સામખિયાળીમાં મુંબઈવાસી મહિલાનું નામ ધારણ કરી જમીનનો બારોબાર સોદો કરાયો
લાકડીયા - હિંમતપુરા - મુંબઈના આરોપીઓ સામે સામખિયાળીમાં નોંધાઈ ફરિયાદ
ભચાઉ : વાગડ વિસ્તારમાં આવેલી જમીનો મુળ માલિકની જાણ બહાર વેચસાટની પ્રવૃતિ થઈ રહી છે. ગઈકાલે લાકડીયાની કિંમતી જમીન મુળ માલિકની જાણ બહાર વેચવાની પ્રવૃતિ કરાતા ફરિયાદ થઈ હતી. જે બાદ હવે સામખિયાળીમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે.
આ બાબતે સામખિયાળી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી મુંબઈના મલબાર હિલમાં રહેતા બેલાબેન રાજેશભાઈ શાહે જણાવ્યું કે, તેમની સામખિયાળી સર્વે નં. પ૬/ ર જમીન આવેલી છે. જેમાં પ્લોટ નં. ૩ થી ૯ કુલ્લ ૭ પ્લોટ ની જમીન વેચસાટની પ્રવૃતિ કરાઈ હતી. બેલાબેન રાજેશભાઈ શાહનું નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીએ ખોટી સહી કરી આ મિલકત બદ દાનતથી આપી દેવા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરાવી સાચા તરીકે ભચાઉ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવ્યા હતા. જેમાં સાક્ષી તરીકે હીંમતપુરાના તાહીરશા રહીમશા ફકીર અને મુંબઈ ખારઘરના મીના અતુલ પટેલે સહી કરી હતી. ખોટા દસ્તાવેજ લાકડીયાના જુસબ સુલેમાન ગગડાએ તૈયાર કરાવ્યા હતા. સમગ્ર મામલે મુળ ફરિયાદીને જાણ થતા તેઓએ સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
...............
લાકડીયાની જમીનમાં બારોબાર સાટાખત કરનારો ઝડપાયો
લાકડીયા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં રેવેન્યુ સર્વે નં. પ૩પ, પ૧૪, પ૩૬ વાળી જમીનનો ૧.ર૮ કરોડમાં સોદો કરી સુથી પેટે ૩૧.૭પ લાખ મેળવી લેવાયા હતા. મુળ માલિકની જાણ બહાર આ સોદો કરવામાં આવ્યો હતો. જે અંગે ફરિયાદ દાખલ થતા લાકડીયા પોલીસે આરોપી ગામના રોહિતગીરી પ્રભુગીરી બાવાજીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ કિસ્સામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરે તો અન્ય ભોપાળા સામે આવે તેમ છે.
.................
માદરે વતન રહેલી મિલ્કતોના સંરક્ષણ માટે સરકાર કાયદો બનાવે તેવી માંગ કરી
ભચાઉ : કચ્છ અને મુંબઈનો અનેરો નાતો રહ્યો છે. ધંધાર્થે કચ્છીઓ મુંબઈમાં સ્થાયી થયા છે. પરંતુ માદરે વતનમાં તેઓની મિલ્કતો રહેલી છે. ખાસ કરીને વાગડ ઉપરાંત ભુજ, અબડાસા સહિતના વિસ્તારમાં મુંબઈવાસીઓની મિલ્કતો રહેલી છે. વાગડ અને અબડાસામાં અવારનવાર મુંબઈવાસીની મિલ્કતો બારોબાર પચાવી લેવાના મામલા સામે આવે છે. જે ખુબ ચિંતાજનક બાબત છે. ખરેખર સરકારે લેન્ડ ગ્રેબિંગ કાયદો અમલમાં મુકયો છે. તેવી રીતે માદરે વતનમાં રહેલી મિલ્કતોના સંરક્ષણ માટે કાયદો બનાવવામાં આવે અથવા તો આવા કિસ્સાઓમાં આરોપીને કડક સજા થાય તેવું પ્રાવધાન કરવામાં આવે તે જરૂરી છે.

Comments
solanki chetan
Jay Mata ji