ભુજમાં રેલવેના ભંગાર કેસમાં પેટા કોન્ટ્રાક્ટર અને વચેટીયાને બારોબાર રાખવા પાંચ આંકડામાં વહીવટ થયો
દિવાળી અગાઉ એલસીબીએ રેલવે સ્ટેશન પાસેથી બોલેરોમાં બે શખ્સોને ભંગાર સાથે ઝડપ્યા હતા
બે ઈસમ ઝડપાયા બાદ એ ડિવિઝન પોલીસમાં રેલવેનું કામ કરતા કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી
ભુજ : જિલ્લામાં અવારનવાર કેબલ તેમજ પવનચક્કીના ૫ાર્ટ્સની ચોરીની ઘટનાઓ બનતી હોય છે જે અમુક ચોપડે પણ ચડે છે આવી મોટાભાગની ઘટનાઓમાં ચોર અને માલ ખરીદનાર ભંગારના વેપારીઓ વચ્ચેની કડી એટલે કે વચેટિયાઓના નામ ક્યારેક જ જાહેર થાય છે. આવી જ રીતે ગત ૧૭મી ઓક્ટોબરે રેલવે સ્ટેશન પાસે આધાર ૫ુરાવા વગરના ભારતીય રેલવેના લોખંડનો ભંગાર લઈને વેચવા માટે જતા બે જણાને એલસીબીએ ઝડપી લઇ બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા જેમાં પાછળથી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બનાવમાં
પેટા કોન્ટ્રાક્ટર અને વચેટિયાને બારોબાર કરી દેવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.એલસીબીની ટુકડીએ રેલવે સ્ટેશનથી અમન નગર તરફ આવતી એક બોલેરોને રોકાવીને તલાસી લીધી હતી જેમાં મોહિત મહેશ્વરી અને સુરેશ ઠાકોર પાસેથી રેલવેનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. ભારતીય રેલવેનો સામાન ક્યાંથી આવ્યો તે અંગે તેમને પ્રાથમિક પૂછ૫રછમાં જણાવ્યું કે, આ સામાન કાદરભાઈ પરમારે પ્રભુનગર પાસે આવેલા વાડામાંથી ભરી આપેલ હોવાનું અને ગની લોટાના વાડામાં ખાલી કરવા જતા હોવાની કેફિયત આપી હતી, બાદમાં આ બંનેને મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે સોંપ્યા હતા. જે કિસ્સામાં પાછળથી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે રેલવે અને એનટીસીનું કામ કરતા એમ. કે. ટ્રેડર્સના સુપરવાઇઝર ક્રિષ્ના કોમટીએ ફરિયાદ નોંધાવી હતી. રેલવેનો સામાન અગાઉ કેટલી વખત સગેવગે કરવામાં આવ્યો તે અંગેની પૂછપરછ તો એક તરફ જ રહી ગઈ અને આ બનાવમાં વચેટીયાની ભૂમિકા ભજવનાર ઇમરાન તેમજ જેના કહેવાથી આ માલ ભર્યો હતો તેવા કાદરની સામે ફરિયાદ જ નોંધાઈ ન હતી. આ બનાવમાં પેટા કોન્ટ્રાક્ટર તેમજ ચોર અને વેપારીની વચ્ચેની કડી એવા ઇમરાનને પણ બારોબાર રાખવા માટે પાંચ આંકડામાં મોટો વ્યવહાર થયો હોવાની ચર્ચાએ વેપારીઓમાં ભારે જોર પકડ્યું છે.
...............
પેટા કોન્ટ્રાક્ટરે આવો અનેક માલ અગાઉ વેચી માર્યો હોવાની ચર્ચા
ભુજના નવા રેલવે સ્ટેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે જુના રેલવે સ્ટેશનમાં રહેલા મટીરીયલ્સ અને લોખંડની વસ્તુઓ બારોબાર પેટા કોન્ટ્રાક્ટરે વચેટીયા મારફતે વેચી દેવાની એક ખેપને એલસીબીએ પકડી લીધી છે ત્યારે અગાઉ અનેક વખત આ લોકો માલ બારોબાર ભંગારના વાડાઓમાં વેચી માર્યો હોવાની વાત સૂત્રોમાંથી જાણવા મળી છે. જોકે એલસીબી કે સ્થાનિક ૫ોલીસે પકડાયેલા બંને જણાની આકરી પૂછપરછ કરવાનું ટાળ્યું હતું.
................
વહીવટના ડખા વચ્ચે એલસીબીએ પધ્ધર વિસ્તારના વહીવટદારને બદલ્યા
ભુજ એલસીબી અને પધ્ધર પોલીસ દ્વારા થતી કામગીરી વચ્ચે અવારનવાર વિવાદ ઊભો થતો હતો જોકે તે વિવાદ હવે શાંત પડ્યો છે. અગાઉ જુગારની રેડ બાદ કાઉન્ટર કેસ વખતે ડખો ચરમશીમાએ પહોંચી ગયો હતો હવે એલસીબીના પધ્ધર બીટ વિસ્તારના જુના વહીવટદારમાં “સુરા”તન રહ્યું ન હોવાથી નવા એક કર્મચારીને આ વિસ્તારની વહીવટની જવાબદારી સોં૫ીને જુનાને સાઈડલાઈન કરી દેવાયા છે. નવા વહીવટદારને જવાબદારી સોંપાતા ધ્યાને આવ્યું કે, જુના વહીવટદાર દ્વારા કેટલી ખાયકી કરવામાં આવતી હતી અને તે ખાયકીનો આંકડો સાંભળીને અધિકારી પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

Comments