Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં વાર્ષિક કરાર પર દોડતા વાહનોમાં નિયમોનો ઉલાડિયો 

23 November



સરકારી કચેરીઓમાં કરાર આધારિત કામગીરીઓ બની ભ્રષ્ટાચારનો પર્યાય : આરોગ્ય શાખામાં વાર્ષિક કરાર પર વાહન ભાડે રાખવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર : અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ માટે ભાડે રખાયેલા વાહનોની તટસ્થ તપાસ થાય તો ટેક્સ ચોરી સહિત મોટા કૌભાંડનો થાય ખુલાસો : અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને વાહન માલિકોની સાઠ ગાંઠથી બેરોકટોક ચાલી રહી છે ગેરપ્રવૃત્તિ : સરકારી તીજોરીને લાખોનો ફટકો : જાણકારોએ વ્યક્ત કર્યો મતો 


ભુજ : સરકારી કચેરીઓ કરાર આધારિત ભરતીથી માંડી અન્ય કામગીરીઓ ભ્રષ્ટચારનો પર્યાય બની ગઈ છે. કેન્દ્ર કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓ કે ફિલ્ડ સ્ટાફ માટે વાહનો કોન્ટ્રાક્ટ બેઝ પર ભાડે રાખવામાં આવતા હોય છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ રાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ વાહનો ભાડે લેવામાં આવ્યા છે. જોકે, તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો ગણગણાટ સંભડાઈ રહ્યો છે.આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના દસેય તાલુકાઓમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા હેઠળ સંકલિત કામગીરી કરવામાં આવે છે. દરેક તાલુકા ક્ષેત્રના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામગીરી હાથ ધરવામાં આવે છે. જે-તે કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા બાળ આરોગ્યલક્ષી કામગીરી માટે વાહનોની વ્યવસ્થા વાર્ષિક કરાર આધારે ખાનગી ધોરણે કરવામાં આવી છે. સરકારી કચેરી દ્વારા વાર્ષિક કરારથી વાહન ભાડે રાખવાના ચોક્કસ નિયમો બનાવવામાં આવેલા છે પરંતુ કચ્છમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા યોજનાની કામગીરી હેતુ ભાડે રાખવામાં આવેલા વાહનોમાં સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન થયું છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. કોઈપણ સરકારી વિભાગ દ્વારા ભાડે રાખવામાં આવતા વાહનો સંપૂર્ણ સુરક્ષિત હોવા અનિવાર્ય છે. વાહનનું આયુ પણ નિયત સમયમર્યાદા હેઠળ હોવાની સાથે પીયુસી, વીમો વગેરે જેવા નિયમોનું પણ અચૂક પાલન કરવાનું રહે છે. જે-તે વિભાગ દ્વારા કરાર પર લેવાયેલા વાહનોના લોગ બુક ભરવાના થાય છે. આ ઉપરાંત જે કામગીરી માટે વાહન કરાર પર લેવામાં આવ્યું હોય તે સરકારી કામકાજ સિવાય અન્ય કામો માટે વાહનનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ આ નિયમોનું ધરાર ઉલ્લંઘન કરી ‘ખટારા’ જેવા જુના વાહનો ભાડે રાખવામાં આવ્યા છે. વાહનોના રજીસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડનો ખુલાસો થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વાહનોના ટેક્ષ, વીમા, પીયુસી વગેરેની ચકાસણી કરવામાં આવે. વાહન ટેકસી પાર્સિગ છે કે પ્રાઈવેટ તે સહિત અનેક પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. વાહનની લોગબુક અને વાહનની વર્તમાન સ્થિતિની પણ ચકાસણી કરવામાં આવે તો તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની નીચે રેલો આવી શકે છે. વાર્ષિક કરાર થકી લાખોનું ભાડું ઉઘરાવતા વાહન માલિકો અને તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાઠગાંઠથી સરાકરી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે.  આ અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના રાષ્ટ્રીય બાળ સુરક્ષા શાખાના અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જે વાહનો ભાડે રાખવામાં આવ્યા છે તેની સંપૂર્ણ જવાબદારી તાલુકા કક્ષાના અધિકારીની હોય છે. હાલ કચ્છમાં ૩૯ વાહનો વાર્ષિક કોન્ટ્રાક્ટર પર ભાડે લેવાયા છે, પરંતુ વાહોના ટેક્ષ, પીયુસી, વીમા વગેરેની માહિતી અંગે અજાણતા દર્શાવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કોન્ટ્રાક્ટ પર ભાડે અપાતા વાહનો અને મોટા પ્રવાસી વાહનોમાં ટેક્ષ ચોરી માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી કિમીયાગરો અપનાવતા હોય છે. વાહનના ટેક્સ બચાવવા એક જ નંબરના અનેક વાહનો માર્ગ પર દોડતા હોવાનો તાજેતરમાં ભંડાફોળ થયો હતો ત્યારે વાહનોના ચેસીસ નંબર, રજીસ્ટ્રેશન નંબર વગેરેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો મોટા કૌભાંડ બહાર આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM