ભુજની જનરલ હોસ્પિટલના ૩૦૦ ડોક્ટરો દ્વારા હડતાળ
રેસિડેન્ટ અને ઈન્ટર્ન તબીબોના આકરા તેવર
અદાણી સંચાલિત મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માંગ ન સંતોષાતા તબીબી છાત્રોમાં ફેલાયો આક્રોશઃ ૧ એપ્રિલથી અમલમાં આવેલ સ્ટાઈપેન્ડનો વધારો સત્વરે ચૂકવવા માંગ : રેસિડેન્ટને ૧ લાખ અને ઈન્ટર્નને ર૦ હજારના ચૂકવણા અટવાયા
ભુજ : શહેરની ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા તબીબી છાત્રોના સ્ટાઈપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી ન થતા આજે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ૩૦૦ જેટલા ડોક્ટરો દ્વારા હડતાળના મંડાણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ૧ લી એપ્રિલથી સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો આદેશ હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા છેલ્લા બે મહિનાઓથી સતત રજૂઆતો કરી રહેલા તબીબી છાત્રોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્રને કરેલી રજૂઆતો બેઅસર રહેતા આખરે આજે તબીબી છાત્રો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને જનરલ હોસ્પિટલમાં તમામ કામગીરીથી અડગા રહી હડતાળ પર બેસી ગયા હતા. અદાણી સંચાલિત મેડિકલ કોલેજના ઈન્ટર્ન બેચના પ્રતિનિધિ ચાર્મી પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ મેડિકલ કોલેજમાં એક સમાન સ્ટાઈપેન્ડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ૧ એપ્રિલ, ર૦ર૪થી ઈન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ ૧૮ હજારથી વધારી ર૦ હજાર કરવામાં આવ્યું છે. જ્યારે રેસિડેન્ટ ડોક્ટટર્સને ૮૪ હજારથી વધારી ૧,૦૦,૮૦૦ કરવામાં આવ્યું છે. એપ્રિલ માસથી વધારો ચૂકવવાનો હોવા છતા મેનેજમેન્ટ દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી. જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રમુખ ડો. પાર્થ પોપેટે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ દ્વારા છાત્રોને જણાવવામાં આવ્યું હતું કે, અન્ય મેડિકલ કોલેજો દ્વારા ચૂકવણું કરવામાં આવશે ત્યારે વધારો ચૂકવવામાં આવશે. છાત્રોએ અન્ય ખાનગી મેડિકલ કોલેજ દ્વારા વધારાનું સ્ટાઈપેન્ડ ચૂકવાયાના પુરાવા આપ્યા છતા મેનેજમેન્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેસિડેન્ટ તબીબ ડો. રાહુલ દત્રોજાએ જણાવ્યું હતું કે, એપ્રિલ માસથી આજ પર્યત સુધીમાં રેસિડેન્ટ તબીબોને રૂા.૧ લાખ અને ઈન્ટર્નને રૂા.ર૦ હજાર એરિયર્સ મળવાપાત્ર થાય છે. મેનેજમેન્ટ અને જિલ્લા કલેક્ટર સુધી અમો દ્વારા શ્રેણીબદ્ધ રજૂઆતો કરવામાં આવી છે. આજે હડતાળ શરૂ કરતા પહેલા પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ મેનેજમેન્ટે દાદ ન દેતા આખરે હડતાળ પર બેસવાની ફરજ પડી છે.
હડતાળ પર ઉતરેલા તબીબોએ હાથમાં પોસ્ટર અને બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડ વધારો ૧ એપ્રિલથી અમલી બન્યો છે તેમ છતાં ગેઈમ્સના સંચાલકોએ તેનું ચૂકવણું કર્યું નથી. એક તબક્કે મેનેજમેન્ટે ૧ ઓક્ટોરથી તે અમલમાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તે પણ મળ્યું નથી. છાત્રોએ જણાવ્યું કે, એઈમ્સના મેનેજમેન્ટ દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ ખાતરી પણ આપી હતી. અદાણી મેડિકલ કોલેજ દ્વારા ફીમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે પરંતુ સ્ટાઈપેન્ડમાં વધારો આપવા મુદ્દે નક્કર કાર્યવાહી થતી નથી તેવું છાત્રોએ રોષપૂર્વક જણાવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે હડતાળથી ઊભી થનાર સ્થિતિને પહોંચી વળવા મેનેજમેન્ટને હડતાળની અગાઉથી જ જાણ કરવામાં
આવી હતી.

Comments