મોરબી જેલમાં ગેંગરેપના કેદીનો દારૂ સાથે વીડિયો વાયરલ : કચ્છ કનેક્શન ખુલ્યું
જામનગરના કેદીને ગેંગરેપ સહિતના ગંભીર ગુનામાં ભુજ જેલમાં રખાયો ત્યારે તેની સાથે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો પાકિસ્તાન નાગરીક પણ કાપતો હતો સજા : દારૂના ગ્લાસ સાથે આ બન્ને કેદી દેખાતા હોય તેવો વીડિયો વાયરલ થતા મોરબી જેલમાં સર્ચ દરમ્યાન વીડિયોમાં દેખાતી હકિકતો ન જણાઈ : પાલારામાં બન્ને એકજ બેરેકમાં સાથે રહેતા અને જમતા હોવાનું મોરબી જેલ તંત્રનું નિવેદન
ગાંધીધામ : જામનગરના બાબુ દેવા કનારા નામના આરોપી સામે સામૂહિક દુષ્કર્મ, આપઘાત માટે મરવા મજબુર સહિતની કલમો તળે ગુના નોંધાયેલા હોઈ તેને અગાઉ ભુજની પાલારા જેલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં સમારકામ ચાલતું હોઈ તેને મોરબી જિલ્લાની જેલમાં મોકલવામાં આવ્યો હતો, જયાંથી તેનો હાથમાં દારૂના ગ્લાસ સાથેનો વીડિયો વાયરલ થતા સમગ્ર મુદ્દો ચર્ચાના એરણે આવ્યો છે. વાયરલ વીડિયો લાઈવ છે છતાં મોરબીના જેલર સ્થાનીકેનો ન હોવાનું જણાવે છે, ત્યારે સાયબર ક્રાઈમની તપાસમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.ઈન્સ્ટાગ્રામ લાઈવ વીડિયોમાં બાબુની સાથે અન્ય એક શખ્સ દેખાય છે, જે પાકિસ્તાની નાગરીક છે. બાબુ છેલ્લા નવ વર્ષથી રાજયની અલગ અલગ જેલમાં સજા કાપે છે. છેલ્લે તે પાલારા જેલમાં હતો અને ઓગસ્ટ મહિનામાં મોરબી જેલમાં સીફટ કરાયો હતો. હાથમાં દારૂના ગ્લાસ અને અન્ય મિત્ર સાથે દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયા બાદ જેલતંત્ર સામે સવાલો ઉઠતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા ત્રણ કલાક સુધી જેલની જડતી લેવામાં આવી હતી. એ દરમિયાન જેલમાંથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ મળી નથી અને વાઈરલ વીડિયો મોરબીની સબ જેલનો ન હોવાનો દાવો કરાયો હતો. મોરબીના ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે હાલનો જે વીડિયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ મોરબી જેલની મુલાકાત લીધી હતી. અલગ-અલગ ત્રણ ટીમો બનાવી જેલ સર્ચ કરવામાં આવી હતી, જેમાં વીડિયો આ જેલમાંથી વાઈરલ થયો હોય એવી કોઈપણ જાતની માહિતી અમને મળી નથી, વીડિયો સાથે દ્રશ્યો મેચ થતા નથી. મોબાઈલ કે અન્ય કોઈ ગેરકાયદે વસ્તુ પણ મળી નથી.આ અંગે મોરબી સબ જેલના જેલર હરેશ બાબરિયાએ માધ્યમોને જણાવ્યું હતું કે આ આરોપી તા ૧૫/૮/૨૪થી મોરબીની જેલમાં આવ્યો છે. હાલમાં બાબુ કનારા અને તેની સાથે વીડિયોમાં દેખાતો બીજો કેદી પણ મોરબીની જેલમાં જ છે, પણ બંને મોરબીમાં જેલમાં જુદી-જુદી બેરેકમાં છે, જેથી આ વીડિયો મોરબીની જેલનો ન હોય એવું દેખાઈ રહ્યું છે. અગાઉ ભુજની પાલારા જેલમાં તે બંને સાથે હતા ત્યારે સાથે બેસતા અને નાસ્તો કરતા હતા એવી કબૂલાત તેમણે મોરબીના જેલર સમક્ષ આપી છે.આરોપી બાબુ સાથે જે પાકિસ્તાની નાગરિક છે તે મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં કેદ હતો. એટીએસ દ્વારા તેની પાસેથી આ ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ભુજ લાવવામાં આવ્યો હતો. જેલ ટ્રાન્સફર કરીને તેને મોરબી લાવવામાં આવ્યો છે. જોકે આ બંને આરોપીની બેરેક અહીં અલગ છે. બાબુ દેવા કનારા હાઈ સિક્યોરિટી ઝોનમાં છે, જ્યારે પાકિસ્તાની નાગરિક સાદી બેરેકમાં છે. બંનેનો મિલાપ અહીં શક્ય નથી. આગળની તપાસમાં હકીકતો ખુલવા પામશે.
...................
વીડીયોમાં જોવા મળતું બેકગ્રાઉન્ડ પાલારા જેલનું નથી
આ બાબતે પાલારા જેલના અધિક્ષક એસ.એન.લોહારનો સંપર્ક કરતા તેઓ હાલ રજા પર હોવાનું જણાવ્યું હતું. જો કે આ કેદીએ પોતે જેલ ટ્રાન્સફર માંગી મોરબી ગયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ઈન્ચાર્જ અધિક્ષક બી.એમ. ગોહેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, વાયરલ વીડિયો બાબતે અમે પણ તપાસ કરી હતી. જો કે તેમાં જોવા મળતું બેકગ્રાઉન્ડ પાલારામાં નથી અને બન્ને કેદીઓ અલગ અલગ રહેતા અને છુટા થયા તેને ઘણો સમય વીતી ગયો છે. અત્રે મહત્વનું છે કે, જો વાયરલ વીડિયો મોરબી કે પાલારાનો ન હોય તો હવે સાયબર ક્રાઈમે તપાસ સંભાળી મુળ સુધી પહોંચવું જોઈએ.

Comments