Trending News
સ્થાનિક સમાચાર

કિડાણા જમીન ફાળવણી કેસમાં  પ્રદીપ શર્માને મળ્યા આગોતરા જામીન 

20 November



સુપ્રિમ કોર્ટે ૧પ૦ એકર જમીન ફાળવણી કેસમાં પૂર્વ કચ્છ કલેક્ટર ધરપકડથી આપ્યું રક્ષણ : વર્ષ ર૦૧ર મા નોંધાયેલ ફરિયાદને રદ કરવાની અરજી અદાલતે ફગાવી 


નવી દિલ્હી : કચ્છ જિલ્લાના કિડાણામાં અંદાજીત ૧પ૦ એકર જમીન ફાળવણીના કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં સુપ્રિમ કોર્ટે સોમવારે કચ્છના પૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને ધરપકડથી રક્ષણ આપ્યું છે. જોકે, સુપ્રિમ કોર્ટે આપેલા આગોતરા જામીનથી પ્રદિપ શર્માને કોઈ રાહત મળશે નહીં. કારણ કે, તેમની સામે નોંધાયેલ બહુવિધ કેસોના સંબંધમાં ચાર વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે પ્રદીપ શર્માની અરજીનો નિકાલ કરતા ૧ માર્ચ, ર૦૧૯ ની ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો અને વર્ષ ર૦૧ર મા નોંધાયેલા કેસને રદ્દ કરવાની અરજી ફગાવી હતી. બેન્ચે આ કેસમાં તપાસમાં સહકાર આપવા પ્રદીપ શર્માને નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં કસ્ટડીની જરૂર હોય તો તપાસ એજન્સીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં જવા જણાવાયું હતું. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાહતની ગ્રાન્ટનો વિરોધ કર્યો હતો. ખંડપીઠે તપાસ એજન્સી પાસે કસ્ટોડિયલ પુછપરછ માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા હોવાનું જણાવાયું હતું. પ્રદીપ શર્માના વકીલ દેવદત કામને તેમનો અસીલ ૭૧ વર્ષનો હોવાનું અને અન્ય કેસોમાં સાડા ચાર વર્ષથી વધુ સમયથી ન્યાયીક કસ્ટડીમાં હોવાનું જણાવ્યું હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે બનાવટી દસ્તાવેજોના આધાર ૩૦ જુદી જુદી પેઢીઓને કિડાણા સામે ૧પ૦ એકર જમીન ફાળવણીમાં અનિયમિતતા માટે તત્કાલિન કલેક્ટર સામે નોંધાયેલ એફઆઈઆર રદ્દ કરવાની અરજી ફગાવી હતી. પ્રદીપ શર્માએ દાવો કર્યો હતો કે, તેમની સામે જુદા જુદા કેસો નોંધવાનું કારણ રાજકીય દ્વેષ છે. તેઓ અને તેમના ભાઈ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા રાજ્યના રાજકીય સેટઅપની ગુડબુકમાં ન હોવાથી શ્રેણી બદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM