Trending News
સ્થાનિક સમાચાર

લાખાપરના ખાતર પ્રકરણમાં નવા કડાકા-ભડાકા :પોલીસતંત્ર એકશનમાં : નીવેદનોનો દોર શરૂ : ખેતીવાડીતંત્ર સામે સવાલ?

21 November

ગઢશીશા પટ્ટાના નિકુંજે માલ આપ્યાનો ખુલાસો


નિવેદનનોનો દોર હાથ ધરાયો છે, જેમાં હકીકતો ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે : બી એસ ચૌહાણ (પીએસઆઈ-અંજાર પોલીસ મથક)

નિમ કોટેડ યુરિયાની ગેરકાયદે હેરફેર ઝડપાયા બાદ ખેતીવાડી વિભાગે ફરિયાદ નોંધાવી પોલીસ પર નાખી હતી ખો : પોલીસતંત્ર પ્રકાશ-નિકુંજના કડક રાહે પુછાણા લે તો સબસીડીવાળા ખાતરના વકરેલા નેટવર્કની મહત્વપૂર્ણ કડીઓ હાથ લાગી શકે : ખેતીવાડી વિભાગની અડધી અધુરી તપાસો પણ શંકાના દાયરામાં


ખાટલે મોટી ખોટઃ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રકાશ પટેલ અને નિકુંશના નામો કેમ છુપાવાય? યુરીયા-સરકારી ખાતર છે તો કઈ મંડળીનો મંજુર થયેલ આ ખાતર હતુ? ખેતીવાડી વિભાગે કેમ ન કરી એ દીશામાં તપાસ? ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપાયેલા યુરીયાના કેસમાં મંડળીનું લાયસન્સ રદ કરી દેવાયુ તો લાખાપર વાળા કેમમાં કેમ નહી? : ભીમાસરની કઈ પ્લાય કંપનીમાં સરકારી-સબસીડીવાળુ ખાતર સપ્લાય થવા જઈ રહ્યું હતું? કેમ તેનો કોઈ જ ફોડ પાડવામાં ન આવ્યો?



અંજાર : તાલુકાના લાખાપર ગામે ગત ૧૪ ઓકટોબરના ખેડૂતોએ નિમ કોટેડ યુરિયા લઈને જતા ટેમ્પોને ઝડપી લીધો હતો અને ખેતીવાડી વિભાગને જાણ કરી હતી. ખેતીવાડી વિભાગને કરવાનું કામ ખેડૂતોએ કરતા રહી રહીને પહોંચેલી ટીમે પંચનામાનો નાટક કરી સેમ્પલ તપાસ માટે જુનાગઢની લેબ માટે મોકલ્યા હતા. રીપોર્ટમાં નીમ કોટેડ યુરિયા હોવાનું જણાઈ આવતા જે તે સમયે ખેડૂતોએ પકડેલા ટેમ્પોના ડ્રાઈવર તરસંગજી જીવણજી રણાવાડીયા અને વાહન માલિક ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ પૂર્વે અંજાર પોલીસમાં જાણવા જોગ દાખલ થઈ હતી.  જેમાં બોલેરો માલિકની કેફીયતની આધારે ભચાઉના પ્રકાશ પટેલના ઘરે તપાસ કરતા ર૭ બોરી યુરીયા મળ્યો હતો. તેમજ ગઢશીશાના નિકુંજ ઓઝાએ માલ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે, ખેતીવાડી વિભાગે આ બન્નેના નામ દર્શાવ્યા ન હતા. માલ સરકારી હતો, જેથી કોઈ મંડળીને મંજૂર થયો હશે પરંતુ ખેતીવાડી વિભાગે કોઈ તપાસ ન કરતા ફરિયાદ નોંધાવી સંતોષ માની લીધો હતો. 
આ પૂર્વે પણ એલસીબીએ ગાંધીધામ જીઆઈડીસીમાં લક્ષ્મી પોલીમર્સ ખાતે યુરિયા ખાતર ખાલી કરવા ઉભેલા ટેમ્પોને ઝડપી ર૬૪ બોરી યુરિયા કબજે કર્યો હતો. તેમાં કકરવા ફળ અને શાકભાજી સહકારી મંડળીનું લાયસન્સ રદ્‌ કરાયું હતું. 
તો લાખાપરના કિસ્સામાં કેમ ખેતીવાડી વિભાગે કાર્યવાહી ન કરી તે સવામણનો સવાલ છે. જે તે સમયે પંચનામામાં આ જથ્થો ભીમાસરની પ્લાય કંપનીમાં જતો હોવાનું કબુલાતનામુ રજુ કરાયું હતું. પરંતુ ખેતીવાડી વિભાગે ફરિયાદમાં આ તમામ મુદ્દાઓનો છેદ ઉડાળી સામાન્ય ફરિયાદ દાખલ કરાવી હતી, જેથી આ પ્રકરણમાં ખેતીવાડી વિભાગ શંકાના દાયરામાં છે. અલબત પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અંજાર પીએસઆઈ બી. એસ. ચૌહાણે જણાવ્યું કે, આ બાબતે હાલમાં નિવેદનનોનો દોર હાથ ધરાયો છે, જેમાં હકીકતો ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ છે કે, આ માલ આરોપીઓ પાસેથી કયાંથી આવ્યો ? તે તપાસમાં બહાર આવશે.

Comments

COMMENT / REPLY FROM