ખાવડા રોડ પર બેફામ દોડતા ટ્રેઈલરો સાબિત થઈ રહ્યા છે યમદૂત : વધુ એક યુવાનનો જીવ ગયો
અંજાર - વરસામેડી હાઈવે પર આખલો આવી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે યુવાનનું મોત
ભુજ : જિલ્લામાં હાઈવે માર્ગો પર બેફામ દોડતા ટ્રેઈલરો યમદુત સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને ભચાઉ - ગાંધીધામ હાઈવે, ભુજ - ખાવડા હાઈવે અને લાકડીયા હાઈવે રક્તરંજીત બની રહ્યા છે. તેવામાં વધુ એક યુવાનનું ખાવડા હાઈવે પર અકસ્માતમાં મોત થયું હતું. ખાવડા પોલીસમાંથી મળતી વિગત મુજબ ફરિયાદી પારેટી વાંઢમાં રહેતા અબ્દુલ જભ્ભાર ગફુર સુમરાના ભાઈ ર૭ વર્ષિય નિઝામુદીન ગફુર સુમરા બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે આ યુવાનનું મોત થયું હતું. જેથી પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેકટ અને નમક પરિવહનના કારણે આ માર્ગ સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે જેના કારણે નાના વાહન ચાલકો પર સતત જોખમ જળુંબતું રહે છે.આ તરફ અંજાર - વરસામેડી હાઈવે પર સંતોષ ચાની હોટલ સામે બનાવ બન્યો હતો. જેમાં મુળ હરીયણાના હાલે વરસામેડીમાં રહેતા ર૮ વર્ષિય હરીશ વિજય શર્મા પોતાની બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક આખલો આવી જતા અકસ્માત થયો હતો. જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments