કચ્છની ૪૨૪ લીઝો પર ખાણકામ હજુય બંધ : રોયલ્ટીની આવકમાં મોટો ઘટાડો
પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનના અભાવે
’
ચોમાસું પુર્ણ થયા બાદ બાંધકામ ક્ષેત્રે ખનીજની અછત સાથે રોજગારીનો મોટા પ્રશ્ન સર્જાયો : છેલ્લા પાંચ મહિના દરમિયાન સરકારી તિજોરીને અંદાજિત ૨.૫ કરોડનું નુકશાન : બાંધકામ મટેરીયલના ભાવ બમણા થઈ જતા મધ્યમવર્ગીય પરિવારો માટે ઘર બનાવવું થયું મોંઘુ : અનેક સરકારી અને ઔદ્યોગિક પ્રોજેક્ટ રો-મટેરીયલની અછતથી મૂકાયા ઘોંચમાં : સંલગ્ન વ્યવસાયોને માઠી અસર અનેક શ્રમજીવીઓના રોજગાર પર સર્જાયું સંકટ
ભુજ : પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ જિલ્લામાં રેતી, બ્લેકટ્રેપ, ચાઈનાક્લે સહિતની લીઝના એટીઆર બંધ થયાને પાંચ માસ જેટલો સમય થયો છે. ઈસીના અભાવે લીઝ એટીઆર બંધ થતા સરકારી તિજોરીને રોયલ્ટી રૂપે થતી આવકમાં ઘટાડો થયો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ૩૦૫ લીઝ પૈકી ૧૮૪ લીઝના એટીઆર ઈસી અને માઈન્ડિંગ પ્લાનના અભાવે બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં ૭૨૫ લીઝ પૈકી ૨૪૦ જેટલી લીઝો પર ખનન બંધ થયું હતું. હાલે કચ્છ જિલ્લામાં કુલ ૪૨૪ લીઝો પર્યાવરણીય પ્રમાણપત્ર અને માયનિંગ પ્લાનના અભાવે બંધ ચાલી રહી છે. રાજ્ય સરકારના નિયમ અનુસાર ઈસીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આવી લીઝના એટીઆર ફરી શરૂ કરવા તંત્રએ નનૈયો ભણી દીધો છે.
ચાઇનાક્લે, બેન્ટોનાઇટ, બોકસાઈટ વગેરેની લીઝ પર ખનન બંધ થતાં રો-મટેરીયલની અછત સર્જાઈ છે. અનેકવિધ મોટા સરકારી અને ખાનગી પ્રોજેક્ટ પણ ઘોંચમાં મૂકાયા છે. હાલે ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. ચોમાસુ વરસાદ બાદ કચ્છ જિલ્લામાં બાંધકામ પ્રવૃત્તિ ફરી વેગવાન થતાં રો-મટીરીયલની ભારે માંગ ઉભી થઈ છે. લીઝ એટીઆર બંધ થયાની જે અસર દેખાઈ છે તે માત્ર ટ્રેલર સમાન છે. તેની વધુ અસર આગામી દિવસોમાં દેખાશે તેવું જાણકાર વર્ગ જણાવે છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છમાં ર૪૦થી વધુ લીઝ પર ખાણકામ ઈસીના અભાવે બંધ થયું છે. જેમાં બેન્ટોનાઈટ, રેતી, માટી, બ્લેકટ્રે, સ્ટોન, ચાઈનાક્લે જેવી ખાણ પર ખોદકામ બંધ થયું છે. ભુજની ખાણ ખનીજ કચેરીમાં લીઝ એટીઆર બંધ થયા છે તે પૂર્વે જુન-ર૦ર૪ મા ૧ર૭ર.૯ર લાખની આવક થઈ હતી. લીઝ એટીઆર બંધ થયા બાદ ૧ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી તે આવક ઘટીને ૭૦૪.૯૭ લાખ થઈ હતી. માત્ર એક માસ જેટલા સમયગાળામાં સરકારી તિજોરીને પ૬૭.૯પ નો ફટકો પડ્યો હતો. વીતેલા પાંચ માસ દરમિયાન સરકારી તિજોરીને અંદાજિત ૨.૫ કરોડથી વધુનો ફટકો પડ્યો છે.
બીજીતરફ બાંધકામમાં વપરાતા રો-મટેરીયલના ભાવમાં પણ વધારો થયો છે. મોટા ભાગના મટેરીયલના ભાવ બમણા થઈ ગયા હોવાથી બાંધકામ ક્ષેત્રે તેની અસર જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવું મોંઘું થયું છે. તો હાલે કચ્છમાં પ્રગતિ હેઠળના નાના-મોટા સરકારી પ્રોજેક્ટ માટે પણ રો-મટીરીયલની અછત સમસ્યા સમાન બની છે. તેની સાથે બાંધકામ સાથે સલ્ગન વેપારને પણ અસર થવા લાગી છે. કચ્છની અનેક લીઝ પર ખાણકામ બંધ થયું હોવાથી ટ્રાન્સપોર્ટ સહિતના સંલગ્ન વ્યવસાયોમાં પણ મંદીના વાદળો ઘેરાયા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓના રોજગાર પર પણ સંકટ ઊભુ થયું છે.
ઇસી મુદ્દે સરકારના વલણ સામે કચ્છ સહિત રાજ્યભરના લીઝધારકો દ્વારા લીઝધારકોના હડતાલ પણ કરવામાં આવી હતી. વિવિધ માઈનિંગ સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સમાધાનકારી નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ સહિત રાજ્યભરના લીઝધારકોએ ઈસી મેળવવાની જટીલ પ્રક્રિયાને સરળ બનાવવા અને પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવા એક વર્ષની મુદ્દત આપવા સાથે નાની લીઝ માટે ઈસી અને માઈનીંગ પ્લાનની અનિવાર્યતા અંગે પુનઃ વિચાર કરવા રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકાર સાથે સંગઠનની વાટાઘાટો સફળ રહ્યા બાદ ઈસીવાળી લીઝો ફરી ધમધમતી થઈ છે પરંતુ પર્યાવરણીય પ્રમાણપત્ર ન ધરાવતી કચ્છ જિલ્લાની ૪૨૪ લીઝ હજુ પણ બંધ છે. પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના એન. એ. પટેલ અને પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, પર્યાવરણીય મંજૂરી અને માઇનિંગ પ્લાનની પૂરતા કરવામાં નહીં આવે ત્યાં સુધી બંધ પડેલી કોઈ પણ લીઝ ફરી શરૂ થશે નહીં.
..................
પર્યાવરણીય મંજૂરી મેળવવામાં ઉદાસીનતા લીઝધારકો માટે બની મુસીબત
ભુજ : ભૌગોલિક વિશાળતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. લીઝ અને રોયલ્ટી મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે. પરંતુ કચ્છના લીઝધારકો દ્વારા સરકારના નિયમોની અવહેલના થતી હોવાની અને જરૂરી પર્યાવરણીય મંજુરી મેળવવામાં લીઝધારકો ઉદાસીન રહેતા હોવાની વ્યાપક ચર્ચાઓ બાદ પૂર્વ અને પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવામાં ઉદાસીનતા દાખવનાર લીઝધારકો સામે તંત્રએ લાલઆંખ કરી હતી. ગુજરાત સ્ટેેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટી (સીઆ) દ્વારા એન્વાર્યમેન્ટ કલિયરન્સ મેળવવાનું અનિવાર્ય રહે છે. વર્ષ ર૦૧૪-૧પથી તમામ લીઝધારકો માટે આ નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. જો કે ઈસી મેળવવાની પ્રક્રિયા સમય વિતતા જટીલ બની છે. જેથી મોટાભાગના લીઝધારકોએ હજુ સુધી ઈસી મેળવ્યા નથી. લીઝધારકોને વારંવાર તાકીદ કરવા છતાં ઈસી મેળવેલ ન હોવાથી તમામ લિઝના એટીઆર બંધ કરી દેવામાં આવ્યા હતા.
............
નિયમની અમલવારીમાં કોઈ બાંધછોડ નહીં
પૂર્વ અને પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાની અન્ય લીઝ માટે પણ ઈસી મેળવવાનું અનિવાર્ય છે. તંત્ર દ્વારા તમામ લીઝધારકોને વારંવાર તાકીદ કરવા છતાં જરૂરી પૂર્તતા કરવામાં આવી નથી. રાજય સરકારના નિયમની સઘન અમલવારી થકી કચ્છની ૪ર૪ જેટલી લીઝ પર ખાણ કામ હજુ પણ ઠપ્પ જ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઈનીંગ પ્લાન ન ધરાવતી તમામ લીઝના એટીઆર બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગત જુલાઈ મહિનામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં એટીઆર બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Comments