Trending News
સ્થાનિક સમાચાર

હત્યાના પ્રયાસની તપાસમાં અમદાવાદ  પોલીસ ગાંધીધામ પહોંચતા ચોંકી ઉઠી

21 November


જે આરોપીની ધરપકડ માટે આવી તેનું મોત થયાના મળ્યા સમાચાર : ચુંગીનાકાના પુલીયા પરથી પડી જવાના કારણે સેન્ડોનું થયું હતું મોત : આરોપી હત્યાના ગુનામાં સાબરમતી  જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ સરખેજમાં કર્યો હતો હુમલો


ગાંધીધામ : અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિરિયલ ક્રિમિનલ સ્ટોરી સાથે કચ્છ કનેક્શન સામે આવ્યું હતું. આરોપી સાબરમતી જેલમાંથી પેરોલમાંથી ફરાર થયો હતો. આ દરમિયાન તેણેે સરખેજમાં લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીનું ઓગસ્ટ મહિનામાં જ મોત થઈ ચૂક્યું છે. આરોપીએ અગાઉ પોતાની પ્રેમિકા સહિત ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી.સરખેજમાં ગત તા. ૧૯/૩/૨૪ના આદિલના શેખ સૂતો હતો, ત્યારે તેના પર અજાણી વ્યકિતએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ અંગે સરખેજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે શકમંદનો ફોટો અને આરોપીની મોડસ ઓપરેન્ડીની તપાસ કરતાં આરોપી યાસીન ખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની તપાસ કરતા તે હત્યાના ગુનામાં  સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેણે ૧૨/૨/૨૪થી ૨૩/૨/૨૪ સુધી પેરોલ રજા મેળવી હતી. આરોપી પેરોલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સરખેજના છાપરા સામે જાહેરમાં લૂંટના ઈરાદે તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.ક્રાઇમ બ્રાંચને બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી ગાંધીધામ ખાતે તેના ભાઇના ઘરે હતો. ક્રાઈમ બ્રાન્ચના ટીમ આરોપીના ભાઈ મહેબૂબ ઈબ્રાહીમખાન પઠાણના ઘરે પહોંચી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, આરોપી યાસીનખાન ઉર્ફે સેન્ડો ઉર્ફે લબુ ઈબ્રાહીમખાન પઠાણનું મૃત્યુ થયું હતું. ૫/૮/૨૦૨૪ના રોજ ગાંધીધામના ચુંગીનાકા ખાતે પુલ પરથી પડી જતાં આરોપીનું મોત થયું હતું.ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યું છે. પીઆઈ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આરોપીએ જુલાઇ ૨૦૦૯માં આરોપી જેલમાંથી છૂટ્યા બાદ 
આરોપીએ તેની પ્રેમિકાની શંકાના કારણે હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. એક વર્ષ અગાઉ આરોપીએ એક વ્યક્તિનું ગળું દબાવી હત્યા કરી હતી. એક વ્યક્તિ પાસેથી ૩૦૦ રૂપિયા માટે એલિસબ્રિજ નીચે અને મફલર વડે ગળું દબાવી હત્યા કરી હતી. આરોપી દિવસ-રાત એકાંત સ્થળોએ એકલતાનો લાભ લઇ લૂંટના ઇરાદે લોકો પર જીવલેણ હુમલા કરવાની ટેવ ધરાવતો હતો..

Comments

COMMENT / REPLY FROM