નવી જંત્રી સામે કચ્છના રીયલ એસ્ટેટ સેકટરના આકરા તેવર
ગુજરાત હાઈકોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરવાનો લેવાયો નિર્ણય
ભુજ : ગુજરાત સરકાર દ્વારા નવા જંત્રી ભાવોનું મૂલ્યાંકન અમલીકરણની જાહેરાત કરાય છે ત્યારે ભુજ ખાતે જમીન લે વેચ સાથે સંકળાયેલા બ્રોકર એસોસિએશનની મીટીંગ પ્રમુખ જીતેનભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં સબ રજીસ્ટર રહી ચૂકેલા અંબાદાનભાઈ પાયક ખાસ ઉપસ્થિત રહી જંત્રીની વિસંગતતાઓ મુદ્દે ચર્ચા કરાઈ હતી. ભુજ એસ્ટેટ બ્રોકર એસો.ના પ્રમુખશ્રી જીતેનભાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ નવી જંત્રીના ભાવ રજૂ કર્યા છે, જેને અમલીકરણ એક મહિના બાદ લાગુ કરવામાં આવશે. આ જંત્રીના ભાવમાં વાંધા વચકા હોય તે પોતાનો વાંધો રજૂ કરી શકે છે. પ્રમુખે જણાવ્યું હતું કે, એપ્રિલ- ર૦ર૪માં નવી જંત્રીના ભાવ લાગુ કરાયા છે, તેમાં પણ જંત્રીના ભાવ ડબલ કરવામાં આવ્યા હતા. હાલ ફરી ટૂંકા સમયગાળામાં ભાવ ૧૦૦ ગણાથી પણ વધુ જંત્રીનો વધારો અસહનીય છે. જંત્રીનો વધારો માત્ર સ્ટેમ્પ ડ્યુટી સહિતને અસર નથી કરતું. ઈન્કમ ટેક્સ સુધી તેની અસર થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલ આવી રહેલી જંત્રીમાં તોગિં ભાવ વધારો છે સાથે તેઓ કહે છે કે સાયન્ટિફિક જંત્રી છે તો આમાં એટલી વિસંગતતાઓ છે કે આ સાયન્ટિફિક જંત્રી લાગતી જ નથી. અંદર રહેલી અનેક વિસંગતાઓ દૂર કરવાની જરૂર છે અને જંત્રી ભાવ વ્યાજબી રહે એવી સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જંત્રીના ભાવ નીચા નહીં આવે તો કચ્છમાં જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડી શકે છે. સબ રજીસ્ટર કચેરીનો નિવૃત્ત અધિકારી અંબાદાનભાઈ પાયકે જણાવ્યું કે, મારા જીવનના ખૂબ વર્ષોના અનુભવના આધારે આ જંત્રીની અંદર અનેક વિસંગતતાઓ છે, જેનું ઉદાહરણ મીઠીરોહર જેવા ગામની જંત્રી જાહેર કરેલ નથી. નાગલપર ગામનો દાખલો આપતા કહ્યું કે, રહેણાક વિસ્તારના ભાવ વધારે છે અને ઔદ્યોગિકના ભાવ ઓછા છે આવું કેમ હોઈ શકે ? આ માટે લોકોએ જાગૃત થઈ અને લડત કરવી પડશે. જો લોકો લડત નહીં કરે તો સરકાર જંત્રી ભાવ વધારો લાગુ કરી દેશે અને આ ભાવ વધારો કાયમ માટે બોજારૂપ એવું રહેશે. જંત્રીના ભાવ વધારાનો વાંધો નહીં રજૂ કરાય તો અવાર નવારનો વધારો થતો જ રહેશે. કોઈ પણ કાંઈ કરી શકશે નહીં તો અનેક જગ્યાએ એવા પણ ગામડા છે, જે વિસ્તાર વિકસિત થઈ ચૂક્યા છે એના ભાવ અને જે વિસ્તાર અવિક્ષિત છે એના ભાવ પણ સરખા કાઢવામાં આવ્યા છે તો એ પણ વ્યાજબી નથી. સરકારે જાહેર કરેલ યાદી પરત ખેંચી કે સંપૂર્ણ સર્વે કરી નવી યાદી જાહેર કરવી જોઈએ અને જો સરકાર આ બાબતે વિચાર નહીં કરે તો જાહેરહિતની પીઆઈએલ દાખલ કરવામાં આવશે.
મિટિંગમાં એવી પણ જાહેરાત કરી હતી કે, આગામી સમયે જમીન વ્યવસાયના ધંધાર્થીઓ, ક્રેડાઈ એસોસિએશન, ડેવલોપર એસોસિયેશન સહિત ધંધામાં જોડાયેલા અનેક લોકો આ બાબતે સરકારમાં રજૂઆત કરશે. સરકાર તરફથી જમીન - પ્લોટ ના તોતીંગ વધારાના વિરોધમા ભુજ બ્રોકર એસોસિયેશન આયોજિત સમગ્ર જમીન સલંગ્ન એકત્રિત થયેલ જેમા એસોસિયેશનના પ્રમુખ જીતેનભાઈ ઠકકર, નિવૃત જીલ્લા રજીસ્ટ્રાર અંબાદાનભાઈ પાયક જંત્રીમા વિસંગતતાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત હાઇકોર્ટેમા પીઆઈએલ દાખલ કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે.મિટિંગમાં ભુજ બ્રોકર એસોસિયેશનના ઉપપ્રમુખ જીતુભાઈ મસાલા વાળા, મંત્રી ફારૂકભાઈ ખત્રી, ખજાનચી શંકર ગુરનાની, નવીનગીરી ગોસ્વામી, ખુશાલભાઈ પરમાર, પ્રકાશભાઈ શુક્લ, કેતનભાઈ ગોર, પ્રિતેશભાઈ, હિતેશભાઈ, કિશોરભાઈ સહિત મોટી સંખ્યામાં બ્રોકર સંગઠનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
.................
...તો મકાન, ઓફીસ કે દુકાન ખરીદવા માટે અશક્ય
ભુજ : જંત્રીનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની દરેક પ્રકારની જંત્રીમાં અસહ્ય તોતિંગ વધારો થાય તેમ છે, જેના લીધે પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુથી વધારાની જંત્રીનો નાણાકીય વ્યહવાર, સ્ટેમ્પ ડ્યુટી અને ઇન્કમટેક્ષની બાબતમાં અનેક પ્રશ્નો ઉદભવે એમ છે. ઘણી બધી જગ્યાની જંત્રીની અમલવારી શક્ય જ નથી. સેકટરના ધંધા અને પ્રજાને પોતાના મકાન, ઓફીસ કે દુકાન ખરીદવા માટે અશક્ય થશે. સરકાર તરફથી ઓનલાઇન વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે તે બાબતે સરકારમાં અને કચ્છના પ્રજાકીય પ્રતિનિધિ પાસે યોગ્ય રીતે રજૂઆત અને જંત્રીનો સખત વિરોધ કરવા બાબતે કચ્છના બિલ્ડરો, ડેવલપરો, એસ્ટેટ બ્રોકરો, ઇન્વેસ્ટરસને બિઝનેસ સાથે જોડાયેલ એડવોકેટ, દસ્તાવેજ લખનારાઓને એન્જિનિયર્સ, સર્વેયર્સ પોતાના વિસ્તારની જંત્રીનો અભ્યાસ કરીને વાંધા સૂચનો તૈયારી કરવામાં આવે તે માટે ભુજ અને ગાંધીધામમાં બેઠક મળી હતી.

Comments