ઈમામી કંપનીના સંચાલકો વિરૂદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરો
ગંભીર માનવસર્જિત ભૂલોના ભોગ બની નિર્દોષ શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા : ટાંકામાં ઓક્સિજનનું લેવલ ચેક કરવાની ન લેવાઈ હતી દરકાર : રાજ્યની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી કુંભકર્ણ નિંદ્રામાં : કામદાર અને કર્મચારી કોંગ્રેસે સાત દિવસમાં પગલાં ન લેવાય તો ધરણા પ્રદર્શનની ઉચારી ચીમકી
ગાંધીધામ : વીતેલા બે દાયકામાં કચ્છ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક વિકાસના પગલે અનેક મહાકાય ઉદ્યોગો અહીં ધમધમતા થયા છે. ઔદ્યોગિક વિકાસની સાથે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધ્યું છે. ગાંધીધામ સંકુલમાં વિવિઘ ઔધોગિક એકમોમાં ગંભીર માનવસર્જિત ભૂલોના ભોગ બની અનેક શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. અકસ્માતનો ભોગ બનેલા શ્રમિકોને ન્યાય બાબતે અનેક રજૂઆતો રાજ્યની
ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીએ કરવામાં આવેલ છે, પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલ તંત્ર દ્વારા આજ સુધી કોઇપણ નક્કર પગલાં લેવાયા નથી તેવો આક્ષેપ કામદાર અને કર્મચારી કોંગ્રેસ, ગુજરાત પ્રદેશના ચેરમેન ભરતભાઈ વી. સોલંકીએ કર્યો હતો.શ્રી સોલંકીએ કચેરીના નાયબ નિયામકને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં સંકુલમાં હર્ષ ફયુલ્સ પ્રા. લિ., લુણવા ,કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., બુઢારમોરા,ઇમામી એગ્રો ટેક લિ.,વગેરેએ કંપનીઓમાં નિર્દોષ કામદારોના મૃત્યુ થયા છે. આ અકસ્માતે થયેલા મૃત્યુ નથી પરંતુ કંપનીઓના સત્તાવાળાઓની બેદરકારીને કારણે થયેલ હત્યા છે. તાજેતર માં ઈમામી એગ્રોટેક લિ, કંડલા માં બનેલ બનાવમાં કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. છેડચોક ફેક્ટરી એક્ટ રુલ્સ ૧૯૪૮ અને ૧૯૬૩ ના કાયદાનો ભંગ કરવામાં આવેલ છે. બંધિત જગ્યામાં કામ કરતા કામદારોના નિયમોનું છેડછોક ભંગ કરવામાં આવેલ છે. સૌથી સામાન્ય બાબત કે કોઇપણ રસાયણ ના ટાંકામાં કામદારને ઉતારતા પહેલા અંદરનું ઓક્સિજન લેવલ ચેક કરવું ફરજિયાત છે. ઓક્સિજન લેવલ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો પણ છે, જેમાં ઓક્સિજન લેવલ ૨૦.૯% થી ૨૧.૪% વચ્ચે હોવું જોઈએ. ઇમામિ કંપનીએ આવા નિયમોનું ઉલ્લંઘન કરીને કામદારોને મોતના મુખમાં ધકેલી દીધા હતા. જેથી કંપની સંચાલકો વિરુદ્ધ માનવ હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવે તેવી ફરિયાદ કરેલ છે, પરંતુ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારનીની ગંભીરતા ન દાખવી કંપની સંચાલકોને છાવરવા નો પ્રયાસ કરવામાં આવેલ છે. આગામી સાત દિવસમાં જો કંપની ના નીચે જણાવેલ સંચાલકો વિરુદ્ધ માનવ હત્યાનો ગુન્હો દાખલ કરવામાં નહીં આવે તો કચેરી સમક્ષ ધરણા યોજી ને વિરોધ કરવાની ચીમકી શ્રી સોલંકીએ ઉચ્ચારી હતી. તંત્ર દ્વારા પગલાં ન લેવાય તો માનવ અધિકાર આયોગ માં આપના વિરુદ્ધ ફરિયાદ કરવામાં
આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Comments