિજેતા પાવર લિફ્ટર પિતા-પુત્રનું કરાયું સન્માન
ભુજ : પાવર લિફટીંગમાં તાજેતરમાં મોસ્કો ખાતે વિશ્વ ચેમ્પિયન બનનારા પિતા-પુત્ર પચાસ વર્ષીય નીખીલ મહેશ્વરી અને ૨૦ વર્ષીય વત્સલનું સોમવારે કંડલા પોર્ટ અર્થાત દિનદયાળ પોર્ટ ઔથોરીટીના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે તેમના પોર્ટ વતી પોર્ટના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ખાસ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વિધિસર જાહેરમાં સન્માન ગોઠવાશે.મોસ્કો વિશ્વ સ્પર્ધા માટે ટૂંકી નોટિસે બંનેને સ્પોન્સર કરનાર કંડલા પોર્ટ અંગે બોલતા સુશીલકુમારે જણાવ્યું હતું કેે, તેમની મદદ અને તે પછીનું પિતા-પુત્રનું સન્માન એ હકીકતમાં કચ્છના ગૌરવનું સન્માન છે, કારણકે બંનેની સિદ્ધી અનન્ય છે. તેમણેે કહ્યું કે, એક જ કુટુંબના બે સભ્યો એક સાથે કોઈ પણ રમતગમતમાં વિશ્વ વિજેતા બને તેવો આપણા દેશમાં સંભવતઃ પ્રથમ બનાવ છે. તેમણેે વિશેષ જાહેર સન્માનની ઘોષણા અંગે જણાવ્યું હતું કે, આ દ્વારા કચ્છના રમતવીરોને પ્રેરણા મળશે અને તેઓ પણ ઉચ્ચ ધ્યેય રાખશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંડલા આખા કચ્છનો ભાગ હોવાથી તેમની સંસ્થાનો અભિગમ હવે પછી સમગ્ર કચ્છલક્ષી રહેશે. યોગાનુયોગ સોમવારે બોર્ડની બેઠક પણ હતી અને આ બંનેને બોર્ડના સભ્યો પણ સન્માનિત કરે તેવું નક્કી કરાયું હતું, પણ ગાંધીધામ - ભુજના ખરાબ રસ્તા અને રસ્તામાં વાહનમાં તકનીકી તકલીફ ઉભી થતા પિતા-પુત્ર બોર્ડની બેઠક પૂરી થયા પછી પહોંચતા અધ્યક્ષે તેમને પોર્ટના સચિવ હરીચંદ્રાન અને ઉપસચિવ યોગેશ કુમાર સિંઘની ઉપસ્થિતિમાંં સન્માન કર્યું હતું.
----

Comments