અમદાવાદમાંથી બીએમડબલ્યુની ચોરી કરનાર યુવક સામખિયાળી ટોલનાકે ઝડપાયો
તમીલનાડુથી ટ્રેઈલરમાં કાર આવી અને શોરૂમમાં પ્રવેશે તે પહેલા ઉઠાવી જવાઈઃ પૈસા માટે મોરબીના યુવકે કર્યું કારસ્તાન
ગાંધીધામ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બીએમડબલ્યુના શોરૂમની બહાર ચેન્નઈના તમિલનાડુથી બીએમડબલ્યુ કંપનીની નવી કાર ટ્રેઈલરમાં ડિલીવરી માટે આવી હતી. જોકે વહેલી સવારે શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા. એ દરમિયાન એક યુવક આવ્યો અને શોરૂમના કર્મચારી તરીકે પોતાની ઓળખ આપી ટ્રેલરમાં પડેલી ત્રણ ગાડીઓ નીચે ઉતરાવી હતી. જે બાદ તેમાંથી બીએમડબલ્યુ કારની ચાવી માંગી કારને શોરૂમ પર મુકવા જવાનું કહી કાર ચોરી કરી ભાગી ગયો હતો. થોડા સમય સુધી યુવક ન આવતા ડ્રાઇવર દ્વારા શોરૂમમાં તપાસ કરતા આવો કોઈ કર્મચારી મોકલ્યો ન હોવાની જાણ થઈ હતી. જે બાદ સમગ્ર મામલે ટ્રેલરના ડ્રાઈવરે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચોરી કરનાર
આરોપીની ધરપકડ કરી લીધી છે.સરખેજ પોલીસે સીસીટીવી જોતા આ યુવક બીએમડબલ્યુ કાર લઈને અમદાવાદથી સાણંદ તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં એક પેટ્રોલપંપ પર ઈંધણ પુરાવા ઉભો રહ્યો હતો. સીસીટીવીના આધારે સાણંદ થી કચ્છ તરફ જતા રસ્તા ઉપર બીએમડબલ્યુ કારની પાછળ જઈને અલગ અલગ ટોલટેક્સ તેમજ રસ્તા ઉપર લાગેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે બીએમડબલ્યુ કાર હળવદ મોરબી તરફ પસાર થઈ રહી હતી. હળવદથી અણિયારી નેશનલ હાઈવેના નાના રસ્તાઓ પર સ્થાનિકોની મદદથી પોલીસે કાર કચ્છના નાના રણ તરફ જતી હોવાની માહિતી મેળવી હતી. કારની માહિતી મેળવતા પોલીસે રાત્રી દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શોધખોળ હાથ ધરી હતી અને સવારે હાઈવે પર તપાસ કરતા આ કાર સામખીયાળી ટોલનાકા તરફ જતી હોવાની માહિતી મળતા ત્યાં નાકાબંધી કરાઈ અને કાર ટોલનાકા પર પહોંચતા કારચાલકની ધરપકડ કરવામાં આવી હતી. કાર ચોરી કરનાર યુવકની પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તેનું નામ ગૌરાંગ ગોસ્વામી છે અને તે ૨૩ વર્ષનો છે. ગૌરાંગ મૂળ મોરબી જિલ્લાના રસનાલ ગામમાં રહે છે. આરોપી ગૌરાંગે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ તે ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો, પરંતુ ગૌરાંગ સ્વતંત્ર વ્યવસાય કરવા માગતો હતો જે બાબતે પરિવાર તરફથી તેને સહયોગ ન મળતા તે પોતાના વ્યવસાય કરવા માટે રૂપિયાની વ્યવસ્થા કરવા ઘરેથી નીકળી ગયો અને અલગ અલગ વાહનોમાં લિફ્ટ મેળવીને અમદાવાદ સુધી પહોંચ્યો હતો અને અહીં ફરતા ફરતા તે એસજી હાઇવે મકરબા ખાતે આવેલા બીએમડબલ્યુ કારના શોરૂમ પાસે પહોંચ્યો હતો અને ટ્રેલરના ડ્રાઇવરને શોરૂમના કર્મચારી તરીકેની ઓળખાણ આપી વિશ્વાસમાં લઈ અને બીએમડબલ્યુ કાર મેળવી નાસી ગયો હતો. કાર ચોર ગૌરાંગ ગુજરાત છોડી અને અન્ય રાજ્યમાં જવાનો હતો અને ત્યાં પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવાનો હતો. જોકે ગૌરાંગ ગુજરાત બહાર નીકળે તે પહેલા જ સરખેજ પોલીસે તેની ધરપકડ કરી અને મોંઘીદાટ બીએમડબલ્યુ કારની રિકવરી કરી છે.

Comments