Trending News
સ્થાનિક સમાચાર

રોકસોલ્ટના નામે દુબઈથી ૧.૬૧ કરોડની સોપારીની કરાઈ દાણચોરી

22 November

પૂર્વ કચ્છ પોલીસે સોપારી પકડી, કસ્ટમ - ડીઆરઆઈએ માત્ર ‘માવો’ જ ખાધો...



આ તો ભલુ થજો, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની પ્રમાણિકતાભરી લાલઆંખ સાથેની જાગૃતીનું.., નહી તો રોકસોલ્ટના નામે સોપારીકાંડના કેટલાય કન્સાઈનમેન્ટને અપાઈ ગયો હોત અંજામ? 



રોકસોલ્ટના નામે સોપારી કાંડના આ પ્રકરણમાં કયા ખાખીધારીની ભુમિકા પણ આવી શંકાના દાયરામાં : પોલીસની સાથે સેટીંગ કયા ખાખીધારી કે પછી અધિકારીએ કરાવવાની લીધી હતી જવાબદારી? ખાખીનો અધિકારી કે મોટો કર્મચારી સંડોવાયેલો
 હોવા છતા પણ સોપારીનો માલ કેમ પકડાઈ ગયો?


બે ટ્રેઈલરોમાં માલ ભરી સપ્લાય થાય તે પહેલા ચુડવાના પાર્કિંગ પ્લોટમાંથી મુદ્દામાલ કબજે કરાયો : આયાતકાર સહિત પાંચ લોકો સામે પૂર્વ કચ્છ એલસીબીએ નોંધાવ્યો ગુનો



ગાંધીધામ : કચ્છમાં ગાંધીધામ અને મુંદરા ખાતે અવારનવાર સોપારીની દાણચોરીના મામલા સામે આવતા રહે છે. ભૂતકાળમાં કરોડોના તોડકાંડ સાથે અનેક ખાખીધારીઓ ઝપેટમાં આવી ચુકયા છે. જેમ શિયાળો આવતા નલિયાકાંડ, કચ્છની ખારેક ચર્ચામાં આવે તેમ સોપારી બારમાસી મુદ્દો બની ગયો છે. મનાઈ હોવા છતાં આયાતકારો અન્ય નામે સોપારી મંગાવી દાણચોરી કરી ભ્રષ્ટ અધિકારીઓને પણ ‘માવો’ આપતા હોય છે, ત્યારે પૂર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામના ચુડવા ખાતેથી સોપારી ભરેલા ટ્રેઈલરો ઝડપી ગેરકાયદે સોપારી મંગાવવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.આ અંગેની વિગતો મુજબ દુબઈથી ગેરકાયદે રીતે ૧.૬૧ કરોડની સોપારી આયાત કરવામાં આવી હતી. પોલીસની સીલસીલાવાર તપાસમાં સામે આવ્યું કે, આરોપી મુળ રાજકોટના ઉપલેટાના અને હાલે સપનાનગરમાં રહેતા જુનેદ યાકુબ નાથાણી (મેમણ) અને મુંબઈના અંધેરીમાં રીયાઝભાઈએ કોઈપણ જાતના બીલ કે ઈન્વોઈસ વગર સરકારને ટેકસ ભર્યા વીના પ૩૯પ૦ કિલો સોપારી કિંમત રૂા. ૧,૬૧,૮પ,૦૦૦ નો મુદ્દામાલ દુબઈથી બે કન્ટેનરમાં મંગાવ્યો હતો અને આ સોપારી ટ્રેઈલર નંબર જી.જે.૧ર.બીઝેડ ૯પ૬૩ ના ચાલક વિશાલ ફુલચંદ જાટવ અને ટ્રેઈલર નંબર જી.જે.૧ર. બીએકસ ૬૩૪રના ચાલક બાબુલાલ કાનારામ જવાહરલાલ ગુર્જરના કબજાના વાહનમાં સોપારી રખાવી હતી. સોપારીના જથ્થા બાબતે સરકારમાં ટેકસ ન ભરી ગુનાહિત કાવતરૂં રચ્યું હતું. દુબઈથી જો સોપારી કહીને આયાત કરવામાં આવે તો બમણી ડયુટી ભરવી પડે જેથી રોકસોલ્ટ (સેંધાનમક) હોવાનું બતાવી તેની આડમાં સોપારી મંગાવવામાં આવી હતી. કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન ખાતે આવેલ એફ.એન.ઈમ્પેક્ષ નામની કંપનીના માલિક નઝીરા જાવેદ નાથાણીએ ખોટા બીલ બનાવી દુબઈથી ઈમ્પોર્ટેડ સોપારીની આયાત કરી હતી. રોકસોલ્ટના બીલ બતાવી સોપારી મંગાવી ઠગાઈ કરવામાં આવતા સરકાર તરફે એલસીબી પીએસઆઈ એમ. વી. જાડેજાએ તમામ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે, ચુડવા સીમ સર્વે નં. ૧૬-એ ખાતે આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી સોપારી ભરેલ વાહનો ઝડપી લેવાયા હતા. બી ડિવિઝન પોલીસમાં ૪૧-૧ (ડી) હેઠળ કાર્યવાહી કરી તપાસ કરવામાં આવતા સમગ્ર હકિકતો સામે આવી હતી. જેથી ફરિયાદ નોંધાવી છે. 
હાલ આયાતકાર જુનેદ નાથાણી તેમજ ડ્રાઈવર વિશાલ જાટવ અને બાબુલાલ ગુર્જરની અટકાયત કરી લેવાઈ છે. અન્ય લોકોની ધરપકડ માટે ટીમો બનાવાઈ છે તેમજ આ કિસ્સામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM